Rajkot civil

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી: ડો.નિલેશભાઈ રાઠોડ

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી, કોરોના અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે તેના સંક્રમણથી બચી શકાય છે.”
          ડો.નિલેશભાઈ રાઠોડ,ઓફીસર જિલ્લા એપેડીમિક મેડિકલ

Rajkot civil


રાજકોટ   કોઈ પણ રોગ શારીરિક થી વધુ માનસિક અસર કરે છે. તેમાંય કોરોના વાયરસ જે સમગ્ર વિશ્વ માટે નવો છે, અને તેના અકસીર ઈલાજ માટે સમગ્ર વિશ્વ કાર્ય કરી રહયું છે, તેવા સમયમાં જેમને કોરોનાના કારણે હોમ આઇસોલેટ કરવામાં આવી રહયાં છે. તેના કારણે તે વ્યક્તિના ઘરની આસપાસ રહેતા લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહયો છે કે,” અમને કોરોના થઈ જશે તો…”
        તાજેતરમાં આવી જ ઘટના ગોંડલ શહેરમાં ઘટના પામી. બન્યું એવું કે એક બહેનને તાવ અને શરીરમાં નબળાઈ જણાતાં તે તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ પ્રાઇવેટ ક્લિનિકમાં સારવાર માટે ગયાં, ત્યાંના ડોકટરને આ બહેનમાં કોરોનાનાં લક્ષણો જણાતાં તેમને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યા. જ્યાં તા.૨૬ ના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પરંતુ તપાસ દરમિયાન તેમનામાં કોરોનાનાં સામાન્ય લક્ષણ જણાતા આરોગ્યની ટીમ દ્વારા તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા.
        હોમ આઇસોલેશનમાં રાખવામાં આવતાં લોકોના સ્વાસ્થ્યની નિયમિતપણે તપાસ સ્થાનિક આરોગ્યકર્મી દ્વારા દિવસમાં એક વખત કરવામાં આવે છે. જે અન્વયે તા.૨૮ ના રોજ રાજકોટ જિલ્લાના એપેડીમિક મેડિકલ ઓફીસર ડો.નિલેશભાઈ રાઠોડ તે બહેનના સ્વાથ્યની તપાસ કરવા ગયા. એ દરમિયાન આસપાસના રહેવાસીઓએ હોમ આઇસોલેશનનો વિરોધ કર્યો, તેવા સમયે ડો.રાઠોડે તેમને હોમ આઇસોલેશનનું મહત્વ સમજાવી તેમના મનમાં ઉભા થયેલા કોરોનાના ડર ને દૂર કર્યો. તેમની તર્કબદ્ધ અને સચોટ સમજાવટથી આસપાસના રહેવાસીઓ કોરોનાના આ કપરા સમયમાં પોતાની નૈતિક જવાબદારી સમજી ગયા. અને હોમ આઇસોલેટ થયેલા બહેનને પણ સહકાર આપવા તૈયાર થઈ ગયા.
        આ બાબતે ડો. રાઠોડે જણાવ્યું હતુ કે, હાલ જે દર્દીઓમાં કોરોનાનાં સામાન્ય લક્ષણ હોય તેના માટે હોમ આઇસોલેશન એ કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અમે જે બેનને હોમ આઇસોલેટ કર્યા હતા તેમનામાં કોરોનાના બહુ સામાન્ય લક્ષણો હતા. પરંતુ તેમના પાડોશીઓના મનમાં કોરોનાનો ભય પેસી ગયો હતો. તેથી અમે તેમને સમજાવ્યું કે જરૂરી નથી કે આપણી આસપાસ કોઈ હોમ આઇસોલેટ થાય તો આપણને પણ કોરોના લાગુ પડી જાય. કોરોના અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે રોગના સંક્રમણથી બચી શકાય છે. આરોગ્ય તંત્રની સઘન સમજાવટના પરિણામે આ વિસ્તારના લોકોમાં કોરોનાનો ભય મહદઅંશે દૂર થયો છે.