jmc 2

જામનગર તાલુકાના મોટા થાવરીયા માં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા ગયેલી ટુકડી સાથે ગ્રામજનોનું ઘર્ષણ

મોટા થાવરીયા ગામની મહિલાઓ જેસીબી મશીન ને આડે ઉતરીને બેસી જતા થયું ઘર્ષણ: આખરે ડિમોલિશનની કામગીરી અટકી

મોટા થાવરીયા ગામમાં આવેલી ગૌચર ની ત્રીસ હેક્ટરમાં જમીનમાં દબાણ કરનાર ૪૬ દબાણકારો ને અપાઈ હતી નોટિસ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૦ ઓક્ટોબર: જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમા આવેલી ગૌચરની જમીનમાં મોટા પાયે દબાણ થયું હોવાથી જામનગર જિલ્લા પંચાયત ના ટીડીઓ દ્વારા અંદાજે ૪૬ જેટલા દબાણ કર્તાઓને જગ્યા ખાલી કરવા માટેની નોટીસ અપાઇ હતી. જે નોટિસ નો કોઇ અમલ નહી થતાં આજે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મોટા થાવરીયા ની મહિલાઓ જેસીબી મશીન સામે બેસી જઈ વિરોધ કરતાં દેકારો થઇ ગયો હતો. આખરે ડિમોલિશનની કામગીરી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

આ ડીમોલેશન પ્રક્રિયા અંગેની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં ગોચરની ૧૧૬ હેક્ટર જમીન આવેલી છે જે પૈકીની ૩૦ હેક્ટર જમીનમાં દબાણ કરી દેવામાં આવ્યું હતું. અને મોટા પ્રમાણમાં ઈટોના ભઠ્ઠા અથવા તો કેટલાક મકાનો પણ ખડકી દેવાયા હતા. જે અંગે ૪૬ જેટલા આસામીઓને જામનગર જિલ્લા પંચાયતના ટીડીઓ દ્વારા જમીન ખાલી કરવા માટેની નોટીસ પાઠવવામાં આવી હતી. અનેક વખત જાણ કરવા છતાં પણ દબાણકારોએ જગ્યા ખાલી નહીં કરતા આખરે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

loading…

જામનગર જિલ્લા પંચાયત ના ટીડીઓ, ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના મામલતદાર, ગ્રામ પંચાયત ના સરપંચ, અને હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા. ઉપરાંત પંચકોશી એ ડીવિઝન પોલીસ સ્ટેશન નો કાફલો પણ આ ડીમોલેશન સમયે હાજર રહ્યો હતો. જે ડીમોલેશન કામગીરી શરૂ કરાય તે પહેલાં જ મોટા થાવરીયા ગામની મહિલાઓ એ આગેવાની લઇ લીધી હતી, અને જેસીબી મશીનની આડે જ બેસી ગઈ હતી, અને ડીમોલેશન કાર્ય અટકાવ્યું હતું. આ વેળાએ ગ્રામજનો અને જિલ્લા પંચાયતની ટીમ વગેરે સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે પણ દરમિયાનગીરી કરી હતી.

આખરે તંત્રએ ડિમોલિશનની કામગીરી હાલ પૂરતી મુલતવી રાખી હતી, અને જેસીબી મશીન વગેરે પાછા ખેંચી લેવાયા હતા. હવે પછી ડીમોલેશન માટે ની નવી તારીખ જાહેર કરવામાં આવશે, અને ત્યાં સુધીમાં તમામ દબાણકર્તાઓને જગ્યા ખાલી કરી દેવા માટેની અંતિમ સુચના આપવામાં આવી છે. મોટા થાવરીયા ગામની મહિલાઓ આજે રણચંડી બની જતા અને જેસીબી મશીન ની આડે બેસી ગઇ હતી, અથવા તો જેસીબી ઉપર લટકી જતા તંત્રને મહિલાઓ સામે ઝૂકવું પડયું હતું, અને ડીમોલેશન અટક્યું છે.