181 Women helpline

ઘરબાર છોડી ગયેલા મહિલાને સમજાવીને પૂનઃ તેમના ઘરે પહોંચાડતી અભયમ ૧૮૧ની ટીમ

181 helpline

કોરોનાગ્રસ્ત પિતાની ચિંતામાં માનસિક વ્યગ્રતા અનુભવતા મહિલાને ૧૮૧ ની ટીમે આપ્યો સધિયારો

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: ૧૮૧ હેલ્પલાઇન પર સાંજે ૬:૩૦ વાગે એક જાગૃત નાગરિકનો ફોન આવે છે, “એક મહિલા અંદાજે ૨-૩ કલાકથી અહીંયા બેઠાં છે અને માનસિક રીતે અસ્વસ્થ જણાય રહ્યા છે અને વારંવાર એક જ રટણ રટી રહ્યાં છે કે, મારે મરી જવું છે. તમે જલ્દી આવો….ફોન મૂક્યાંની થોડી જ ક્ષણોમાં કાઉન્સેલરશ્રી રૂચિતાબેન મકવાણા, કોન્સ્ટેબલશ્રી કિંજલબેન અને પાઇલોટ રાહુલભાઈ સહિત ૧૮૧ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ.

સમગ્ર વિશ્વ સામે ઉભી થયેલી કોરોના રૂપી મહામારીમાં લોકો માનસિક અસ્વસ્થતા અનુભવી રહયાં છે, તેમની આ અસ્વસ્થતાના કારણે તેઓ અનેક ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. જેને કારણે આવા લોકો સાથે જોડાયેલા પરિવારજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવી જ ઉપરોકત ઘટના રાજકોટમાં બનવા પામી. રાજકોટના રૈયારોડ વિસ્તારમાં પોતાનાં પિતા અને ભાઈ-ભાભી સાથે રહેતાં ૪૦ વર્ષીય મહિલાના પિતાને કોરોના થતાં તેઓ ૧૨ દિવસથી સિવિલ ખાતે સારવાર લઇ રહ્યાં છે. પિતાની બિમારી અને પારિવારિક સમસ્યાઓથી પરેશાન આ મહિલા માનસીક રીતે અસ્વસ્થતા અનુભવતાં અચાનક જ તેમના ઘરેથી કોઈને કહ્યાં વિના જતાં રહ્યાં હતાં. 

અજાણી વ્યક્તિના ફોન કોલ દ્વારા મળેલ વિગતોના આધારે ૧૮૧ ની ટીમ જ્યારે સબંધિત સ્થળે પહોંચીને સૌ પ્રથમ જે વ્યક્તિએ ફોન દ્વારા માહિતી આપી હતી તેની સાથે વાતચીત કરી વિગતો જાણી. ત્યારબાદ મહિલા સાથે વાતચીત કરી કાઉન્સેલર રૂચિતાબેને કાઉન્સલીંગ દ્વારા તેમને સમજાવ્યા. કૌટુંબિક સમસ્યાઓ અને પિતાની તબિયતની ચિંતામાં તેઓ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા હતા અને ,” બસ મારે મરી જવું છે” એવું બોલી રહ્યાં હતાં. ચિંતાગ્રસ્ત મહિલા પોતાનાં ઘરનું સરનામું પણ ભૂલી ગયા હતા. લાંબી વાતચીત બાદ થોડું થોડું યાદ આવતાં તે મહિલાએ આપેલ માહિતી ઉપરથી ૧૮૧ની ટીમે તેમના વિસ્તારમાં જઈ પૂછપરછ કરતાં તેમના ઘર – પરિવારની જાણ થતાં આ મહિલાને સુખરૂપ તેમના ઘરે પહોંચાડ્યા.

આમ યોગ્ય કાઉન્સેલિંગના અંતે ૧૮૧ની ટીમ દ્વારા આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવાનું વિચારતા માનસીક અસ્વસ્થાતા અનુભવતાં મહિલાને અટકાવી તેમનાં પરિવાર પાસે હેમખેમ પહોંચાડીને અભયમ ટીમે મહિલાઓની સાવચેતી અને સુરક્ષા અર્થેની પોતાની કાર્યદક્ષતાને સાબિત કરી છે.

**************************

loading…