કોરોનાની મહામારી વચ્ચે મેડિકલ ઈમરજન્સી માટે સતત કાર્યરત ૧૦૮ ના સેવાકર્મીઓ

108 Emergency Medical service


લોકોની આરોગ્ય સુખાકારીના વાહક બનતા ૧૦૮ ના સેવાકર્મીઓ

એપ્રિલ માસથી આજદિન સુધીમાં ૧૦૮ દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા ૩૮૫૫ લોકોને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડાયા

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ,૧૨ સપ્ટેમ્બર : માનવ જીવન સાથે જોડાયેલી અતિ અગત્યની બાબત હોય તો તે છે સમય. કોઈપણ વ્યક્તિને યોગ્ય સમયે મળેલી મદદ તેના જીવનમાં બહુ મોટો ભાગ ભજવતી હોય છે, પછી તે મદદ નાણાંની હોય, માનસિક હોય કે પછી આરોગ્યલક્ષી હોય. સમયસરની મદદ વ્યક્તિને નવજીવન આપવાની સાથે તેના જીવનમાં આમૂલ બદલાવ લાવી શકે છે.

કોરોનાની મહામારી વચ્ચે આજે વાત કરવી છે, સમયની કિંમતને જાણીને લોકોના જીવનને બચાવવામાં મહામૂલું યોગદાન આપી રહેલી રાજકોટની ૧૦૮ ની સેવા અને તેની સેવાકર્મી ટીમની. ગુજરાતના લોકોની આરોગ્ય સુખાકારી માટે તેમને અકસ્માત કે અન્ય મેડિકલ ઈમરજન્સીના સમયમાં સત્વરે પ્રાથમિક સારવાર મળી રહે સાથો-સાથ તેમને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તેવા શુભ આશય સાથે આજથી લગભગ ૧૩ વર્ષ પહેલા રાજ્યમાં ૧૦૮ની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી પ્રત્યેક જિલ્લાઓ સુધી વિસ્તરેલી આ સેવા એ લોકોના જીવન બચાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

108 Emergency Medical service 2

કોરોનાના સમયમાં ૧૦૮ની આ સેવા અને તેમાં કાર્યરત એવા કર્મીઓએ દિવસ-રાત જોયા વગર નિસ્વાર્થ ભાવે શહેરી વિસ્તારોથી લઇને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને લોકોને જરૂરી સારવારની સાથે તેમને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડયા છે. રાજકોટ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઈને આજદિન સુધીની કામગીરીની વિગતો આપતા ૧૦૮ ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર મિલનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલમાં ૧૦૮ ની ૩૩ એમ્બ્યુલન્સ દ્વારા માર્ચ ૨૦૨૦ થી આજ દિવસ સુધી માં ૩૮૫૫ કોવિડ – ૧૯ ના લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડયા છે, ૧૦૮ ની એક એમ્બ્યુલન્સમાં બે પાયલોટ અને બે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મળી કુલ ૪ લોકો કાર્ય કરતા હોય છે. આ ઉપરાંત ૩ ગાડી દીઠ ૧ રીલીવર મળી કુલ ૧૩૦ જેટલા સેવા કર્મીઓ ૧૦૮ માં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે ૧૦૮ ના આ સેવાકર્મીઓ પી.પી.ઈ. કીટ પહેરીને કાર્ય કરે છે, તેમજ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ પી.પી.ઈ. કીટને હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રોય કરવામાં આવે છે. તેમજ એમ્બ્યુલન્સને પણ સંપૂર્ણ રીતે સેનેટાઇટ કરવામાં આવે છે.

loading…

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં ૧૦૮ના પ્રારંભથી લઇને આજ દિવસ સુધીમાં ૫.૫૬ લાખથી વધુ ઇમરજન્સી કેસમાં તાત્કાલીક સારવાર પૂરી પાડી લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડયા છે. એટલું જ નહીં ૫૦ હજારથી વધુ લોકોને મૃત્યુના મુખમાંથી પણ બચાવ્યા છે.

આમ જોવા જઈએ તો, કોરોનાના કપરા કાળમાં લોકોને તેમના ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચાડતા આ ૧૦૮ ના કોરોના વોરીયર્સ એવા સેવાકર્મીઓ સાચા અર્થમાં લોકોની આરોગ્ય સુખાકારીના વાહક બની તેમની સંવેદનશીલતાના દર્શન કરાવી રહ્યા છે.