સ.સં. ૧૫૧૨ JASDAN 7 STEP FOR AGRICALTURE 5

૩૧મી ઓકટોબરથી રૂ. ૧૦૫૫ના ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવાનો રાજય સરકારનો નિર્ણય – શ્રી ભરતભાઇ બોઘરા

  • જસદણ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોઘરાના  હસ્તે કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને અપાયા મંજૂરીપત્ર: પ્રગતિશીલ ખેડૂતોનું  કરાયુ બહુમાન
  • ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખેડૂત કલ્યાણની કડીરૂપ બે યોજનાનો શુભારંભ

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ ,૧૭ સપ્ટેમ્બર:રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જસદણ એ.પી.એમ.સી. ખાતેથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના આશય સાથે ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’’ કડીરૂપ દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કરાયો હતો.

રાજ્યના એક લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને વ્યવહારિક રીતે અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે પણ પ્રાકૃતિક ખેતીના મિશનનો મજબૂતી સાથે સ્વીકાર કરીને તેને પ્રોત્સાહન આપવાનો આનંદ વ્યક્ત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, એક દેશી ગાયના મળમૂત્ર દ્વારા ૩૦ એકરમાં ખેતી કરી શકાય છે. પ્રાકૃતિક ખેતીને ઝીરો બજેટ ખેતી પણ કહેવામાં આવે છે. આ પધ્ધતિથી થતી ખેતીનો ખર્ચ નહિવત હોય છે. સાથે જ ઉત્પાદિત પાકને બજારમાં ૩ થી ૪ ગણો ભાવ મળે છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતાની જાળવણી અને પર્યાવરણના રક્ષણની સાથે સાથે લોકો કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચી શકશે. આમ, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ, જનારોગ્યમાં સુધારો અને કૃષિ સંસ્કૃતિનું સંવર્ધન કરી શકાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૨૧મી સદીના ઘડવૈયા ગણાવતા તેમને ૬.૫ કરોડ ગુજરાતીઓ વતી જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે,  રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી તરફ વળે તે માટે દેશી ગાયના સંવર્ધન માટે એક ગાય માટે માસિક રૂપિયા ૯૦૦ પેટે વર્ષના રૂ. ૧૦, ૮૦૦ની  સહાય આપવામાં આવશે. આ યોજનાનો રાજ્યના ૧.૨૫ લાખ ખેડુતોને લાભ મળવાનો છે. સાથે જ ખેડૂતો જીવામૃત અપનાવી લોકોને રસાયણમુક્ત ખેતીથી નવું સ્વાથ્ય-તંદુરસ્તી બક્ષી શકશે. તેમ તેમણે ઉમેર્યુ હતુ.  

જસદણ ખાતેના કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષશ્રી ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૨૧મી ઓક્ટોબરથી ૨૦ કિલો મગફળી રૂ. ૧૦૫૫ ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેમજ ખેડૂતોના ઉત્કર્ષ માટે ૧૪૦ યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેનો ખેડૂતોને લાભ લેવા અને પ્રાકૃતિક ખેતીને અપનાવવા અનુરોધ કર્યો હતો.

loading…

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ‘‘આત્મા’’ ખેડૂતના એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા હતા. ઉપરાંત દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રોનુ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાવમા આવ્યુ હતું.

 આ કાર્યક્રમમાં  જસદણ નગરપાલિકાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ રૂપારેલીયા, ઉપપ્રમુખશ્રી  દીપેશભાઈ ગીડા, સ્થાનિક આગેવાનો, જસદણ નગરપાલિકાના હોદ્દેદારો,   જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આર.આર. ટીલવા, નાયબ ખેતી નિયામક શ્રી જી.કે. કાતરિયા, ગોંડલ, કોટડા સંગાણી, વીંછીયા અને જસદણ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.