WhatsApp Image 2020 09 16 at 5.04.49 PM 1

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ સારવાર અને સેવાની સરવાણી અટકી નથી. નવી સિવિલના આવા જ એક કર્મયોગી સ્ટાફ નર્સ દિવ્યા બામણે કોરોનાને મ્હાત આપી પોતાની નૈતિક ફરજ સાથે માનવીય સંવેદનાને જોડી ફરીવાર કોરોનાગ્રસ્તોની સારવાર માટે તૈયાર છે.

સિવિલ હોસ્પિટલના આઈસીયુ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે જણાવ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ પર છું. સુરતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ શરૂ થઈ ત્યારથી સેવામાં સક્રિય છીએ. મારી આઈસીયુ વોર્ડની ફરજ દરમિયાન તા.૨૧ જુનના રોજ સંક્રમિત થઈ હતી. જેથી ૧૧ દિવસની સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લઈ સ્વસ્થ થઈ. પરંતુ શરીરમાં શારીરિક નબળાઈ જણાતા ૧૪ દિવસ હોમ આઈસોલેટ રહીને ફરીથી કોવિડ વોર્ડમાં કોરોના દર્દીઓની સેવા કરવા માટે જોડાઈ ગઈ હતી. પરિવારની પ્રેરણા અને ઈશ્વરની કૃપાદ્રષ્ટિથી આવી મહામારીના સમયમાં લોકોની સેવા કરવાની હિંમત મળે છે.

loading…

દિવ્યાબેને વધુમાં જણાવ્યું કે, ઘણી વાર દર્દીઓ હોસ્પિટલમાં આવે ત્યારે ગંભીર હાલતમાં હોય છે. સૌથી પહેલા દર્દીઓ માનસિક રીતે પડી ભાંગતા હોય એમને આશ્વાસન આપી તેમનું મનોબળ મજબૂત કરીએ છીએ. ઘણી વાર અમારી સાથે ફરજ બજાવતા કર્મચારીઓ પણ સંક્રમિત થતા હોય છે. પરિવાર જેવા જ માહોલમાં સારવાર કરી દર્દીઓને સ્વસ્થ કરીને પોતાના ઘરે પરત મોકલીએ છીએ ત્યારે ઘણો આનંદ થાય છે કે જે સેવા આપી છે તે વ્યર્થ નથી ગઈ.
દિવ્યાબેન જેવા કંઈ કેટલાય કોરોના વોરિયર્સ દર્દીઓની સારવાર કરતાં કરતાં ખુદ સંક્રમિત થયા પરંતુ ફરજને પ્રાધાન્ય આપીને તેમની સેવાયાત્રા અવિરતપણે જારી રાખી છે. નવી સિવિલ પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, આરોગ્ય કર્મયોગીઓની નિ:સ્વાર્થ સેવાથી સુરતના અનેક કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને હસતાં હસતાં સ્વજન-પરિવારમાં પરત ફર્યા છે.

banner still guj7364930615183874293.