Business

રાજકોટની સિવિલમાં ખાનગી હોસ્પિટલ કરતાય સારી સુવિધાનો મેં અનુભવ કર્યો છે

Business edited

સીવીલનો સ્ટાફ ઘરના સભ્યોની જેમ સેવા કરે છે રાજકોટના વેપારી હરસુખભાઈ ચુડાસમાનો પ્રતિભાવ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ કરતાંય સારી સુવિધા હોય એવી મારી ધારણા નહોતી. મને કોરોના થતાં મને રાજકોટની પીડીયું હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તબીબો તથા આરોગ્ય કર્મીઓને મે જે મહેનત કરતાં જોયા છે તે ખરેખર આવકારદાયક છે. આ મારો પોતાનો અનુભવ છે. આ શબ્દો છે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વેપારી શ્રી હરસુખભાઈ ચુડાસમાના.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને ભરત કામ સાથે સંકળાયેલા હરસુખભાઈ ચુડાસમાને ગઈ તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ સતત ચાર દિવસ તાવને લીધે પહેલા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતાં તેમને ન્યુમોનિયાનો રિપોર્ટ આવ્યો હતો. શ્વાસની તકલીફ થતાં સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલમાં તેમને સારવાર આપવામાં આવી હતી. સિવિલ અને સમરસમાં આઠ દિવસના રોકાણ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા સરકારની કોરોનાની અદ્યતન  સારવારની વ્યવસ્થા અને દર્દીઓ માટે સુવિધા અંગે રાજીપો વ્યક્ત કરતાં  હરસુખભાઈ જણાવે છે કે રોજ ધોયેલી ચાદર, સ્વચ્છતા  અને સવારે નાસ્તો, શરબત અને ફ્રુટ સહિતની ઘર જેવી સુવિધા સિવિલમાં મળે છે. તબીબો દવા પણ જરૂર મુજબ આપે છે. સતત તપાસ કરવા તબીબો આવે અને જમ્યા પછી અને જમ્યા પહેલાની દવા અંગે અંગત લાગણીથી બધું જ માર્ગદર્શન આપે અને હિંમત પણ આપે. પરિવારના સભ્યોની જેમ દર્દીઓ સાથે વર્તાવ કરે છે.

રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને સાજા કરવા તબીબો શક્ય એટલી તમામ સારવાર કરે છે. તેવો મારો જાત અનુભવ છે, તેમ કહી રાજકોટમાં સારવારની બેસ્ટ સુવિધા બદલ હરસુખભાઈ એ  સરકારનો આભાર માન્યો હતો.

*******

loading…