Dr. team with new born kid edited

૧૮ વર્ષના લગ્નજીવન, અનેક નિષ્ફળ પ્રસુતિઓ બાદ ૪૨ વર્ષની વયે જન્મેલા પ્રિમેચ્યોર શિશુનો ખિલખિલાટ સિવિલના તબીબોએ અણનમ રાખ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના
ડોક્ટર્સે દેવદૂત સમાન ભૂમિકા ભજવીને એક નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો

૧૮ વર્ષના લગ્નજીવન, અનેક નિષ્ફળ પ્રસુતિઓ બાદ ગરીબ બહેનને ૪૨ વર્ષની વયે જન્મેલા પ્રિમેચ્યોર શિશુનો ખિલખિલાટ અમદાવાદ સિવિલના તબીબોએ અણનમ રાખ્યો

પ્રિમેચ્યોર ડિલિવરીથી જન્મેલા બાળકની ૫૧ દિવસ સુધી એન.આઈ.સી.યુમાં કાળજી લઇને ડોક્ટર્સે બાળકને જીવન પ્રદાન કર્યું

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: જ્યારે મુખ સુધી આવેલો સુખનો કોળિયો છિનવાઈ જતો લાગે ત્યારે ભલભલા માણસને પણ લાગે છે કે ભાગ્યની દેવી ક્યાંક તેમની મશ્કરી તો નથી કરતી ને? ખાસ કરીને આરોગ્યના કિસ્સામાં આવું જ્યારે પણ બને છે, ત્યારે ડોક્ટર્સ દેવદૂતની જેમ માણસને કઠિન સ્થિતિમાંથી ઉગારી લે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવો જ એક કિસ્સો બન્યો, જેમાં ડોક્ટર્સે દેવદૂત સમાન ભૂમિકા ભજવીને એક નિઃસંતાન બહેનના ઘરે નાના શિશુનો ખિલખિલાટ ગૂંજતો કરવામાં નિમિત્ત બન્યાં છે.

Whatsapp Join Banner Guj

હિન્દીમાં એક રચનાકારે કહ્યું છે કે “મેરે લિયે ન આસમાં હોતા, ન ઝમીન હોતી, અગર માં તુમ ન હોતી”… આપણા સમાજમાં માતાને સૌથી ઊંચો મોભો પ્રાપ્ત થયો છે, એટલે જ માતૃત્વને સુખની સંજ્ઞા મળી છે. પરંતુ સમાજમાં કમનસીબે એવી ઘણી બહેનો છે કે જેને શેર માટીની ખોટ રહી જાય છે, તેમને માતૃત્વનું સુખ મળતું નથી અથવા તો લાંબા સમય સુધી તેના માટે ટળવળવું પડે છે.

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા જશોદાબહેનના નસીબ પણ વિધાતાએ કંઈક અલગ જ લખ્યા હતાં. લગ્ન પછીના ૧૮ વર્ષ સુધી જશોદાબહેનને જીવનની તમામ ખુશીઓ મળી પણ તેમને વિધાતાએ સંતાનના સુખથી વંચિત જ રાખ્યા હતાં. જશોદાબહેનને પણ અન્ય તમામ સ્ત્રીઓની જેમ પોતાની કૂખે સંતાનને જન્મ આપવાના ઓરતા હતાં, પણ ઘણી વખત સુખનો કોળિયો મોઢાં સુધી આવીને પાછો વળી જતો. ૧૮ વર્ષના લગ્નજીવનમાં જશોદાબહેનને પાંચ વખત ગર્ભ રહ્યો, પણ સુખ જાણે ઊંબરા સુધી આવીને પાછું વળી જતું હોય તે રીતે દરેક વખતે પ્રસુતિ નિષ્ફળ રહી હતી. પછી આવ્યું વર્ષ ૨૦૨૦! આ વર્ષ સમગ્ર દુનિયા માટે કોરોનાની મહામારી લઇને આવ્યું હતું, પણ આ એ જ વર્ષ હતું કે જે કોકિલાબહેન માટે સંતાનનું વરદાન લાવ્યું હતું ! કોકિલાબહેનને વર્ષ ૨૦૨૦માં ફરીવાર ઓધાન રહ્યું. પણ નસીબ વધુ એક વખત એક મોટો વળાંક લેવાનું હતું તે કોકિલાબહેન અને તેમના પરિવારને કદાચ ખબર નહોતી!

New born kid at ahmedabad civil hospital

નવેમ્બર ૨૦૨૦માં કોકિલાબહેનને સાડા છ મહિનાની ગર્ભાવસ્થામાં જ પ્રસુતિની પીડા ઉપડી. આ વખતે કોકિલાબહેન અને તેમના પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાનું કિરણ દેખાયું! પરિવારજનો કોકિલાબહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં. સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ કોકિલાબહેનના ગર્ભમાંથી પાણી છૂટી ગયું જેને તબીબી શૈલીમાં પ્રિ-મેચ્યોર રક્ચર ઑફ મૅમ્બ્રન્સ કહેવાય છે. આવી સ્થિતિમાં સામાન્ય પ્રસુતિ લગભગ અસંભવ હોય છે. હવે અહીંથી ડોક્ટર્સની દેવદૂત તરીકેની ભૂમિકા શરૂ થઈ, જેને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ બખૂબી નિભાવી !!!

