Corona warrior

કોરોના વોરિયર્સના આરોગ્યની પણ ચિંતા કરી રહી છે રાજ્ય સરકાર

કોવિડ હોસ્પિટલમાં લોકોના આરોગ્ય માટે સેવારત કોરોના વોરિયર્સના આરોગ્યની પણ ચિંતા કરી રહી છે રાજ્ય સરકાર



કોવિડ હોસ્પિટલમાં આરોગ્યના તમામ કર્મીઓને
એમની ડ્યૂટીની સાથે મળી રહ્યો છે પોષણયુક્ત આહાર


અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ,૧૨ સપ્ટેમ્બર : કોરોનાની મહામારીના સમયમાં આપણે મોઢે માસ્ક બાંધીને આપણી ફરજ બજાવતા હોય કે ઘરના કામ સબબ બહાર નીકળ્યા હોય તો પણ માત્ર થોડાક કલાકો જ મોઢે માસ્ક બાંધ્યું હોવા છતાં પણ આપણે કંટાળી જઈએ છીએ, માનસિક રીતે થાકી જઈએ છીએ. તો વિચારો આપણા જ લોકોની સેવામાં પી.પી.ઇ. કીટ પહેરીને કે હાથમાં ગ્લોઝ અને મોઢે માસ્ક બાંધી કોરોનાગ્રસ્ત દર્દીઓ વચ્ચે સતત તેમની સંભાળ રાખી રહેલા આપણા જ પરિવાર સમા તબીબો અને આરોગ્ય કર્મીઓની હાલત શું થતી હશે ? સતત આઠ – આઠ કલાકથી પણ વધારે સમય આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જ રહી દર્દીઓના આરોગ્યની સંભાળ રાખવી એ બહુ કઠિન બાબત છે. તેમ છતાં પણ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વિના નિસ્પૃહ ભાવે પોતાનું કાર્ય કરી રહેલા રાજકોટની કોવીડ હોસ્પિટલના આવા ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે, અને તેના કારણે આજે આ હોસ્પિટલમાં ત્રણ શિફ્ટમાં ફરજ બજાવી રહેલા વર્ગ ૧ થી ૪ સુધીના અંદાજે ૧૮૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને મળી રહ્યો છે, શુદ્ધ સાત્વિક આહાર.

 હા ! આ વાત તદ્દન સાચી છે. આજે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પ્રત્યેક શિફ્ટમાં પોતાની ફરજ માટે આવતા આરોગ્ય કર્મીઓને ફૂડ બાસ્કેટની સાથે મળી રહ્યો છે ગરમા ગરમ નાસ્તો.

Corona warrior GOPIBEN MAKVANA

રાજકોટ કોવિડ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના નોડલ અધિકારી ડો ગોપી મકવાણા કહે છે કે, આ હોસ્પિટલમાં કામગીરી માટે આવતાં વર્ગ ૧ થી ૪ ના તમામ આરોગ્યના અધિકારી-કર્મચારીઓ પી.પી.ઇ. કીટ પહેરી તેમનું કાર્ય કરી રહ્યા હોય છે, તેવા સમયે તેમને ડિહાઇડ્રેશન ન થાય અને સુપોષિત રહે તે માટે રાજ્ય સરકારે તેમની ચિંતા કરી તેમના માટે પોષણક્ષમ આહારની ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી છે. જે અન્વયે આ અધિકારી – કર્મચારીઓને તેમની ફરજ પહેલા ગરમ નાસ્તો આપવામાં આવે છે, તથા તેમની ફરજ મુજબ વોર્ડમાં જતા પહેલા ફૂડ બાસ્કેટ પણ આપવામાં આવે છે. જેમાં એક એનર્જેટિક જ્યુસ, લેમન જ્યુસ, પાણીની બોટલ, અમુલ મસ્તી છાશ અને એક બિસ્કિટનું પેકેટ આપવામાં આવે છે. જે તેઓ તેમની સાથે વોર્ડમાં સાથે લઈ જઈ શકે છે.

 કોરોનાની મહામારીના કારણે કામનું ભારણ વધી ગયું હોવાથી કોવિડની કામગીરી માટે અહીં આવતા આરોગ્યના આ તમામ લોકોને તેમના ફરજના સમય દરમ્યાનની ભોજન – પાણીની ચિંતા ન રહે તે માટે તારીખ ૧ લી સપ્ટેમ્બરથી આ અભિયાન રૂપી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમ જણાવતા ડોક્ટર ગોપી વધુમાં ઉમેરે છે કે, માણસનું પોતાનું પેટ જો ભરેલું હશે તો તેને એનર્જી મળી રહેશે અને તેના કારણે પી.પી.ઇ. કીટ પહેરીને પણ તે દર્દીઓની વધુ સારી સારવાર કરી શકશે અને થાકશે પણ નહીં. આજે જ્યારે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, સર્વન્ટ, સ્વીપર્સ એક પરિવારની જેમ કાર્ય કરી રહ્યા છે, તો તેમનું ધ્યાન રાખવું એ પણ આપણી ફરજ બને છે. અને તેથી જ આ કોવિડ હોસ્પિટલમાં દરરોજ ૧૭૦૦ થી ૧૮૦૦ ફૂડ પેકેટ અને ૧૦૦૦ જેટલા લોકો માટે ગરમ નાસ્તો બનાવવામાં આવે છે. આ નાસ્તો શુધ્ધ અને પોષણયુક્ત હોય તેની સાથોસાથ સારી ગુણવત્તાવાળો હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

loading…

 કોવિડ હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક મુકેશ પટેલે જણાવ્યું હતું કે આજની વિકટ પરિસ્થિતિમાં સમય ખૂબ જ મહત્વનો બન્યો છે. સમયે હોસ્પિટલ પહોંચવું, દર્દીઓની સમયસર સારવાર કરવી. આ બધી જ બાબતોને અગત્યતા આપી કાર્ય કરી રહેલા તબીબી કર્મીઓને માનસિક સ્ટ્રેસ વચ્ચે સારો – સાત્વિક આહાર મળી રહે તે પણ અત્યંત જરૂરી છે. અને તેથી આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને તેઓ આ મહામારી સામે મક્કમતાથી લડી શકે તે માટે તેમની આહારની જરૂરિયાતને ધ્યાને લઇ કોવિડ હોસ્પિટલ ખાતે ગુણવત્તાયુક્ત આહારની ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓને રાતના સમયે ગરમ પીણું મળી રહે અને એમની એનર્જી જળવાઈ રહે તે માટે મધ્યરાત્રીએ તેમજ વહેલી સવારે તેમના માટે ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવી છે.

 કોરોનાની વૈશ્વિક મહામારી સામે લોકોના આરોગ્યની સુખાકારી માટે દિવસ-રાત જોયા વિના સતત કાર્યશીલ રહેતા આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તબીબી અધિકારી – કર્મચારીઓ માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી તેમના આરોગ્ય સુખાકારીની પણ ચિંતા કરી રાજ્ય સરકારે સાચા અર્થમાં તેની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.