Metro rail phase 3

અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

મેટ્રો પ્રોજેક્ટ

Metro rail Ahmedabad


મહાનગરોના આવનારા વર્ષોની જરૂરિયાતોનું આકલન કરીને બહેતર સુવિધા માટે મેટ્રો રેલ પૂરક બનશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી:- 

  •   ભૂતકાળમાં મેટ્રો રેલ માટેની કોઇ આધુનિક સોચ ન હતી : ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી અમે મેટ્રો રેલ પોલીસી બનાવી
  • વર્ષ ૨૦૧૪ પહેલા માત્ર પાંચ શહેરોમાં ૨૫૦ કિ.મી.ની મેટ્રો રેલનું નેટવર્ક હતુ
  • છેલ્લા છ વર્ષમાં દેશમાં ૭૦૮ કિ.મી. મેટ્રો રેલ નેટવર્ક કાર્યરત : દેશના ૨૭ શહેરોમાં આશરે ૧૦૦૦ કિ.મી.ની મેટ્રો રેલની કામગીરી પ્રગતિમા
  •   શહેરોની નવી વિકસતી ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓને ‘‘ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ  સીસ્ટમ’’ સાથે સાંકળી લઇ પરિવહન વ્યવસ્થાઓને પૂરક બનાવાશે
  •   ‘‘વિશ્વના ૧૦ પૈકીના ૯ હીરાઓ તૈયાર કરતુ દેશના બીજા ક્રમાંકના સ્વચ્છ શહેર સુરતની ગણના વિશ્વના ચોથા ક્રમાંકના ઝડપથી વિકસતા શહેરોમાં થઇ રહી છે
  •   લઘુ ભારતની મૂરત સમાન સુરતનો વિકાસ મેટ્રોના આવવાથી વધુ ગતિશિલ બનશે 


શ્રી વિજયભાઇ રૂપાણી :-

  •   અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત મહાનગરના આસપાસના વિસ્તારો સાથે કનેકટીવીટી માટે મેટ્રો રેલ ઉત્તમ માધ્યમ: આ પ્રોજેકટ ર૦રર સુધીમાં પૂર્ણ કરવાની નેમ
  •   રાજ્યના અન્ય શહેરો-નગરોમાં પણ ભવિષ્યની જરૂરિયાતો સંદર્ભે નાગરિકોની અવર-જવરની સરળતા માટે મોનોલાઇટ-મેટ્રો જેવી સુવિધા અપાવવાની દિશામાં પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશના મહાનગરોમાં અનેક હરણફાળ ભરી છે ત્યારે મહાનગરોમાં આવનારા વર્ષોની જરૂરિયાતોનું આકલન કરીને બહેતર સુવિધાઓ માટે મેટ્રો રેલ પૂરક પુરવાર થશે.

આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેજ-ર અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો  આ વેળાએ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી સહભાગી થયા હતા.
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા વેપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરોને મેટ્રો રેલની સુવિધાથી જોડીને યાતાયાતની કનેક્ટિવિટી માટે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે જે આવનારા સમયમાં ગુજરાતને એક આગવી ઓળખ અપાવશે.

Whatsapp Join Banner Guj

તેમણે ઉમેર્યું કે આ બંને શહેરોના રૂ. ૧૭ હજાર કરોડ કરતાં વધું રકમના આ પ્રોજેક્ટથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ પ્રેરક બળ મળશે. કોરોનાના કપરા કાળમાં પણ દેશમાં લાખો- કરોડોના નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયાં છે જે દેશના વિકાસને નવી દિશા આપશે.
 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આ પ્રોજેક્ટ એક નવો રાહ ચીંધનારો બનશે. અમદાવાદ મેટ્રો ફેઝ-2મા મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો એક કોરિડોર અને GNLUથી ગીફટ સીટી સુધીનો બીજો કોરીડૉર બનશે જે અમદાવાદ ગાંધીનગરના લાખો નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરશે. એ જ રીતે સુરતમાં પણ સરથાણાથી ડ્રીમ સિટી અને ભેસાણથી સંથેલીને જોડશે જેનું  આવનાર સમયને પારખીને આયોજન કરાયું છે.
 
તેમણે ઉમેર્યું કે ભૂતકાળની સરકારોએ શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ નક્કર આયોજન કર્યું નહિ અને કોઈ ચોક્કસ નીતિ પણ ન હોતી. શહેરો પોતપોતાની રીતે મેટ્રોનું આયોજન કરતા હતા. તેથી આગળ વધીને અમે મેટ્રો પોલિસીનું નિર્માણ કરીને રાજ્યોની અન્ય કનેક્ટિવિટી સાથે જોડીને એકરૂપતા લાવવાનો પ્રયાસ કર્યો છે. જેના થકી દેશભરમાં ઈન્ટિગ્રેટેડ નેટવર્કનુ માળખુ ઉભુ કરી દીધું છે જે એકબીજાને પૂરક બનશે. જેમાં આજની સમસ્યાઓ અને આવનારા સમયની સંભવિત ટ્રાફિક સહિતની સમસ્યાઓને ધ્યાને લઇને આયોજન કરાયું છે.

વર્ષ ૨૦૧૪ પહેલા માત્ર ૨૫૦ કિલોમીટરની જ મેટ્રો રેલનું નેટવર્ક હતુ. આજે છેલ્લા છ વર્ષમાં ૭૦૮ કિલોમીટરનું મેટ્રો રેલનું માળખું કાર્યરત છે અને ૨૭ શહેરોમાં આશરે ૧૦૦૦ કિલોમીટરના કામો પ્રગતિમાં છે.

Metro rail phase 2


વડાપ્રધાનશ્રીએ સુરત શહેરને સાધેલી વિકાસ યાત્રા સંદર્ભે ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, રાજ્ય સરકારના દ્રષ્ટિપૂર્ણ આયોજન અને વિકાસને પરિણામે સુરત આબાદી માટે દેશનું આઠમુ અને વિશ્વનું ચોથું વિકસતું શહેર છે એ જ રીતે દેશમાં મેન મેઇડ ફેબ્રિકમાં ૪૦ ટકા અને મેન મેઇડ ફાઈબરમાં ૩૦ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. દેશનું સૌથી સફળ શહેર સુરત છે જે માત્ર ને માત્ર સારા વિચારો અને સફળ આયોજનના પરિણામે શકય બન્યું છે. સુરતમાં ભુતકાળમાં ૨૦ ટકા ઝુપડપટ્ટી વિસ્તાર હતો. એ હવે માત્ર ૬ ટકા છે. શહેરોને ઝડપથી ભીડમુક્ત કરવાની દિશામાઁ ટ્રાફિક મેનેજમેન્ટની સુંદર વ્યવસ્થા ઊભી કરી છે.

સુરત શહેરમાં ૧૦૦થી વધુ પુલ બન્યા છે. જેમાં ૮૦ થી વધુ પુલ તો છેલ્લા ૨૦ વર્ષમાં બન્યા છે. એ જ રીતે ૧૨થી વધુ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત થયા છે. જેના લીધે રૂા.૧૦૦ કરોડથી વધુની આવક થઇ છે. સાથે સાથે સુરતમાં સારી હોસ્પિટલોનું નિર્માણ થયું છે. જેના પરિણામે ‘ઈઝ ઓફ લિવિંગ’નું સ્તર વધુ સુદૃઢ બન્યું છે. દેશભરના લાખો ઉદ્યમી લોકોએ સુરતમાં પોતાનું યોગદાન આપ્યું છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું સાચા અર્થમાં સાકાર કરીને એક લઘુ ભારતનું નિર્માણ સુરતમાં સાકાર થઈ રહ્યું છે. જે આગામી સમયમાં નવી ઊંચાઈ સર કરશે એવો દ્રઢ વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો. 
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ગાંધીનગર એક સમયે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત અધિકારીઓના નગર તરીકે ઓળખાતું હતું. અમે ગાંધીનગરની છબી બદલવાનો મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું જેના પરિણામે ગાંધીનગરને જીવંત બનાવીને એક સ્વપ્નશીલ શહેર બનાવી દીધું છે. ગાંધીનગરમાં આજે દેશભરના અનેક યુવાઓ શૈક્ષણિક કારકિર્દી ઘડીને પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. જે માટે આ મેટ્રો રેલ એક આગવી ઓળખ આપીને આરામદાયક યાતાયાતની સુવિધા પુરી પાડશે. ગાંધીનગર મેટ્રો રેલનો આ પ્રોજેક્ટ મોટેરા થી મહાત્મા મંદિર અને GNLUથી ગિફ્ટ સિટીને જોડશે.
 
તેમણે ઉમેર્યું કે ગાંધીનગરમાં આજે IIT, IITE, નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, PDPU, GNLU, NIFT, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ જેવી વૈશ્વિક સ્તરની સંસ્થાઓએ ગાંધીનગરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. એટલું જ નહિ પણ ગાંધીનગરમાં સ્થપાયેલી વૈશ્વિક કંપનીઓ પણ સ્થાનિક યુવાનોને ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી આપી રહી છે. મહાત્મા મંદિર પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ થકી રોજગાર નિર્માણ માટેનું પૂરક બળ આપી રહ્યું છે. તથા આધુનિક રેલવે સ્ટેશનનું નિર્માણ થઇ રહ્યું છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે જેના દ્વારા પણ ગાંધીનગરની નવી ઓળખ સાથે પરિવહનની સેવા વધતા ગાંધીનગરમાં ઉદ્યોગ માલિકોને રોકાણ માટે નવી તક મળશે.

વડાપ્રધાનશ્રીએ દેશના પ્રથમ હેરિટેજ સીટી સમા અમદાવાદની ભૂમિકા આપતા કહ્યુ કે, અમદાવાદ પણ આર્થિક દ્રષ્ટિએ ઉભરતું શહેર છે ત્યારે મેટ્રો ફેઝ-રનો આ પ્રોજેક્ટ પણ એ માટે પ્રેરક બનશે. શહેરમાં વિશ્વનું સૌથી મોટુ મોટેરા સ્ટેડિયમ, અમદાવાદ સરખેજ-ચિલોડા સીક્સલેન હાઇવેના મહત્વના પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. સાથે સાથે ધોલેરાને પણ એરપોર્ટ આપ્યુ છે અને રેલવે સાથે જોડવાના કામો પણ પ્રગતિમાં છે. અમદાવાદ-સુરત-મુંબઇ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ પ્રગતિમાં છે. જે ગુજરાત માટે મહત્વનો પુરવાર થશે અને વિકાસ ક્ષેત્રે પણ સહાયરૂપ થશે.
  
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવો અધ્યાય રચીને દેશને હંમેશા રાહ ચીંધ્યો છે. એ જ રીતે આગામી સમયમાં પણ ગુજરાત આગળ વધશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી ઉમેર્યુ કે, ભૂતકાળમાં ગુજરાતમાં શહેરોને ટ્રેન દ્વારા પાણી અપાતું હતુ. આજે ૮૦ ટકા ઘરોમાં નલ સે જલ દ્વારા પાણી પૂરુ પડાય છે. રાજ્યમાં ૧૦ લાખથી વધુ કનેક્શન નલ સે જલ યોજના હેઠળ આપી દેવાયા છે. ખેડૂતોને સિંચાઇની સુવીધા જે વિસ્તારોમાં શક્ય ન હતી ત્યાં પણ મા નર્મદાના નીર ગુજરાતે સેંકડો કિ.મી. દૂર છેક કચ્છ સુધી પહોંચાડ્યા છે. સરદાર સરોવર યોજના, સૌની યોજના થકી અલાયદી વોટરગ્રીડનું પણ નિર્માણ કર્યુ છે. તેમજ ગુજરાતે રાજ્યના તમામ ગામડાઓમાં ૨૪ કલાક પર્યાપ્ત વીજળી પણ આપી છે અને સૌર ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહ્યુ છે. વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું પણ કચ્છ ખાતે નિર્માણ થનાર છે જેનું ખાતમૂહુર્ત પણ તાજેતરમાં થયુ છે એ ગુજરાતને વિકાસ માટે આગવી ઓળખ આપશે.
તેમણે ઉમેર્યુ કે, ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી મળે એ હેતુસર દેશભરમાં ગુજરાતે પહેલ કરીને કિસાન સૂર્યોદય યોજનાના માધ્યમ દ્વારા વીજળી આપવાની શરૂઆત કરી દીધી છે. તથા દેશના સૌથી મોટા ગિરનાર રોપવેનું પણ લોકાર્પણ કરીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કર્યો છે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ  ઘોઘા-રો પેક્સ ફેરી સર્વીસ કાર્યરત કરીને જોડી દેવામાં આવ્યા છે. જેના થકી નાગરિકોના સમયની સાથે સાથે પેટ્રોલ ડિઝલની બચત થઇ રહી છે અને ખેડૂતો પોતાના પાક ઉત્પાદનો પણ સરળતાથી દક્ષિણ ગુજરાતમાં પહોંચાડીને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બન્યા છે એ રાજ્ય સરકારની દષ્ટિવંત નીતિને આભારી છે.

Metro rail phase 3

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને ડિજીટલ સેવા સેતુના માધ્યમ દ્વારા રાજ્ય સરકારની ૫૦ થી વધુ સેવાઓ ગ્રામ્ય કક્ષાએ પહોંચાડવાનું ભગીરથ કાર્ય થયુ છે. ૫૦૦૦ ગામડાઓમાં આ સેવાઓ શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં ૮ હજાર ગામડાઓ સુધી વિસ્તારાશે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ કે, ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સુરક્ષિત કરવા માટે આયુષમાન ભારત યોજના થકી સુરક્ષા કવચ પુરૂ પાડ્યુ છે. આ યોજનાનો ગુજરાતના ૨૧ લાખ લોકોએ  લાભ લીધો છે. એ જ રીતે નાગરિકોને ગુણવત્તાયુક્ત સસ્તી દવા મળી રહે એ માટે રાજ્યમાં ૫૨૫ જેટલા જન ઔષધિ કેન્દ્રો પણ કાર્યરત કર્યા છે જેના થકી રૂા.૧૦૦ કરોડથી વધુ રકમની નાગરિકોની બચત થઇ છે. ગ્રામીણ ગરીબોને સસ્તા ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨.૫૦ લાખ આવાસો રાજ્યમાં પૂરા પાડ્યા છે તથા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ૩૫ લાખ શૌચાલયોનું નિર્માણ કરાયુ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નયા ભારતના નિર્માણ ક્ષેત્રે લોકોની અપેક્ષાઓ સમજીને આગળ વધવાનો મક્કમ નિર્ધાર કર્યો છે તેમ જણાવી ઉમેર્યુ કે કેન્દ્રીય સ્તરે રાજ્યોના વિકાસ કામોની સમીક્ષા માટે અમે ‘પ્રગતિ’ પ્લેટફોર્મ કાર્યરત કર્યુ છે જેના દ્વારા તમામ રાજ્યોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટની નિયમીત સમીક્ષા થઇ રહી છે અને આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા ૧૩ લાખ કરોડથી વધુ પ્રોજેક્ટનું ચિંતન કરીને વર્ષોથી અટવાયેલા પ્રશ્નોનું ઉચિત સમાધાન પણ કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તથા સ્થાનિક લેવલે નાના એમએસએમઇ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એ માટે એમએસએમઇનો વિસ્તાર કર્યો છે અને નિકાસ નીતીમાં પણ બદલાવ લાવ્યા છીએ એટલે ઉત્પાદીત વસ્તુને વેચવા માટેના નવા રસ્તાઓ ખોલી દીધા છે. મેન્યુફેક્ચર અને સર્વીસ સેક્ટરમાં પણ સુધારા કરીને એમએસએમઇને ઉજવળ તકો પૂરી પાડી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

▪શ્રી અમિત શાહ:-
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે જણાવ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પરીયોજના ચરણ-૨ અને સુરત મેટ્રો રેલના શિલાન્યાસ તથા ભૂમિપૂજનથી આજે ગુજરાતની વિકાસયાત્રામાં વધુ એક યશનું છોગુ ઉમેરાયું છે, જે શહેરી વિકાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ એક પડાવ આગળ લઈ જશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર ખૂબ ભાર મૂક્યો હતો. આજે ગુજરાત રાજ્ય વિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં મોડેલ રાજ્યની સાથે પ્રથમ નંબર ઉપર છે. આ વિકાસની પરંપરા ગુજરાત હજુ આગળ વધારી રાજ્યની વિકાસયાત્રાને વધુ ગતિશીલ બનાવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.
 
