shiv temple

શિવ,શ્રદ્ધા અને શ્રાવણ

ભારતી રોહિત
ભારતી રોહિત

પત્રકાર,કૉલમિસ્ટ

વહેલી સવારે ઉઠીને બારીની બહાર જોયું,,, પંખીઓનો કલરવ સંભળાતો હતો… 6 વાગ્યા આસપાસનો સમય અને ચોમાસાની સવાર….ખુશનુમા અને શુદ્ધ એવા વાતાવરણ વચ્ચે દૂર દૂરથી ધીમા સ્વરે ઘંટારવ સંભળાતો હતો.. એ ઘંટારવ હતો આરતીનો..ભગવાન ભોળાનાથની પ્રાતઃ આરતીનો.. કેટલો કર્ણપ્રિય અને ભાવભર્યો એ ઘંટારવ હતો ! 5 મિનિટ સુધી બારી આગળ જ ઉભા ઉભા એ ઘંટારવ સાંભળ્યો.. અને આ સાથે જ રોમેરોમમાં જાણે શિવજી પ્રત્યેની શ્રદ્ધા સ્ફૂરી ઉઠી…

Mahadev

શિવ-દેવાધિદેવ મહાદેવ…સૃષ્ટીના સંહારક ગણાતા ભગવાન ભોળાનાથની આરાધના માટે હિંદુ શાસ્ત્રમાં એક આખો મહિનો ફાળવી દેવાયો છે.. પ્રાચીન કાળથી શિવજીની આરાધનાનું આગવુ મહત્વ પુરાણો અને ગ્રંથોમાં પણ દર્શાવાયું છે.. શિવ અને શ્રાવણ જાણે એકબીજા સાથે વણાયેલા છે.. આમ તો શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી સહિત અનેક દેવી દેવતાઓની આરાધનાના ઉત્સવ ઉજવાતા હોય છે.. પરંતુ શિવજીની આરાધના તો સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન નિત્ય ચાલતી રહે છે… નાસ્તિક લોકોને બાદ કરતા તમામ હિંદુઓની શિવ પ્રત્યે એક અનોખી અને અનેરી શ્રદ્ધા અને આસ્થા છે.. શિવજીનું એ અલગારી સ્વરૂપ નિહાળતા જ જાણે શક્તિ અને રોમાંચનો અનુભવ થાય છે.. સાદગી અને વૈરાગ્યના પ્રતીક સમા શિવજી વિશે પુરાણોમાં ઘણું લખાયું છે.. ઘણી બધી ધારાવાહિકોમાં પણ શિવજીના આ અનોખા સ્વરૂપના આપણને દર્શન થાય છે..

ત્યારે મનમાં એક સવાલ થાય શું ખરેખર શિવજી આવા હશે… વાઘનું ચામડું પહેરતા હશે..ગળામાં સાપ વીંટાળતા હશે? ઈશ્વર છે કે નથી એ તો શ્રદ્ધાનો વિષય છે.. પરંતુ ઈશ્વરના આ સ્વરૂપ વિશે અનેક તર્કવિતર્ક થાય તે સ્વાભાવિક છે,… અનાદિકાળથી ચાલતી આવેલી એક આકૃતિને આપણે શિવ કહીએ છીએ…જેણે વાઘનું ચામડું લપેટ્યું છે.. ગળામાં રૂદ્રાક્ષની માળા સાથે સાપ વીંટળાયેલો છે.. મસ્તક પર લાંબી જટા છે.. હાથમાં ડમરૂધારી ત્રિશૂળ અને પગમાં ઘૂંઘરું છે.. આસ્થા પર આશંકા કરવાની વાત જ નથી આવતી.. જ્યારે યુગોથી કલ્પેલી એક છબિ કે મૂર્તિ પરની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ આજે પણ એટલો જ અડગ અને અડીખમ હોય..

Somnath 2

વાત માત્ર શિવની નથી કરવી..શિવના અલૌકિક સ્વરૂપ અને શિવની આરાધના સાથે સાથે શ્રાવણનું મહિમાગાન પણ કરવું છે.. સાદગી, સત્ય, વૈરાગ્યના સંગમ સમા શિવની આરાધના અનાદિકાળથી યેનકેન સ્વરૂપે થતી આવી છે.. ન માત્ર દેવો પરંતુ અસુરો પણ શિવજીને રિઝવવા માટે ઘોર તપ કરતા તેવા ઉલ્લેખો અને દંતકથાઓ વહેતી આવી છે.. અસુરોથી પ્રગટ થઈને શિવજીએ મોટા મોટા વરદાનો આપી દીધાના પણ અનેક દૃષ્ટાંતો મળે છે.. અને આ જ કારણે કદાચ શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે..કોઈની પણ વાત કે જરા અમથા ભક્તિભાવથી ભોળવાઈ જાય એટલે ભગવાન ભોળાનાથ… તો બીજી તરફ ભગવાન શંકરને ક્રોધનું પ્રતીક પણ ગણવામાં આવ્યા છે.. આમ જરા અમથી વાતમાં ક્રોધે ન ભરાય પરંતુ ક્રોધે ભરાય તો પછી પોતાની ત્રીજી આંખ ખોલીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સૃષ્ટીનો વિનાશ કરી મૂકે.. આ તમામ બાબતોનું વર્ણન પુરાણોમાં જોવા મળે છે..

આજે ભલે કેટલાક લોકો ભગવાનના હોવા પર શંકા કરતા હોય..ભલે ભક્તિનું સ્થાન વિજ્ઞાન અને તર્કશાસ્ત્રએ લીધું હોય પરંતુ વાત અહીં વિશ્વાસ કે અવિશ્વાસની નથી… વાત ભલે વાર્તાની શૈલીથી શરૂ કરી હોય પરંતુ અહીં વાર્તા કહેવાનો પણ કોઈ આશય નથી… વાત કરવી છે વાસ્તવિકતાની… વાત કરવી છે સમયની સાથે સાથે બદલાતા જતા મનુષ્યની.. વાત કરવી છે જરૂરિયાત પ્રમાણે બદલાતી જતી તેની જીવનશૈલીની.. શિવના આ સ્વરૂપ અને તેમની વિશિષ્ટતાઓનું વર્ણન કરવાનો ઉદ્દેશ્ય પણ શિવ અને જીવની તુલના કરવાનો જ છે..

mahadev edited

ત્રિદેવોમાં સૌથી મોટા દેવ એવા મહાદેવને મનુષ્યની ચેતનાના અંતર્યામી પણ કહેવાય છે.. અને એટલે જ તો શિવરાત્રી કે શ્રાવણમાં જ્યારે શિવ આરાધનામાં માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે કહેવાય છે કે જીવ અને શિવનું મિલન થયું…

સૃષ્ટિના સંહારક શિવજીને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે.. શિવજીની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે.. એકાંત અને શાંતિપ્રિય શિવના મંદિરો એટલે કે શિવાલયો પણ એકાંતમાં રહેણાંક વિસ્તારથી દૂર કે નિર્જન સ્થળે જોવા મળે છે…સૌમ્ય અને રૌદ્ર એવા બે વિરોધાભાસી સ્વરૂપો માટે જાણીતા શિવ સૌને સમાન દ્રષ્ટીથી જોનારા દેવ છે.. અને એટલે જ તેમને મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે… શિવજીનું આટલું મહિમાગાન કરવા પાછળનો હેતુ કોઈને ભક્તિના માર્ગે દોરવાનો નથી,,, ભક્તિ અને શ્રદ્ધા એ દરેકની વ્યક્તિગત વિચારધારા છે.. શિવની આરાધના તો એક ઘોર તપસ્યા સમાન છે..

આજના મનુષ્યની ક્ષમતા બહારની બાબત છે.. પરંતુ સાદગી, સૌમ્યતા, સરળતા, શાંતિ, ત્યાગ, એકાગ્રતા આવી અનેક વિશિષ્ટતાઓ જે શિવમાં છે તે દરેક જીવમાં પણ ઉતરે તો આનાથી વિશેષ શિવ આરાધના બીજી કઈ હોઈ શકે?

*यह लेखक के अपने विचार है।