Election Comission

કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ


લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે

કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

ચૂંટણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ વખતે સૌ પ્રથમવાર….

  •   રીસીવીંગ – ડીસ્પેચીંગ સેન્ટર પરના અધિકારી – કર્મચારીઓના આરોગ્યની કરાશે ચકાસણી
  •  મતદાન મથકના પ્રવેશદ્વારે આરોગ્ય કર્મચારી સાથે થર્મલ ગન – સેનેટાઈઝરની વ્યવસ્થા
  •  તમામ કર્મચારીઓ માટે માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડની વ્યવસ્થા
  •   તમામ મતદારો માટે માસ્ક તથા મતદાન કરવા સારૂં ડીસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્ઝની વ્યવસ્થા
  •  મતદાનના દિવસે મતદારો માટે પ્રતિક્ષા કક્ષ
  • કોરોનાના કારણે મતદાન મથકે માત્ર ૧૦૦૦ ની મર્યાદામાં જ મતદારો મતદાન કરી શકે તેવું આયોજન
  •  જેના કારણે વધુ નવા ૯૪ મતદાન મથકોની કરવામાં આવેલી રચના

અહેવાલ: હેતલ દવે

લીંબડી, ૨૦ ઓક્ટોબર: ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની પેટા ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન કોવીડ – ૧૯ નું સંક્રમણ ન ફેલાય અને મતદારો કોરોનાના ભયથી મૂક્ત રહી તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને આ ચૂંટણીની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે ચૂંટણી પંચ દ્વારા કોરોના સંદર્ભે ખાસ માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેનું સબંધિત વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારી – કર્મચારીઓએ, ઉમેદવારોએ તેમજ મતદારોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. ચૂંટણી પંચની આ માર્ગદર્શિકાનું સુરેન્દ્રનગર જિલ્લાની ૬૧-લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂસ્તપણે પાલન થાય અને આ ચૂંટણી મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શક સૂચનાઓ જોઈએ તો અત્યાર સુધીની ચૂંટણીમાં આ વખતે ઘણીબધી બાબતો પ્રથમવાર થઈ રહી છે. કોરોનાના કારણે પ્રત્યેક મતદાન મથકો ઉપરથી માત્ર ૧૦૦૦ મતદારો જ મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આ વિધાનસભા વિસ્તારમાં વધુ અન્ય ૯૪ નવા મતદાન મથકોની રચના કરવામાં આવતાં આ વખતે આ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૪૨૦ મતદાન મથકો ઉપરથી મતદારો મતદાન કરશે.

મતદાનના દિવસે મતદાન મથકના પ્રવેશદ્વારે આરોગ્ય કર્મચારીને થર્મલગન તેમજ સેનેટાઈઝર સાથે રાખવામાં આવશે. તેના દ્વારા મતદાન માટે આવતા મતદારનું તાપમાન માપવામાં આવશે અને જો મતદારનું તાપમાન સામાન્ય મર્યાદા કરતાં વધુ હશે તો તેમને છેલ્લા કલાકમાં મતદાન કરવા માટે સમજુત કરવામાં આવશે અથવા તો તેમના માટે પ્રતિક્ષા કક્ષમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાના કારણે ક્વોરોન્ટાઈન હેઠળ રહેલા મતદારોની અગાઉથી માહિતી એકત્ર કરી તેઓ મતદાનના છેલ્લા કલાક દરમિયાન મતદાન માટે આવે તેવી તેમને જાણ કરી આ માટેની વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવશે. 

કોરોના મહામારીને ધ્યાને લઈ મતદાનનો સમય સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ માટે માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડની તેમજ મતદાન માટે આવતા જે મતદારોએ માસ્ક પહેર્યુ નહી હોય તેવા મતદારો માટે માસ્ક તથા તમામ મતદારો માટે મતદાન કરવા સારૂં ડીસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્ઝની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વૃધ્ધ, દિવ્યાંગ અને સગર્ભા મતદારોને મતદાન માટે અગ્રતા આપવામાં આવશે. દરેક મતદાન મથકના સ્થળ ઉપર હેલ્પ ડેસ્કની તેમજ સેનેટાઈઝર અને હાથ ધોવા સાબુ તથા પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાશે. મતદાન મથકે સામાજીક અંતર જળવાઈ રહે તે માટે મતદારો માટે ૬-૬ ફુટના અંતરે વર્તુળ કરવામાં આવશે.

loading…

આ ઉપરાંત રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટર ઉપર ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારી – કર્મચારીઓની પણ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. અને જો આ ચકાસણી દરમિયાન કોઈને કોરોનાના લક્ષણ જણાશે તો તેવા અધિકારી – કર્મચારીનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે અને આ ટેસ્ટ દરમિયાન જો તેમને કોરોના પોઝીટીવ આવશે તો તેમને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે નહી. આ માટે તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીને મતદાન મથકોએ કોરોના સંદર્ભે જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્વિત કરવા નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

કેન્દ્ર – રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ મતદારો ભય વિના તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને મતદાનના કારણે કોઈપણ પ્રકારનું કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે તકેદારી સાથે જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવી રહયાં છે, ત્યારે આપણે સૌએ પણ ભારતવર્ષના એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ બજાવવાની છે. આપણે મતદાર તરીકેના આપણા મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવાનો જ છે, સાથો – સાથ કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે આપણા મોઢે માસ્ક બાંધીને, સામાજીક અંતર જાળવીને, આપણા હાથ વારંવાર સાબુ – સેનેટાઈઝથી સાફ કરીને તથા છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં રૂમાલથી ઢાંકીને તેમજ હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીને અને જાહેર જગ્યાએ ન થૂંકી આપણે એક જાગૃત નાગરીક તરિકેની તમામ મર્યાદાઓનું પાલન કરી મતદાન કરીને આપણી ફરજ નિભાવવાની સાથે કોરોના સંદર્ભે જરૂરી તકેદારી રાખીને આપણે સૌ આપણા નાગરિક ધર્મનું અવશ્યપણે પાલન કરીશું તો આપણી લોકોશાહીને મજબૂત બનાવવાની સાથે આપણે કોરોનાની મહામારીને અવશ્ય મ્હાત આપી શકીશું. 

****

Reporter Banner FINAL 1