home garden

Nature lover: પ્રકૃતિપ્રેમની ઝળહળતી મશાલ: ઘરના નાના ફળિયામાં જ વાવ્યા ૧૨૦ થી વધારે વૃક્ષો

Nature lover: છેલ્લા ૧૩ વર્ષોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં મહેશભાઈએ એક હજાર જેટલા વૃક્ષોનું ઘરમાં જ કર્યું જતન

અહેવાલ: નિતિન રથવી
સુરેન્દ્રનગર, ૦૪ જૂન:
Nature lover: દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ઘાસિયા મેદાનો, ગિરિમાળાઓ અને જંગલો જેવા વૈવિધ્ય સભર ગુજરાત રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું પણ અનોખું વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા સિંહ, ઘુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે. ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહી છે, ત્યારે તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરવું ખુબજ અનિવાર્ય છે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે તો જ સાચા અર્થમાં વિકાસ શક્ય બનશે. અહિંસા એ ગુજરાતની પ્રજાનો જીવન મંત્ર છે અને પ્રકૃતિપ્રેમ તે અહીની સંસ્કૃતિ છે.

Whatsapp Join Banner Guj

આજે વિશ્વ પર્યાવરણના નિમિત્તે વાત કરવી છે આવા જ એક પ્રકૃતિ પ્રેમી (Nature lover) ગુજરાતીની. મૂળ પાલીતાણામાં જન્મેલા ૬૭ વર્ષીય મહેશભાઈ ઉપાધ્યાય છેલ્લા 60 વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં સ્થાયી છે. તેમને નાનપણથી જ પ્રકૃતિ સાથે વધારે પ્રેમ હોવાથી કોઈ અન્ય વ્યવસાય કરવાની જગ્યા ખેતી જેવો વ્યવસાય અપનાવ્યો કે જેમાં તેમને પ્રકૃત્તિના ખોળામાં રહીને જ કામ કરવાનો મોકો મળે. આ માટે તેમણે ચુડામાં જ જમીન રાખીને ખેતી શરુ કરી,

અને તેમની ખાસ વાત એ હતી કે આ ખેતીમાં તેઓ હંમેશા નવા નવા પાકોનું વાવેતર કરતા. સમય સંજોગો બદલાતા તેમને ખેતી મુકવી પડી, પણ તે પ્રકૃતિથી કેમના દૂર રહી સકતા? ખેતી મુક્યા બાદ જુનવાણી વસ્તુઓના શોખીન મહેશભાઈએ વર્ષ ૨૦૦૭ થી તેમના જુનવાણી ઘરમાં જ અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર કરવાનું શરુ કર્યું. તેઓ ઘરના નાના એવા ફળિયામાં તેમજ ઘરની અલગ અલગ જગ્યાઓ પર કુંડાઓ રાખીને તેમાં ૧૨૫ જેટલા વૃક્ષોનું વાવેતર કરી, તેનું જતન કરી રહ્યા છે. 

પર્યાવરણને બચાવવા (Nature lover) તેમજ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા તેઓ તેમનું યોગદાન આપી રહ્યા છે. આ માટે તેઓ ફક્ત કુંડાઓ જ નહીં પણ કોઈ પણ એવી વસ્તુ કે જેમાં વૃક્ષોનું વાવેતર કરી શકાય તેવી વસ્તુઓને ફેંકવાની જગ્યાએ ઘરે લાવી તેમાં જ વૃક્ષોનું વાવેતર કરી બમણી રીતે પર્યાવરણનુ જતન કરી રહ્યા છે. તેમને વાવેલા વૃક્ષો જયારે મોટા થઇ જાય ત્યારે તેઓ આ વૃક્ષોને ગામના સ્મશાન, શાળા અને આરોગ્ય કેન્દ્દ જેવી જાહેર જગ્યાઓ પર જઈને તેનું વાવેતર કરી દે છે અને ખાલી થયેલા કુંડાઓમાં નવા વૃક્ષોનું વાવેતર કરતા રહે છે. આમ કરતા કરતા તેમણે છેલ્લા ૧૩ વર્ષમાં આશરે એક હજાર જેટલા વૃક્ષોનું જતન કરી મોટા કર્યા છે.

પોતાના પ્રકૃતિ પ્રેમ (Nature lover) વિષે વાત કરતા મહેશભાઈ જણાવે છે કે, હું નાનો હતો ત્યારથી જ મને વૃક્ષો તેમજ પ્રકૃતિ સાથે કંઈક વધારે જ લગાવ હતો. સમય જતો ગયો, દુનિયા આધુનિક થતી ગઈ અને જોત જોતામાં જ ગ્લોબલ વોર્મિંગ વધતા ગરમી પણ વધી. માણસો એસી વાપરવા લાગ્યા, જેના પરિણામે પ્રદુષણ વધારે વધ્યું અને ઓઝોનમાં ગાબડાં પડ્યા. ત્યારથી જ મેં વિચાર્યું કે હું જાતે મારાથી થશે એટલા વૃક્ષોનું જતાં કરીશ અને લોકોને પણ પર્યાવરણની રક્ષા તેમજ વૃક્ષોના મહત્વ વિશે સમજાવીશ. બસ ત્યારથી જ મે ઘરમાં જ વૃક્ષો વાવ્યા અને અવાર નવાર હું મારા મિત્રો તેમજ સગા સંબંધીઓને ઘરે આમંત્રણ આપી તેમને આ વૃક્ષો બતાવીને તેમને સમજાવતો રહું છું, જેના પરિણામે આજે ચુડામાં મારા સિવાય અન્ય ચાર મિત્રોએ પણ તેમના ઘરમાં જ આમ વૃક્ષોનું જતન કરવાનું શરુ કર્યું છે.

આ બાબતે વાત કરતા તેમના પુત્ર ત્રિલોક જણાવે છે કે, કોરોના મહામારીમાં જ્યાં લોકો ઓક્સિજન માટે દોડાદોડ કરતા હતા ત્યારે અમારા ઘરમાં આજ સુધી કોઈ કોરોના સંક્રમિત થયું નથી. ફક્ત આટલું જ નહિ, મારા પિતાના પ્રકૃતિ પ્રેમના લીધે અમારા ઘરમાં આજદિન સુધી કોઈને દવાખાને જવાની પણ જરૂર પડી નથી. મારા પિતા રોજ સવારે અને સાંજે આશરે બે કલાક ફક્ત વૃક્ષોનું જતાં કરવામાં જ પસાર કરે છે. તેમને વાવેલા આ વૃક્ષોને લીધે આવી કાળઝાળ ગરમીમાં પણ અમારા ઘરમાં એસી જેવી જ ઠંડક રહે છે. જો લોકો પણ આવી જ રીતે વૃક્ષોનું જતન કરશે તો મને નથી લાગતું કે કોઈને એસીની જરૂર પડે.

આ પણ વાંચો…Heavy rain: રાજ્યના આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદ શરુ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે વૃક્ષોનું વાવેતર તેમજ કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ જ વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકશે. તો આવો સૌ મહેશભાઈના આ પ્રેરણાદાયી વિચારને આવકારીએ અને “વિશ્વ પર્યાવરણ દિવસે” સહુ સંકલ્પ લઇએ કે, કૃષિ, ઉઘોગ અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ શિખરો સર કરનારા ગુજરાત રાજ્યને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ.