Corona warrior

તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ

Corona warrior 2
  • અગર તમે કોઈ એક વ્યક્તિનું પણ જીવન બચાવશો તો તમનેએક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો આત્મસંતોષ જરૂર મળશે
  • રાજકોટ સીવીલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવતાં તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ,૨૯સપ્ટેમ્બર:તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવે છે કે, “કોરોનાના કપરા સમયમાં લોકોને આ મહામારીમાંથી બહાર લાવવા અને તેમની સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે કામ કરી શકે તેવા મેડિકલના ત્રીજા વર્ષના તથા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની જરૂર છે, જે વિદ્યાર્થીઓ સેવા આપવા તૈયાર હોય તેમને તુરત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે.”

આ મેસેજ વાંચીને તરત જ કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર થાય છે, અને કોવિડ હોસ્પિટલ પહોંચી લોકોની સેવામાં લાગી જાય છે. આ દ્રશ્ય આપણને કોઈ કાલ્પનિક ફિલ્મ જેવું લાગે. પરંતુ વાસ્તવમાં ફિલ્મ જેવી જ ઘટના રાજકોટમાં આકાર પામી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની દેખભાળ રાખવાની સાથે તેમને માનસિક સધિયારો પૂરો પાડવાનું અગત્યનું કાર્ય પણ સિવિલ  હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કાર્ય કરી રહ્યા છે. પરંતુ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ તેમની સારવાર માટે આરોગ્ય કર્મીઓની વધુ જરૂરિયાત જણાતાં તબીબી વિદ્યાશાખાના  ત્રીજા અને  અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વોલેન્ટિયર તરીકે સેવા આપવા આહવાન કરવામાં આવ્યું હતું, જેનો તબીબી શાખાના વિદ્યાર્થીઓએ હકારાત્મક પ્રત્યુત્તર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પોતાની સેવારૂપી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.

Corona warrior Jayant Devani

રાજસ્થાનના અજમેર જિલ્લાના બિયાવરના વતની અને મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા જયંત દેવાણી કહે છે કે, હું લોકડાઉનના ત્રણ મહિના મારા વતન ગયો હતો. તેવા સમયે અમારા વોટ્સએપ ગ્રુપમાં કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે સેવા આપવા માટેના આવેલા મેસેજને વાંચી હું તુરંત જ સ્વયંસેવક તરીકે જોડાવા તૈયાર થઈ ગયો. આ માટે ઘરમાં વાત કરી. ઘરના લોકોએ ડરના કારણે પહેલા તો મને જવાની ના પાડી.  પરંતુ  મેં  તેમને સમજાવ્યા  કે,  આવા સમયમાં જ અમારી સેવાની સાચી જરૂર હોય છે. પરિવારજનો મારી વાત સાથે સહમત થયાં અને આજે હું સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યો છું.

મને શરૂઆતમા અહીં આવતા થોડો ડર લાગ્યો, એમ જણાવતાં જયંત કહે છે કે, અમે અહીં દર્દીને જોતા, તેમને મદદ કરતા, ધીમે ધીમે અહીંનો ડર જતો રહ્યો અને દર્દીઓને માનસિક સધિયારો આપી એમની સારવારમાં મદદરૂપ બની તેમનું જીવન બચાવવાના કાર્ય થકી હવે મને અજબ આંતરિક શાંતિ મળી રહી છે.