શ્રી અમિત શાહે ગુજરાતના સર્વાંગી વિકાસની યાત્રાના ખુદ સાક્ષી રહ્યા હોવાનું જણાવીને ઉમેર્યું કે, દીર્ઘદ્રષ્ટિ ધરાવતા શ્રી મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસની કલ્પના રાજ્યના નાગરિકો સમક્ષ મુકીને તે વિકાસની પરિકલ્પનાને ચરિતાર્થ કરી બતાવી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના વિકાસ ઉપરાંત દરિયા કિનારાથી લઈ જંગલ વિસ્તારના ભવ્ય વિકાસને આપણે સૌ જોઈ રહ્યા છીએ. તે ઉપરાંત પહાડોમાં વસતા આદિવાસી ભાઈઓનો પણ સર્વાંગી વિકાસ કરીને સૌને આત્મનિર્ભર બનાવ્યા છે.

સમગ્ર દેશમાં જ્યારે લોકતંત્ર પરથી શ્રદ્ધા ડગમગવા લાગી હતી તેવા સમયે શ્રી મોદીએ ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો ને ગુજરાતના વિકાસની ચર્ચા થઈ. તેના પરિણામે આજે સમગ્ર દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બની હોવાનું જણાવી શ્રી શાહે ઉમેર્યું કે ગુજરાતની જેમ જ સમગ્ર દેશમાં સમભાવથી વિકાસ થઈ રહ્યો છે. જેના પરિણામે આપણે છેલ્લા સાડા છ વર્ષમાં થયેલી દેશની વિકાસ યાત્રા થકી જોઈ શકીએ છીએ. પહેલા દેશમાં માત્ર પાંચ શહેરમાં કુલ ૨૫૦ કિલોમીટર મેટ્રો રેલનું નેટવર્ક હતું જે વધીને હવે ૧૮ શહેરોમાં ૭૦૮ કિલોમીટર સુધી પહોંચ્યું છે અને હજુ આવનારા દિવસોમાં આ ગતિ અનેક ગણી વધવાની છે.

અમદાવાદની માસ ટ્રાન્સપોર્ટેશનની અદ્યતન સીસ્ટમ એવી બીઆરટીએસને યાદ કરતા શ્રી શાહે જણાવ્યું કે અમદાવાદમાં બીઆરટીએસ થકી નગરજનોને ઝડપી, સરળ અને કમ્ફર્ટ પરિવહન વ્યવસ્થા પ્રાપ્ત થઈ તે એક સફળતા છે. આ જ રીતે માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને વધુ અધ્યતન બનાવવાની દિશામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ મહત્વનું કદમ સાબિત થશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમદાવાદ-ગાંધીનગરને જોડવાની સાથે સાથે ગિફ્ટ સીટી, મોટેરા સહિતના અનેક મહત્વના સ્થળોને આવરી લેશે અને કમ્ફર્ટ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઉભી થશે. રાજ્યની વિકાસયાત્રા નિશ્ચિતરૂપે આગળ વધશે તેઓ દ્રઢ વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.

▪શ્રી હરદીપસિંહ પુરી:-
કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ રાજયમંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે ગુજરાત માટે આજે સોનાનો સુરજ ઉગ્યો છે. સુરત અને અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે એ રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારશે અને યાતાયાતની સુવિધામાં વધારો કરશે. તેમણે ઉમેર્યું કે દેશની આઝાદીની હિરક જયંતીએ  અમદાવાદ ફેઝ -૧ મેટ્રો પ્રોજેક્ટનું કામ જૂન-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે, જે અમદાવાદના ૬૫ લાખ લોકોને શ્રેષ્ઠ પરિવહનની સુવિધા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનના પરિણામે દેશભરમાં હાલ ૧૮ શહેરોમાં ૭૦૮ કિમીના મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલુ છે અને ૨૭ શહેરોમાં ૧૦૧૬ કિ.મી.ના પ્રોજેક્ટના કામો પ્રગતિમાં છે.
 
તેમણે ઉમેર્યું કે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ફેઝ -૨ રૂ.૫૩૮૦ કરોડના ખર્ચે ૨૮ કિમીનો બનશે. જેમાં બે એલિવેટર કોરિડોર થકી મોટેરા, મહાત્મા મંદિર, પીડીપીયુ, જીએનએલયુને જોડાશે. એ જ રીતે સુરત હીરા કાપડ ઉદ્યોગ માટે આર્થિક શહેરમાં પણ રૂ.૧૨ હજાર કરોડના ખર્ચે ૪૦ કિમીની મેટ્રો પ્રોજેક્ટ બનશે. જેમાં ૬.૩ કીમીનો અંડરગ્રાઉન્ડ અને સાત એલિવેટેડ કોરિડોર બનશે. જેના પરિણામે નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો થશે અને શહેરો વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થશે.

▪ મુખ્યમંત્રીશ્રી :-  
 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેઇલ પરિયોજનાના બીજા ચરણનો અને સુરત શહેરની મેટ્રોના પ્રથમ ચરણના શિલાન્યાસ અવસરને ભવિષ્યના આધુનિક ગુજરાતના નિર્માણની પાયાની ઇંટ સમાન ગણાવ્યો હતો.  
           
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં ગુજરાત વિશ્વના પ્રવાસન નકશે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેલ્વે જોડાણથી પ્રસ્થાપિત થયું છે અને ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે તે માટે પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.  
           
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના શહેરો વિશ્વના શહેરોની સરખામણી કરી શકે તેવા અદ્યતન વિકાસયુકત બનાવવા સાથે ગુજરાત માટે અનેક નવા વિકાસ આયામોની ભેટ કેન્દ્ર સરકારે આપી છે.
           
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, પાછલા દોઢ-બે મહિનામાં જ કોરોના સંક્રમણકાળ છતાં પણ AIIMS, વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલીનેશન પ્લાન્ટ,-રો પેક્ષ સર્વિસીસ, સી-પ્લેન સેવાઓ, ગીરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના જેવા અનેક વિકાસ પ્રકલ્પો ગુજરાતને મળ્યા છે.
           
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં શહેરીકરણના વધતા વ્યાપ અને જનસંખ્યા માટે આવન-જાવનના સરળ સુવિધાયુકત વિકલ્પ તરીકે મેટ્રો રેલ સેવાની આવશ્કયતા પણ વર્ણવી હતી.
           
તેમણે ઉમેર્યુ કે, અગાઉની કોંગ્રેસ સરકારોમાં ગુજરાત પ્રત્યે અન્યાયભર્યુ વલણ અને વિકાસ વિરોધી માનસિકતા હતી પરંતુ હવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ગુજરાત તરફ વિશેષ ઝોક સાથે એક પછી એક મહત્વપૂર્ણ યોજનાઓ-પ્રોજેકટ માટે મદદરૂપ થઇને વિકાસના રોલ મોડેલ ગુજરાતની વિકાસ હરણફાળ વધુ તેજ બનાવી આપી છે .
           
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત મહાનગરના આસપાસના વિસ્તારો સાથે કનેકટીવીટીના ઉત્તમ માધ્યમ તરીકે મેટ્રો રેલ સેવા શ્રેષ્ઠ પૂરવાર થશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં મેટ્રોરેલ પ્રોજેકટ ર૦રર સુધીમાં પૂર્ણ કરવાની નેમ દર્શાવી હતી.
           
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના અન્ય શહેરો-નગરોમાં પણ ભવિષ્યની જરૂરિયાતોના સંદર્ભમાં લોકોની અવર-જવરની સરળતા માટે રાજ્ય સરકાર મોનોલાઇટ-મેટ્રો જેવી સુવિધા આપવાની દિશામાં પણ પ્રયત્નશીલ રહેશે તેમ ઉમેર્યુ હતું.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્ય વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સુશ્રી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પૂરી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……..