Rajkot Amrishbhai Trivedi

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

Rajkot Amrishbhai Trivedi

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ દર્દીના પરિવારજનોની લાગણીને પણ કોવિડના ડોકટરો સમજે છે, અહીં દર્દીની સારવાર માંગણીથી નહીં, લાગણીથી થાય છે” આ શબ્દો છે અમરીશભાઈ ત્રિવેદીના.

 તા. ૧૧ ઓગસ્ટના રોજ અમરીશ ભાઈના સબંધી રાજકોટ કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ થયા એ વખતે તેમની તબિયત ખુબ જ ક્રિટિકલ હતી, અમરીશભાઈ ઇચ્છતા હતા કે તેમના સંબંઘી ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ જાય અને એ માટે તેમણે સિવિલમાં સાધનિક કાગળોની કાર્યવાહી શરુ કરી, એ વખતે દર્દીની ક્રિટિકલ કન્ડિશનને ધ્યાને લઇને ફરજ પરના ડોકટરે તેમને થોડીવાર માટે સિવિલમાં જ સારવાર કરાવવા માટેનું સૂચન કર્યું. ત્યારબાદ અમરીશ ભાઈને જે સંવેદના સભર અનુભવો થયા તેને વર્ણવતા અમરીશભાઈ કહે છે કે, મારા અંગત સ્વજનની તબિયતને ધ્યાને લઈને અમે તેમની સિવિલમાં જ સારવાર ચાલુ રાખી માટે સૌ પ્રથમ તો મે કોવિડ હોસ્પિટલનું બારીકાઇ થી નિરીક્ષણ કર્યું, મારી જેમ અહીં આવનાર દરેક દર્દીના સ્વજન હાઇપર થઇ જતા પણ ડોક્ટર તેમને શાંતિથી મક્કમ મનોબળ પૂરું પાડતા, હોસ્પિટલની કાર્યપ્રણાલી ખુબ જ સરળ અને સઘન હતી, કોઈ ખાનગી હોસ્પિટલમાં જે પ્રકારે સ્વછતા જાળવવામાં આવે એવી સ્વછતા સિવિલમાં છે, અહીંયા કોરોનાના દર્દીઓ પોતાના સ્વજનો સાથે વાતચીત કરી શકે એ માટે હેલ્પ ડેસ્ક કાર્યરત છે, ત્યાં મારી જેમ દરેકને વીડીયો કોલના માધ્યમથી તેમના દાખલ થયેલા પરિવારજન સાથે વાતચીત કરવાની સુવિધા આપવામાં આવે છે.

banner city280304799187766299

અમરીશભાઈ દુ:ખભર્યા સ્વરે જણાવે છે કે, મારા એ સ્વજનનું અવસાન થયું પરંતું જ્યાં સુધી અમરેલી રહેતા તેમના પરિવારજનો અહીં આવ્યા નહીં ત્યાં સુધી સિવિલ હોસ્પિટલના તમામ કર્મીઓએ પોતાના આપ્તજનનું અવસાન થયું હોય તે રીતે ધ્યાન રાખ્યું. અને તેમના પરિજનો આવ્યા પછી અંતિમ વિધિમાં પણ હોસ્પિટલના સ્ટાફે ખુબ જ સારો સહયોગ આપ્યો, સરકારી સેવા આટલી સારી હોય તેની સાચી પ્રતિતી મને આજે થઈ છે. સાચુ કહું તો કોરોનાની આવી મહામારીમાં સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફનું કાર્ય કાબિલેદાદ છે. હું અન્ય લોકોને પણ સલાહ આપીશ કે કોરોના ન થાય તે માટે આપણે સૌએ સરકારની માર્ગદર્શીકાને અનુસરવું જોઈએ અને તેમ છતાં પણ જો કોરોના થાય તો સિવિલમાં જ દાખલ થવાય”

અમરીશભાઈએ અનુભવેલી સીવીલના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સની લાગણીસભર સારવારની અનુભૂતિ આજે અનેક લોકોને થઈ રહી છે. આ જ છે, સંવેદનશીલ સરકારના સંવેદનશીલ કર્મયોગીઓની કાર્યશિલતા.

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