Corona warrior

આ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફરજ બજાવતાં મેડિકલના ચોથા વર્ષના વિદ્યાર્થીની નેન્સી ગણાત્રા કહે છે કે, જે દિવસે મારા મેડીકલના ૪ વર્ષ પૂર્ણ થયા, તે જ દિવસથી મેં કોવીડની ડ્યુટી શરૂ કરી હતી. તેના કારણે મારા જીવનમાં એક નવો જ વળાંક આવ્યો છે. મેં જેટલું ૪ વર્ષમાં નથી શીખ્યું તેટલું આ ૮ દિવસોમાં હું શીખી છું. ઈન્ટર્નશિપ માટે જે બાબતો જરૂરી છે, તેનું મને જ્ઞાન હતું, પરંતુ અહીં આવીને મેં બાયપેપ, એન.આર.બી.એમ. અને વેન્ટિલેટરને માત્ર જોયું જ નહીં, પરંતુ તેનું પ્રત્યક્ષ જ્ઞાન પણ મેળવ્યું છે અને તેના કારણે અત્યારે હું મારું કામ વધુ સારી રીતે કરી શકું છું.

મેં કદી વિચાર્યું પણ નહોતું કે આવા મહામારીના સમયમાં મારી આઈ.સી.યુ.માં ડ્યુટી આવશે. પરંતુ આ મહામારીનો સમય છે, આ સમયમાં આપણે આપણા વ્યવસાયનું કાર્ય નહીં કરીએ તો કોણ કરશે ? તેમ જણાવતાં નેન્સી તેમની સાથેના તબીબી શાખાના અન્ય વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં કહે છે કે, આ મહામારીથી ડરીને આપણે ઘરે જ બેઠા રહેશું તો દર્દીઓની  સંભાળ  કોણ  લેશે ? અને આજે નહીં તો કાલે, આપણે આ બધું શીખવાનું જ છે ને! તો શું કામ આપણે આજે જ આગળ આવી દર્દીઓને મદદ ન કરીએ !

Corona warrior Sharmin Kavdia

 મને અહીં આવી દર્દીઓની સેવા કરવાથી મારું જીવન સાર્થક થયાની અનુભૂતિ થાય છે. આજે મને એવું લાગે છે કે, મે અહીં વોલેન્ટિયર તરીકે આવવાનો જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. હું મારા મિત્રોને ખાસઅનુરોધ કરું છું કે તમે પણ અહીં આવો, દર્દીઓની સેવા કરો. અગર તમે કોઈ એક વ્યક્તિનું પણ જીવન બચાવશો તો તમને એક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો આત્મસંતોષ જરૂર મળશે.આવી જ વાત કરતાં કોવિડ હોસ્પિટલમાં ૬ દિવસથી સેવા આપી રહેલા મેડિકલના ત્રીજા વર્ષના વિદ્યાર્થીની શર્મિન કલાડીયા કહે છે કે, સિવિલમાં આવતા દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓની હાલત બહુ જ નાજુક હોય છે, તેમને બચાવવા માટે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફ બહુ મહેનત કરતાહોય છે. અહીં નકારાત્મકતા સાથે આવતા દર્દીઓને અમે સારવારની સાથે કાઉન્સેલિંગ કરી તેઓ ઝડપથી સાજા થાય તે માટેના તમામ પ્રયાસો કરીએ છીએ. અમારી એવી જ ભાવના હોય છે કે, અહીં આવેલા પ્રત્યેક દર્દી ઝડપથી સાજા થઈને સુખરૂપ તેમના ઘરે જાય.

loading…

 કોવિડ વોર્ડમાં છેલ્લા ૨૦ દિવસથી સ્વયંસેવક તરીકે કામ કરતાં મેડીકલના ત્રીજા વર્ષના વિદ્યાર્થીની આસ્થા ગોહિલ કહે છે કે, મને અહીં મારી ફરજ દરમિયાન દર્દી નારાયણની સેવા કરવાનો અને અમારા સીનિયર્સને મદદરૂપ બનવાનો બેવડો લાભ મળી રહયો છે. મારી આ ફરજ દરમિયાન મને ઘણું બધું શીખવા મળ્યું છે.

કોરોના મહામારી સામે આજે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. તેવા સમયમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબી શાખાના વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી પ્રેક્ટીકલ જ્ઞાનની સાથે સેવાના પાઠ શીખીને તેમને મળેલા દર્દી નારાયણની સેવાના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.

Reporter Banner FINAL 1