લીંબડી વિધાનસભાની ૧૯૬૨ ની ચૂંટણીમાં સૌથી વધુ ૭.૬૫ ટકા મત અમાન્ય થયા હતા

EVM Voting machine

લીંબડી મતદાર વિભાગમાં અત્યાર સુધીની ચૂંટણીમાં ૨૦૧૨ ના વર્ષમાં સૌથી વધુ ૬૯.૮૯ ટકા મતદાન થયું હતુ તેની સાથે સૌથી ઓછા ૦.૦૧ ટકા મત અમાન્ય થયા હતા

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

સુરેન્દ્રનગર,૦૧ નવેમ્બર: સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લ ચૂંટણી અધિકારીશ્રી કે. રાજેશ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભરત જોષી અને લીંબડી મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી એચ. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે જોડાયેલ તમામ અધિકારી – કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાની લીંબડી મતદાર વિભાગમાં અત્યાર સુધીમાં યોજાઈ ગયેલ ચૂંટણીમાં પ્રત્યેક મતનું મહત્વ સવિશેષ રહયું છે. ત્યારે આ બેઠક ઉપર અત્યાર સુધીમાં થયેલ મતદાન પૈકી અમાન્ય થયેલ મતોની વિગત જાણવી ખૂબ મહત્વની બની રહેશે.

આ મતદાર વિભાગમાં ૧૯૬૨ ના વર્ષમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં ૩૦,૫૫૬ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ સ્વાતંત્ર્યતા બાદ નાગરિકોમાં રહેલું સાક્ષરતા પ્રમાણ અને મતદાન જાગૃતિના અભાવના કારણે આ ચૂંટણીમાં થયેલ ૫૩.૧૫ ટકા મતદાનમાંથી ૭.૬૫ ટકા મત એટલે કે ૨,૩૩૭ મત અમાન્ય થયા હતા.

whatsapp banner 1

એવી જ રીતે વર્ષ ૧૯૬૭ની ચૂંટણી દરમિયાન ૪૦,૩૧૫ મતદારોએ કરેલા મતદાનમાંથી ૨,૪૧૫ (૫.૯૯ ટકા) મત અમાન્ય થયા હતા. જ્યારે ૧૯૭૨ની ચૂંટણીમાં ૩૪,૩૨૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા આ બેઠક ઉપર ૪૫.૫૨ ટકા મતદાન થયું હતુ જે પૈકી ૩૨,૧૮૩ મત માન્ય અને ૨,૧૪૫ એટલે કે, ૬.૨૫ ટકા મત અમાન્ય થયા હતા.

૧૯૭૫ના વર્ષમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ૬૬.૦૪ ટકા મતદારોએ એટલે કે, ૫૨,૪૧૪ મતદારોએ મતદાન કર્યું હતુ. જેમાંથી ૪.૫૬ ટકા મત એટલે કે, ૨,૩૮૮ મત અમાન્ય થયા હતા. ૧૯૮૦ના વર્ષની ચૂંટણીમાં ૪૪,૭૮૯ મતદારએ મતદાન કરતા આ બેઠક ઉપર ૪૮.૬૯ ટકા મતદાન નોંધાયું હતું. જે પૈકી ૪૩,૬૩૦ મત માન્ય અને ૧,૧૫૯ મત એટલે કે, ૨.૫૯ ટકા મત અમાન્ય રહયા હતા. જ્યારે ૧૯૮૫ના વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં ૫૧,૯૭૧ મતદારોએ કરેલ મતદાનમાંથી ૫૦,૬૪૬ મત માન્ય અને ૨.૫૫ ટકા મત એટલે કે, ૧,૩૨૫ મત અમાન્ય થયા હતા.

૧૯૯૦ની ચૂંટણીમાં નોંધાયેલ ૫૨.૭૮ ટકા મતદાન એટલે કે, ૬૮,૪૨૩ મતદારોએ કરેલ મતદાન પૈકી ૨.૬૩ ટકા મત એટલે કે, ૧,૮૦૦ મત અમાન્ય થયા હતા. જ્યારે ૧૯૯૫ની ચૂંટણી ૯૬,૭૧૪ મતદારોએ મતદાન કરતા આ બેઠક પર ૬૮.૫૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાંથી ૯૩,૯૬૧ મત માન્ય અને ૨,૭૫૦ એટલે કે, ૨.૮૪% મત અમાન્ય થયા હતા તેવી જ રીતે વર્ષ ૧૯૯૮માં આ બેઠક પર ૬૩.૫૩ ટકા મતદારોએ એટલે કે, ૯૧,૨૭૭ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાંથી ૮૬,૯૭૬ મત માન્ય અને ૪,૨૫૮ (૪.૬૬ ટકા) મત અમાન્ય થયા હતા.

 વર્ષ ૨૦૦૨માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૧૧,૩૦૩ મતદારોએ મતદાન કરતા ૬૭.૩૦ ટકા મતદાન નોંધાયું હતું. જેમાંથી ૧,૧૦,૩૮૦ મત માન્ય અને ૯૨૩ (૦.૮૩ ટકા) મત અમાન્ય થયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૭ માં યોજાયેલી ચૂંટણીમાં થયેલા ૫૯.૯૧ ટકા મતદાન પૈકી માત્ર ૦.૦૨ ટકા એટલે કે ૨૪ મત જ અમાન્ય થયા હતા.

૨૦૧૨ની ચૂંટણીમાં આ વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલા ૨,૨૬,૩૬૯ મતદારો પૈકી ૧,૫૮,૨૦૦ મતદારોએ એટલે કે, ૬૯.૮૯ ટકા મતદારોએ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરતાં આ બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું હતુ. તેની સામે આ વિધાનસભા મતદાર વિભાગમાં યોજાયેલી અત્યાર સુધીની ચૂંટણી પૈકી સૌથી ઓછા ૦.૦૧ ટકા મત એટલે કે માત્ર ૨૦ મત જ અમાન્ય થયા હતા.

૨૦૧૭ની વિધાનસભાની નોટાના વિકલ્પ સાથે યોજાયેલ ચૂંટણી દરમિયાન લીંબડી મતદાર વિભાગના ૨,૫૯,૯૧૫ મતદારો પૈકી ૧,૬૫,૬૬૯ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેના પરિણામે આ મતદાર વિભાગમાં ૬૩.૭૪ ટકા મતદાન નોંધાયું હતું. જેમાંથી ૧,૬૨,૨૪૨ મત માન્ય થયા હતા જ્યારે નોટાના ૩,૩૫૬ મત અને પોસ્ટલ બેલેટના ૭૧ મત મળીને કુલ ૩,૪૨૭ એટલે કે, ૨.૦૭ ટકા મત અમાન્ય થયા હતા.