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ 42 વર્ષની વયના કોકિલાબેનને માતૃસુખ આપવાનું બીંડુ ઝડપ્યું. હવે કોકિલાબહેનના નસીબ અને તબીબોની તજજ્ઞતા વચ્ચે જંગ છેડાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના એસોસિએટ તબીબ ડૉ. તેજલ પટેલ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. શિતલ કાપડીયાની ટીમ દ્વારા કોકિલાબેનનું સિઝેરીયન કરવામાં આવ્યુ. અહીં નોંધવું જરૂરી છે કે સાડા છ માસની પ્રિમેચ્યોર પ્રસુતિના કિસ્સામાં બાળકના જીવતા રહેવાની શક્યતાઓ નહિવત્ જ હોય છે. જો બાળક જન્મે તો પણ ઓછા વજન સાથે જ જન્મતા હોય છે. સિઝેરિયન બાદ જ્યારે બાળક જનમ્યુ ત્યારે તેનું વજન માત્ર એક કિલોગ્રામ હતું.
આ એક કિલોગ્રામના બાળક માટે પણ કોકિલાબહેનને ૧૮-૧૮ વર્ષ સુધી આતુરતાથી રાહ જોવી પડી હતી. કોકિલાબહેને ઊંડે સુધી ભરોસો હતો કે મારું બાળક જીવશે.

તેમને કદાચ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પર ભરોસો હતો કે તેઓ બાળકને બચાવી લેશે. અને થયું પણ તેવું જ! તબીબોએ આ બાળકને મોતથી બચાવવા ૫૧ દિવસ સુધી રીતસરનો જંગ છેડ્યો. ઓછુ વજન હોવાના કારણે કોકિલાબહેનના બાળકને સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ. બેલા શાહ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સોનુ અખાણીના માર્ગ દર્શન હેઠળ N.I.C.U.ની સારસંભાળમાં રાખવામાં આવ્યાં. ૫૧ દિવસ સુધી આ તબીબોની સતત અને સન્નિષ્ઠ દેખરેખ અને સતત સારસંભાળ અને મહેનતના કારણે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થયું અને હવે કોકિલાબહેન સાથે તેમના ઘરે પા પા પગલી માંડવા જઈ રહ્યું છે. લાંબા સમય સુધી માતૃત્વથી વંચિત રહેલી એક માતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ માતૃત્વ ના સુખથી રૂબરૂ કરાવીને આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકારના નિર્ણાયક અભિગમને વધુ બળકટ બનાવ્યો છે.

Ahmedabad civil hospital droctors team with new born kid

ઉલ્લેખનીય છે લાંબા સમય સુધી માતૃત્વસુખથી વંચિત રહેલી બહેનોના જીવનમાં પણ આધુનિક ટેક્નોલોજી અને ડોક્ટર્સની કાળજી માતૃત્વની ખુશીઓ લાવી શકે છે. રાજ્ય દ્વારા સંચાલિત અને જનસેવા માટે સદાય સેવારત્ સિવિલ હોસ્પિટલ આ ક્ષેત્રે ચડિયાતી કામગીરી કરી રહી છે તે કોકિલાબહેનના કિસ્સા પરથી પ્રતિપાદિત થયું છે.

51 દિવસ નવજાત શિશુ માટે કપરા રહ્યા……
બાળરોગ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સોનુ અખાણી કહે છે કે “ઓછા માસે પ્રસુતિના કારણે બાળક ફક્ત 1 કિ.ગ્રા જેટલા વજન સાથે જનમ્યુ હતુ. માતાને પ્રસુતિ પહેલા પાણી છૂટી (પ્રિ મેચ્યુઅર રક્ચર ઓફ મેમ્બરન્સ)જવાના કારણે બાળકને ચેપ લાગ્યો હતો. આ તમામ પરસ્થિતિઓ વચ્ચે બાળકની સારસંભાળ અત્યંત પડકારજનક બની રહી. સૌપ્રથમ અમે બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તેથી તેના અપરિપક્વ ફેફસાને પરિપક્વ બનાવવા અંદાજે 20 હજારની કિંમતના મોંધા ઇંજેકશન આપ્યા. શરૂઆતના અઠવાડિયે બાળક નળી(આર.ટી.) દ્વારા ધાવણ લઇ રહ્યુ હતુ, 8 દિવસ બાદ કાંગારૂ મધર કેર દ્વારા બાળકે માતાનું ધાવણ લેવાનું શરૂ કર્યુ. બાળકના ચેપના વિવિઘ રીપોર્ટ કરાવવામાં આવ્યા. તેને સંલ્ગન એન્ટીબાયોટીક દવાઓ આપીને બાળકની સ્વાસ્થ્ય સ્થિતિ સુધારવામાં આવી. આ સંપૂર્ણ સારવાર દરમિયાન વચ્ચે બાળકનું વજન ઘટ્યુ પણ હતુ પરંતુ અમારી તબીબી ટીમની સધન સારવાર અને દેખરેખના કારણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે તેમાં પણ મહદઅંશે સુધાર આવ્યો”.

આ પણ વાંચો…