Hazira covid center 4

હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા

રિલાયન્સ ફાઉન્ડેશનનું કોરોના સામેના સેવાકાર્યમાં ઉમદા યોગદાન

Hazira covid center 4

મોરા ગામે ‘હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા: ૩૧ દર્દીઓ સારવાર હેઠળ

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૮ ઓક્ટોબર: કોરોના મહામારીના કઠિન સમયમાં સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા છેલ્લા સાત મહિનાથી અથાગ પ્રયત્નો થઇ રહયા છે. જેને સફળતા પણ મળી છે. જેમાં ઔદ્યોગિક એકમો પણ જોડાયા છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હજીરા કાંઠા વિસ્તારના રહીશો અને અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા કામદારો માટે ચોર્યાસી તાલુકાના મોરા ગામે આઈ.ટી.આઈ. ખાતે ૭૫ બેડનું ‘હજીરા કોવિડ કેર એન્ડ આઈસોલેશન સેન્ટર’ ઉભું કરાયું છે. આ સેન્ટરમાં વિનામુલ્યે સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હાલ અહીં ૩૧ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Hazira covid center 3 2

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હજીરા સંકુલના સિનીયર જનરલ મેનેજરશ્રી રશેષભાઈ દેસાઈએ જણાવ્યું કે, હજીરા આજુબાજુનાં ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ૧૨ થી ૧૪ લાખ પરપ્રાંતીય કામદારોની વસતિ છે. જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.કોયાના માર્ગદર્શન હેઠળ રિલાયન્સની ટીમે ફક્ત ૯૬ કલાકમાં ITI -મોરા ખાતે ૭૫ બેડનું ‘કોવિડ કેર એન્ડ આઇસોલેશન સેન્ટર’ ઉભું કર્યું હતું. કોરોના સંક્રમિત કામદારો તેમજ આજુબાજુના ગ્રામજનો માટે સારવાર અને આઇસોલેશનની સુવિધા ઉભી થતાં સુરતના આરોગ્ય તંત્ર, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ પર ભારણ ઘટ્યું છે. કોવિડ કેર સેન્ટર તૈયાર કરવા મોરા ગામના ડે.સરપંચ ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય ઠાકોરભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ દલપતભાઈ પટેલનો સહયોગ સરાહનીય રહ્યો છે. દેશ અને રાજયમાંથી કોવિડ મહામારી વિદાય ન લે ત્યાં સુધી આ સેન્ટર ધમધમતું રહેશે એમ શ્રી દેસાઈએ જણાવ્યું હતું.

Hazira covid center

રિલાયન્સ, હજીરા સંકુલના પ્રેસિડેન્ટ શ્રી હેમંતભાઈ દેસાઈના નેતૃત્વમાં આ સેન્ટર કાર્યરત છે. હેમંતભાઈ જણાવે છે કે, લોકડાઉન દરમિયાન પણ હજીરા વિસ્તારમાં સેનિટાઈઝેશન, દવા છંટકાવ, સુરત અને વ્યારા-તાપી શહેર-જિલ્લામાં ફૂડ-રાશન કીટ કે સામુહિક રસોડા માટે અનાજની જરૂરિયાત માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૧.૫૦ કરોડ અને સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રને તબીબીસેવાઓ માટે રૂ. ૧.૫૦ કરોડ અનુદાન આપવામાં આવ્યું હોવાનું જણાવી તેમણે હંમેશા સંકટની ઘડીમાં સરકાર અને જનતાની સાથે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રિલાયન્સ ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરના ચીફ મેડિકલ ઓફિસર ડો.રાઘવેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે, કોરોનાના નજીવા લક્ષણ ધરાવતા અને જેમના ઘરે આઈસોલેટ થવા અલાયદો રૂમ નથી તેવાં દર્દીઓ માટે આ સેન્ટર વરદાનરૂપ બન્યું છે. કંપની અને ફાઉન્ડેશન દ્વારા આવા કામદારો તેમજ ગ્રામજનોની સારવાર-સેવા માટે ડોકટરો અને મેડિકલ સ્ટાફ, ૨૪ કલાક એમ્બ્યુલન્સની વ્યવસ્થા, પૌષ્ટિક ભોજન તથા મનોરંજન માટે પ્રત્યેક રૂમમાં ટી.વી.ની સગવડ, સમયાંતરે દર્દીઓ સાથે ડોકટરો દ્વારા પરામર્શ, વાંચન માટે પુસ્તકોની સુવિધા પણ ઉપલબ્ધ છે.

સેન્ટરમાં સારવાર માટે તૈનાત ચીફ મેડિકલ ઓફિસર ડો.શુભમ જૈનએ કહ્યું કે, ૭૫ બેડને સ્વતંત્ર પાર્ટીશન કરી અલગ પાડવામાં આવ્યા છે, જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને સંક્રમણ ફેલાવાની શક્યતા નહિવત થઈ જાય છે. પીવા માટે ગરમ પાણીનું મશીન છે.
રિલાયન્સ સુરત યુનિટના સિનીયર મેનેજર(કોર્પોરેટ અફેર્સ) શ્રી ઉત્પલ જોષી જણાવે છે કે, સેન્ટરમાં રહેલા પ્રત્યેક ડોક્ટર અને દર્દીએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. દર્દીઓ નિરાશ ન થાય તે માટે નિયમિતપણે નિષ્ણાત તબીબો દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

અહીં સારવાર લઈ રહેલા મૂળ બિહારના મધુબની જિલ્લાના સપતા ગામના અને મુઝફ્ફરપુરના કુડિયા ગામના બે શ્રમયોગીઓ જણાવે છે કે, ‘તમામ તબીબો અને સ્ટાફની કાળજીભરી સારવાર ખુબ સારી છે. સરકાર, વહીવટીતંત્ર અને રિલાયન્સના અમે આભારી છીએ. આમ, કોરોના સંકટમાં સુરતમાં હજીરાના ઉદ્યોગગૃહો સામાજિક જવાબદારી નિભાવવા જાગૃત્ત છે, ત્યારે કોરોના સામેની લડાઈમાં પ્રશાસનને ઉમદા સહકાર આપીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માનવતાની મિસાલ કાયમ કરી છે.

यह भी पढ़ें : रेलवे द्वारा माल परिवहन को आकर्षित करने के लिए कुछ और माल प्रोत्साहन योजनाओं की शुरुआत