Jayesh Radadia edited

ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવવા લોકભાગીદારી અનિવાર્ય:જયેશભાઇ રાદડિયા

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે રાજકોટ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 02

રાજકોટમાં જિલ્લા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી સંપન્ન

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે રાજકોટ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 08

રાજકોટ જિલ્લાના ૨૦૦ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

રાજકોટ, ૧૫ ઓગસ્ટ :- તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦ ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ ખાતે અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસ્થાને શાનદાર રીતે થઇ હતી. મંત્રીશ્રીએ ધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાન રજૂ થયું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા પરેડનું નિરીક્ષણ કરાયું હતું.

                મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ આપણા વિર શહિદ જવાનોને સ્મરાંણજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, “આપણા દેશની આઝાદીમાં અનેક મહાપુરૂષોનું યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સૌ મહાપુરૂષોએ ભવ્ય અને દિવ્ય ભારતનું સપનુ જોયુ હતું. આ સૌ મહાપુરુષોને આપણે આજના પાવન પ્રસંગે વંદન કરીએ છીએ.”

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે રાજકોટ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 10

મંત્રીશ્રી રાદડિયાએ સહર્ષ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસના કામોને બમણા વેગથી આગળ ધપાવી રહ્યા છે, ત્યારે કોરોનાના મહાજંગ વચ્ચે પણ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આફતને અવસરમાં પલટાવી દીધુ છે ગુજરાતમાં આરોગ્ય સહિતના અનેક ક્ષેત્રે નવા આયામો ઉભા કરાયા છે, જેમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, રાશન-અન્ન વિતરણ, કોવિડ -૧૯ ની હોસ્પિટલોમાં બેડ સહિતની વ્યવસ્થાઓમાં વધારો, કૃષિ સહાય યોજના પેકેજ, દિનકર યોજના સહાય, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના, સુજલામ સુફલામ જળસંચય યોજના, સોલાર રૂફટોપ યોજના, ગરીબોને સાધન સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, ૧૦૮ અભયમ તેના ઉત્તમ ઉદાહરણો છે. કોવિડ-૧૯ની મહામારીને નિયંત્રણમાં લેવા રાજય સરકાર દ્વારા અનેક પગલાંઓ પ્રજા હિતમાં લેવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ કોરોના વોરિયર્સ, સ્વાતંત્ર્ય સેનાની, આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવી ગુજરાતને દિવ્ય અને ભવ્ય બનાવવા લોકોની  ભાગીદારી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે રાજકોટ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 09

    મંત્રીશ્રીએ વધુમાં કહયું હતું કે, રાજકોટ ખાતે પણ રૂ.૧૫૦ કરોડના ખર્ચે ૧૮૯ વેન્ટિલેટર સહિતની આધુનિક સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઈ છે, આ હોસ્પિટલ ખાતે ૫૧૨ બેડ ઓક્સિજન સુવિધા સાથે તૈયાર છે, ૨૧ વેન્ટિલેટરની સુવિધા પણ છે આ ઉપરાંત જિલ્લાની પાંચ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલોમાં ૧૫૦ બેડ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની ખાનગી હોસ્પિટલોમાં ૧૦૨ જેટલા બેડની સુવિધા છે. જિલ્લાના ૫૪ પ્રાથમિક અને ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૫૧૦ બેડ ની સુવિધા ઉપલબ્ધ છે. રાજકોટ શહેરમાં કોરોનનું સંક્રમણ અટકાવવા ૫૦ જેટલા ધન્વંતરી રથ કાર્યતર છે.

લોકડાઉન દરમિયાન શ્રમિકોને ૨૬ આશ્રયસ્થનોએ રહેવા તથા જમવાની સુવિધા તંત્ર દ્વારા કરાઈ હતી, રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર અને એન.જી.ઓ. દ્વારા ૫૭.૫૧ લાખ ફૂડ પેકેટો અને ૧ લાખથી વધુ રાશન કીટોનું વિતરણ કરાયુ છે.

મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે રાજકોટ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 07

        કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ પરિવારોને રાશન મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં ૨.૮૯ લાખથી વધુ એનએફએસએ, નોન એનએફએસએ, બીપીએલ રાશનકાર્ડ ધારકોને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે વ્યકિત દીઠ ૩.૫ કિલો ઘઉ, ૧૫ કિલો ચોખા અને કાર્ડ દિઠ ૧ કિલો દાળ/ચણાનું વિતરણ કરાયુ હતુ.      

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરાયેલ આત્મનિર્ભર-૧ અન્વયે રાજકોટ  જિલ્લામાં ૯૧૮૪ લાભાર્થીઓને રૂ.૧ લાખની મર્યાદામાં રૂ.૯૦.૮૭ કરોડની લોન મંજૂર કરાઇ છે. જયારે આત્મનિર્ભર-૨ યોજનામાં રાજકોટ જિલ્લામાં ૫૩૧ લાભાર્થીઓને રૂ.૨.૫૦ લાખની મર્યાદામાં રૂ.૧૩.૨૧ કરોડની લોન મંજૂર કરાઇ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Jayesh Radadia edited 1

આ પ્રસંગે મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા  કોવિડ-૧૯ની મહામારી નિવારવામાં ફરજ બજાવનાર રાજકોટ જિલ્લાના ડોક્ટરો, નર્સ, હેલ્થ વર્કર્સ, સેનિટેશન વર્કર્સ, ફાયરબ્રિગેડ સહિતના ૨૦૦ જેટલા કોરોના વોરિયર્સનું સન્માન થયું હતું. મંત્રીશ્રીએ સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીનું સન્માન કર્યુ હતું. કોરોના વોરિયર્સના સન્માન બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને અનુલક્ષીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને ધ્યાને રાખી મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમનાં અંતે મંત્રીશ્રીના હસ્તે નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

        આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, ગૌ.સેવા. આયોગના ચેરમેનશ્રી વલ્લભભાઈ કથીરિયા, સાંસદ સર્વશ્રી મોહનભાઇ કુંડારિયા અને અભયભાઈ ભારદ્વાજ, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયા, માકેટિંગ યાર્ડના ચેરમેનશ્રી ડી.કે.સખીયા, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયા, જોઈન્ટ પોલિસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, અગ્રણીશ્રી યશવંતભાઈ જનાણી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદારશ્રી સોનલ ત્રિવેદી અને હરેશભાઈ રાવલે કર્યું હતું.

સંકલન: ગુજરાત માહિતી બ્યુરો, રાજકોટ