2 1

ઉદ્યોગ, સેવા અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે સમતોલ વિકાસની પરિભાષા દેશ-દુનિયાને દેખાડી છે:બાવળીયા

1 rotated

કોરોના મહામારીમાં સરકારના સજાગ પ્રયાસોથી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે-પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

2 1

સુરેન્દ્રનગર ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તિરંગો લહેરાવી સલામી આપી

સુરેન્દ્રનગર,૧૫ ઓગસ્ટ:ભારત વર્ષના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર સ્થિત જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.

8

          આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, ઉદ્યોગ, સેવા અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે સમતોલ વિકાસની પરિભાષા દેશ અને દુનિયાને દેખાડી છે. વર્તમાન વૈશ્વિક મહામારીના સમયમાં પણ ગુજરાત સરકારે લોકોની પડખે અડીખમ ઉભા રહી રાજ્યના વિકાસની ગતિને બરકરાર રાખી છે.

7

            તેમણે જણાવ્યું હતુ કે, આપત્તીઓને અવસરમાં પલટાવવાની ગુજરાતની પ્રજાની આગવી ઓળખ રહી છે. અત્તિવૃષ્ટી હોય કે અનાવૃષ્ટિ, ધરતીકંપ હોય કે કોરોના જેવા પડકારો, કોઈપણ મુશ્કેલીઓ સામે ગુજરાત ક્યારેય ડગ્યુ નથી અને ડગવાનું પણ નથી. તેથી જ રાજ્ય સરકારે કોરોના સામેની લડાઈમાં અસરકારક અને જનહિતલક્ષી નિર્ણયો લઈ મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ તેમજ સફાઈ કર્મીઓને હુંફ અને માર્ગદર્શન આપવાની સાથે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી ત્વરિત કામગીરી શરૂ કરીને ગણતરીના દિવસોમાં જ ૪ મહાનગરોમાં ૨,૨૦૦ બેડની ક્ષમતાવાળી ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ અને રાજયના પ્રત્યેક જિલ્લામાં ૧૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલો કાર્યરત કરી હતી.

6

            કોરોના મહામારીમાં સરકારના સજાગ પ્રયાસોથી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, ગુજરાતનો રિકવરી રેટ આજે ૭૭  ટકાએ પહોચ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાના હોટસ્પોટ હોય તેવા ગુજરાતના વિસ્તારોમાં સેવા આપતા ૧૧૦૦ જેટલા ધન્વંતરી રથની કામગીરીને બિરદાવી છે.

            આ તકે તેમણે જણાવ્યુ હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન એપ્રિલ – મે મહિનામાં ૬૮.૮૦ લાખ રેશનકાર્ડ ધારકો અને ૬૧ લાખ APL – 1 રેશનકાર્ડ ધારકોને એટલે કે, રાજ્યના ૮૦ ટકા લોકોને રૂપિયા ૨ હજાર કરોડથી વધુનું અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.  લોકડાઉન બાદ રાજ્યની આર્થિક પ્રગતિ પુનઃ ચેતનવંતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૪ હજાર કરોડનું ઐતિહાસિક આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ જાહેર કરી નાના વેપારીઓ, કારીગરો, ખેડુતો, આદીવાસીઓ, ગરીબો, સાગરખેડુ બાંધવો, પશુપાલકો તથા શ્રમિકોના આર્થિક સશક્તિકરણ માટે આગવું કાર્ય કર્યું છે.

3 1

            મંત્રીશ્રીએ ગુજરાતમાં હાથ ધરાયેલા કૃષિ, સિંચાઈ, જળ સંચય, જળ વિતરણ અને જળ વ્યવસ્થાપન, ઉર્જા, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રની કામગીરીનો ઉલ્લેખ કરી સરકાર વંચિતો-ગરિબો અને પીડિતો માટે નક્કર કાર્ય કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

            તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં મહાનગરોના ૭૦ ટકા ગંદા પાણીને રિટ્રીટ કરી પુનઃ ઉપયોગમાં લેવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે, તથા ટુંક સમયમાં દરિયાનું ખારૂ પાણી મીઠું કરવાના ૬ જેટલા ડીસેલીનેશન પ્લાન્ટ શરૂ થનાર છે. ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ અને પ્રત્યેક ગુજરાતીની સુખ, શાંતિ અને સલામતી આ સરકારની પ્રાથમિકતા રહી છે. અને તેથી જ જનસેવાના ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦ જનહિતલક્ષી નિર્ણયો લઈ આ સરકારે સાચા અર્થમાં લોકોને સુશાસનની પ્રતિતિ કરાવી છે.

9

          ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના કોરોના વોરીયર્સને તેમજ કોરોના મૂક્ત થયેલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી પ્રસંગે લોકસભાના સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કલ્પનાબેન ધોરીયા, જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, અગ્રણી સર્વશ્રી શંકરભાઈ વેગડ, વર્ષાબેન દોશી, જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંકલન: જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગર