Rtd RMO new Civil Mohanlal Gamit

૭૫ વર્ષની જૈફ વયે કોવિડ સ્પેશિયલ ડ્યુટીમા જોડાયેલા સિવિલના નિવૃત્ત આર.એમ.ઓ. ડો.મોહનલાલ ગામીત

Rtd RMO new Civil Mohanlal Gamit

૧૫ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા સિવિલ હોસ્પિટલના તત્કાલીન આર.એમ.ઓ. યુવા તબીબો માટે બન્યા પ્રેરણારૂપ

ડો. ગામીતના જીવનસંગિની પત્નીએ કહ્યું: ‘લોકોની સેવા કરવાની આજે ખરી તક છે’

શહેરી આરોગ્ય તંત્ર સાથે જોડાઈ કોરોનાને હરાવવાનું બીડું ઉઠાવ્યું

દર્દી મને કહે છે કે, આટલી ઉમરે ડર નથી લાગતો? હું કહું છું: ‘ભગવાને મને તમારી સેવા માટે જ આટલી ઉંમરે જીવિત રાખ્યો છે: નિવૃત્ત આર.એમ.ઓ. ડો.મોહનલાલ ગામીત

સુરત:સોમવાર:- ૫૦ વર્ષથી વધુ વયના વડીલો ઉપર કોરોના સંક્રમણનો સૌથી વધુ ખતરો હોય છે, જેથી વડીલોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ આજે વાત કરવી છે એવા ૭૫ વર્ષીય વયોવૃદ્ધ વડીલની કે જેઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષ પહેલા આર.એમ.ઓ. તરીકે સેવા આપીને નિવૃત્ત થઈ ચૂક્યા છે, પરંતુ આ ડોક્ટર નિવૃત્તિનો સમય ઘરે રહી ગુજારવાને બદલે કોરોના સંકટમાં કોરોના દર્દીઓની સેવા કરવાં સુરતના આરોગ્ય તંત્ર સાથે જોડાઈ ગયા છે, અને  હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર મહિનાથી કોવિડની સ્પેશિયલ ડ્યુટી કરી રહ્યા છે. ઘરે બેસવાના બદલે કોરોનાને હરાવવા હિંમતભેર કમર કસનારા આ નિવૃત્ત આર.એમ.ઓ. છે ડો. ડો.મોહનલાલ ગામીત, જેઓ અનેક તબીબો માટે પ્રેરણારૂપ બન્યા છે, ડો. ગામીતએ નિવૃત્તિ પછી પણ માનવસેવા માટે પ્રવૃત્ત થવાની ઉદાત્ત ભાવના અને કૃતજ્ઞતાની મિસાલ કાયમ કરી છે.

        આમજનતામાં માનસિકતા હોય છે કે, ‘આખી જિંદગી ખુબ કામ કર્યું, નિવૃત થયા બાદ ઘરે આરામ કરવો’. પણ નોખી માટીના બનેલા ડો. ગામીત ઢળતી ઉંમરે પણ કોરોનાની મહામારીમાં ઉંમરની પરવાહ કર્યા વિના જુસ્સા સાથે સેવાના કાર્યમાં જોડાયા છે. ખરા અર્થમાં કોરોના વોરિયરના બિરૂદને સાકાર કરનારા ડો.મોહનલાલ ગામીત ૧૫ વર્ષ પહેલા નવી સિવિલમાંથી રેસિડેન્ટ મેડિકલ ઓફિસરની ફરજ પરથી વયનિવૃત્ત થયાં બાદ પરિવાર સાથે નિવૃત જીવન વિતાવી રહ્યા હતા. તેમણે વર્ષ ૧૯૯૪માં પ્લેગ જેવી મહામારીમાં પણ રાત-દિવસ દર્દીઓની સેવા કરી છે. તેમનો બહોળો દાક્તરી અનુભવ કોરોના દર્દીઓ માટે કામ આવી રહ્યો છે.

Surat civil Hospital

           દર્દીઓની સેવાના ઈશ્વરીય કાર્યમાં સહભાગી બનેલા ડો.મોહનલાલ બાબુભાઇ ગામીતે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં સુરતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે થતું કે ‘હું ડોક્ટર હોવા છતાં કોરોના દર્દીઓની મદદ કરી શકતો નથી.’ એવામાં મારા ધર્મપત્નીએ મને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, ‘મેડિકલ ફિલ્ડનો આટલો અનુભવ અને તબીબી ડિગ્રી છે, તો કોરોનાકાળમાં લોકોની સેવા કરવાનો આ મોકો તમારે જવા દેવો ન જોઈએ.’ અને પત્નીની પ્રેરણા અને હ્રદયમાં પહેલેથી જ સેવા કરવાની સંસ્કાર ભાવનાને અનુસર્યો. ‘પત્નીએ જ કહ્યું, લોકોની સેવા કરવાની આજે ખરી તક છે’ જેના કારણે સ્મીમેર હોસ્પિટલ સાથે જોડાયો. જ્યાં કોવિડ સ્પેશિયલ ડ્યુટી અંતર્ગત કોવિડ વોર્ડમાં તબીબી ફરજ બજાવી રહ્યો છું. મને કામ કરતો જોઈને અને મારા વિષે જાણીને દર્દીઓના જુસ્સામાં વધારો થાય છે. કેટલાક દર્દીઓ મને પૂછે છે કે, ‘ડોક્ટર સાહેબ, આટલી ઉમંરે તમે કોવિડમાં અમારા માટે કામ કરી રહ્યા છો, તો કોરોનાનો ડર નથી લાગતો? ત્યારે હું દર્દીને કહું છું કે. ‘ભગવાને મને તમારી સેવા માટે જ આટલી ઉંમરે જીવતો રાખ્યો છે. હવે તમને સાજા કરવાં જ અહીં આવ્યો છું. કોરોના જશે નહીં ત્યાં સુધે હું પણ સ્મીમેરમાંથી ખસવાનો નથી.’

            તેમણે વધુમાં જણાવ્યું કે, ‘કોરોનાની મહામારીને નાથવા સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. સેવાના આ યજ્ઞમાં આહુતિ આપવાના હેતુથી હું અહીં મારી નૈતિક ફરજ સમજીને જોડાયો છું. મહાનગરપાલિકાએ કોવિડની સ્પેશિયલ ડ્યુટી માટે બહાર પાડેલી ભરતીમાં જોડાયો છું. અને દર્દીઓની સેવા કરવી તેમને સ્વસ્થ કરવાં એ જ એકમાત્ર ધ્યેય છે. મારી ઉંમર જોઈ ઘણા લોકો કહે છે કે ‘આ ઉંમરે કોરોનાના દર્દીઓ વચ્ચે કામ ન કરો, તમને પણ કોરોના થઈ જશે..’ પરંતુ એમને કહું છું કે ‘જો તમે સારા વિચારો અને નેક ભાવનાથી કોઈને મદદરૂપ બનવાની કોશિશ કરશો તો તમને કંઈ થશે નહિ.

               ડો.ગામીત કહે છે કે, યુવા ડોકટરો મને જોઈને બમણાં જુસ્સાથી કામ કરે છે એ જોઇને મને આનંદ થાય છે. મારો એક જ સિધ્ધાંત છે કે, આ સંકટની ઘડીમાં લોકોની-દર્દીઓની સેવા કરવી છે,બીજું કશું જ નહીં. સાડા ચાર મહિનાની ફરજ દરમિયાન મને કંઈ પણ થયું નથી. લોકોને સમજાવવા માગું છું કે કોરોનાની હાલની પરિસ્થિતિમાં ડરવાની બિલકુલ જરૂર નથી, કોરોના સામે લડવાની અને સાવચેત રહેવાની જરૂર છે. કોરોથી બચવા SMSને યાદ રાખો. S એટલે સોશિયલ ડિસ્ટન્સ, M એટલે માસ્ક અને છેલ્લો S એટલે સેનિટાઇઝર. આ ત્રણ શબ્દોને યાદ રાખી અમલમાં મૂકશો તો કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળતા મળશે.