દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.35 લાખ થઈ

દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3.42 લાખ કેસ છે

સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.35 લાખ છે અને તેનો આંકડો વધી રહ્યો છે

1%થી ઓછા દર્દીઓ વેન્ટિલેટર પર, 2%થી ઓછા દર્દીઓ ICUમાં અને 3%થી ઓછા દર્દીઓ ઓક્સીજન સપોર્ટ પર છે

17 JUL 2020  by PIB Ahmedabad

આજની સ્થિતિ અનુસાર, દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ માત્ર 3,42,756 છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 6.35 લાખ કરતાં વધારે (63.33%) દર્દીઓ આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે.

1.35 અબજની વસ્તી સાથે ભારત સમગ્ર દુનિયામાં બીજો સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે અને પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 727.4 કેસ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ નોંધાયેલા કેસની સંખ્યા કરતાં યૂરોપના કેટલાક દેશોમાં નોંધાયેલા કેસો 4 થી 8 ગણા વધારે છે.

દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ મૃત્યુદર 18.6 છે જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે. ઘરે-ઘરે સર્વે, સંપર્ક ટ્રેસિંગ, કન્ટેઇન્મેન્ટ ઝોન અને બફર ઝોનનું સર્વેલન્સ, પરિસીમા નિયંત્રણ પ્રવૃત્તિઓ, સઘન અને ઝડપી પરીક્ષણ તેમજ સમયસર નિદાનના કારણે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોને વહેલાં ઓળખી કાઢવામાં ઘણી મદદ મળી છે. આ પ્રયાસોના કારણે ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર પણ ઘણી વહેલી શરૂ થઇ શકી છે.

ભારતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા તબીબી વ્યવસ્થાપનમાં સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવેલા કોવિડ-19ના હળવા લક્ષણો, મધ્યમ લક્ષણો અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના વર્ગીકરણ માટેના દેખરેખ પ્રોટોકોલના ધોરણોનું પાલન કર્યું છે. અસરકારક તબીબી વ્યવસ્થાપન વ્યૂહરચનાથી સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. લગભગ 80% લક્ષણો ના ધરાવતા હોય તેવા અને હળવા લક્ષણો ધરાવતા કેસોને હોમ ક્વૉરેન્ટાઇન અથવા તબીબી દેખરેખ હેઠળ રાખવાની સલાહ આપવામાં આવી છે. મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સમર્પિત કોવિડ હોસ્પિટલ અથવા સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રોમાં સારવાર કરવામાં આવી રહી છે. હળવા લક્ષણો ધરાવતા અને લક્ષણો ના હોય તેવા દર્દીઓ માટે હોમ આઇસોલેશનની વ્યૂહરચના અપનાવતી હોસ્પિટલો પર વધારાનું ભારણ ટાળી શકાયું છે અને ગંભીર કેસોમાં મૃત્યુદર ઘટાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત થઇ શક્યું છે. અહીં એ પણ નોંધનીય છે કે, કુલ સક્રિય કેસોમાંથી 1.94% કેસ ICUમાં, 0.35% કેસ વેન્ટિલેટર પર અને 2.81% કેસ ઓક્સીજન સપોર્ટેડ બેડ પર સારવાર લઇ રહ્યા છે.

દાખલ કરવામાં આવેલા દર્દીઓને યોગ્ય સારવાર સુનિશ્ચિત થઇ શકે તે માટે દેશમાં સતત સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ દિશામાં સઘન પ્રયાસોના પરિણામે, કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે કોવિડ-19 હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બન્યું છે. આજની સ્થિતિ અનુસાર, દેશમાં 1383 કોવિડ સમર્પિત હોસ્પિટલ, 3107 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો અને 10,382 કોવિડ સારવાર કેન્દ્રો ઉપલબ્ધ છે. વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉભી કરવામાં આવેલી આ તમામ સુવિધાઓમાં કુલ મળીને 46,673 ICU બેડ, 21,848 વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. હાલમાં N95 માસ્ક અથવા PPE કિટની કોઇ જ અછત નથી. કેન્દ્ર દ્વારા આજદિન સુધીમાં વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રની સંસ્થાઓને કુલ 235.58 લાખ N95 માસ્ક અને 124.26 લાખ PPE કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે