હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા: ડૉ. મનિષ એમ. દોશી

Whatsapp Join Banner Guj

• ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.
• કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધ પગલાં ભર્યાં હતા.

અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધી યોજનામાં ગુજરાતના હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા. ભાજપાની ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધી યોજના મુજબ ખેડૂતોને ૬૦૦૦ રૂપિયાની સરકારે જાહેરાત કરી હતી પણ હકિકત તપાસતા ગુજરાતના ૧.૬૨ લાખ જેટલા ખેડૂતો કે જે ઈન્કમટેક્ષ ચુકવે છે. તેને પણ આ નાણાનો લાભ લીધો છે. સમગ્ર દેશમાં ૧૪૦૦ કરોડ રૂપિયા ઈન્કમટેક્ષ ભરતા ખેડૂતો અને નિયમ વિરૂદ્ધ અમાન્ય ખેડૂતોએ આ લાભ લીધો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધી યોજના ૨૦૧૯ અન્વયે નાના અને સિમાંત ખેડૂતોને જ આ લાભ મળશે જેમની ૨ હેક્ટર જેટલી જમીનના માલીક છે. સ્પષ્ટ નિયમ હોવા છતાં દેશમાં કુલ ૨૦,૪૮,૬૩૪ ઈન્કમટેક્ષ ભરતા અથવા જોગવાઈ વિરૂદ્ધ હોય તેવા ખેડૂતો સીધા લાભાર્થી બની ગયા. એટલે કે ૫૫.૫૮ ટકા ઈન્કમટેક્ષ ભરનાર અને ૪૪.૪૧ ટકા યોજનાના નિયમ વિરૂદ્ધ લાભ લઈ લીધો છે. મંદી, મોંઘવારી અને મહામારીમાં આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયેલ ગુજરાતના ખેડૂતોને તેમના સાચા લાભથી પણ વંચિત રાખવાની ભાજપાની નીતિથી ગુજરાતનો ખેડૂત વધુમાં વધુ દેવાદાર બની રહ્યો છે.

ગુજરાતના ખેડૂતોની માથાદીઠ આવક ૩૫૦૦ રૂપિયા અને દરેક ખેડૂત ઉપર રૂ. ૨૮,૬૬૭ નુ દેવુ છે. સતત ખાતરની કિંમત વધતી જાય છે, મોંઘી વીજળી, મોંઘા બિયારણ, ખાતર, સિંચાઈના પાણી, જમીન પર વેરો, ડીઝલના સતત વધતા ભાવ જેવા પગલાંથી ગુજરાતનો ખેડૂત આર્થિક પરેશાનીનો વ્‍યાપક સામનો કરી રહી છે. ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ના સમયગાળામાં ભાજપ સરકારે કૃષિ ઉત્‍પાદન-ઉપજ પર ૫% વેરા વસુલ કરીને દર વર્ષે ૫,૦૦૦ કરોડ રૂપિયા એટલે કે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ઉઘરાવી લીધા. વર્ષ ૨૦૧૪માં કેન્‍દ્રની મોદી સરકારે કૃષિ ઉપજ, કૃષિ ઓજારો વગેરેને જીએસટીમાં આવરી લેતા ૬ વર્ષમાં માત્ર ગુજરાતના એકમો પાસેથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયા વસુલી લીધા. વર્ષ ૨૦૦૮-૦૯થી ૨૦૧૮-૧૯ સુધીમાં રાજ્‍યમાં કુલ કૃષિ ઉત્‍પાદન રૂ. ૯,૪૫,૦૨૮ કરોડનું થયું હતું, જેની સામે રાજ્‍ય સરકારે આ કૃષિ ઉત્‍પાદન પર વેટ અને જીએસટી પેટે અંદાજીત રૂ. ૪૭,૨૫૧.૪૦ કરોડની કર વસુલાત કરેલ, જેની સામે કૃષિ વિભાગના બજેટમાં રૂ. ૪૭,૨૭૨.૦૩ કરોડની જોગવાઈ કરેલ હતી. એટલે કર વસુલાતની સામે કૃષિ બજેટ માત્ર રૂ. ૨૦.૬૩ કરોડ વધારે ફાળવેલ છે. ખેડૂતો અને સહાયના નામે ખાનગી વીમા કંપનીઓ નફો રળી ખાય છે. ખેડૂતો માટે રાજ્‍ય સરકારના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે.

કોંગ્રેસ સરકારે દેશના ખેડૂતો-ખેતીને બચાવવા માટે જમીન સંપાદન અને યોગ્‍ય વળતર કાયદો બનાવ્‍યો. કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૨,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધ પગલાં ભર્યાં છે. ભાજપ સરકારે કેન્‍દ્રમાં આવતાંની સાથે જ ત્રણ-ત્રણ વટહુકમ લાવીને ખેડૂતોને અન્‍યાય કર્યો. ફરી એક વખત ખેડૂતોના જીવન નિર્વાહના અંત માટે ત્રણ કાળા કાયદા લાવી છે. દેશમાં વર્ષ ૨૦૧૫માં તુવેરની દાળ સંગ્રહાખોરો-કાળાબજારીયાઓ અને સરકારના છુપા આશીર્વાદથી ૨૦૦ રૂપિયે કિલો થઈ ગયેલ, જે અંદાજે રૂ. ૫ લાખ કરોડ જેટલું કૌભાંડ હતું
ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ કરી રહી છે. ભાજપના ખેડૂત વિરોધી સાત પગલાંથી ખેડૂત, ખેતી અને ગામડા વિનાશ થશે. કેન્‍દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતના નામે ભ્રામક ભાષણો કરીને ખેતી, ખેડૂતોને ગુલામ બનાવવાનું આયોજન કરી રહી છે.

કેન્‍દ્રમાં જ્‍યારથી ભાજપ સરકાર શાસનમાં આવી છે ત્‍યારથી જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરીને ખેડૂતોની જમીન હડપવા માટે ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓ માટે વ્‍યવસ્‍થા કરી આપી છે. ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાયદામાં એકપણ જગ્‍યાએ મીનીમમ સપોર્ટ પ્રાઈઝ(MSP)નો ઉલ્લેખ નથી. દેશના ખેડૂતોને સરકારે સુરક્ષા આપવાને બદલે અદાણી-અંબાણીને સુરક્ષા આપી મદદ કરી રહી છે. ખેડૂત અને ખેતી ખતમ થશે તો ખેતમજદૂર પણ ખતમ થશે તો કઈ રીતે હિન્‍દુસ્‍તાન બચશે ? દેશમાંથી હરિત ક્રાંતિને હટાવવા માટે ભાજપનું કાવતરું છે અને ત્રણ કાળા કાયદા જે ખેડૂત વિરોધી છે, દેશ વિરોધી છે.

આ પણ વાંચો….અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી