CORONA VIRUS2 e1623736164824

ભારતમાં મૃત્યુદર (CFR) ઘટીને સૌથી નીચા 2.15%ના દરે પહોંચ્યો

ભારતમાં પહેલા લૉકડાઉનથી આજદિન સુધીમાં મૃત્યુદર (CFR) ઘટીને સૌથી નીચા 2.15%ના દરે પહોંચ્યો

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 11 લાખની નજીક પહોંચી

છેલ્લા 24 કલાકમાં 36,500થી વધુ દર્દીઓ સાજા થઇ ગયા

01 AUG 2020 by PIB Ahmedabad

વૈશ્વિક મંચ પર ભારતમાં કોવિડ-19ના કારણે થતો મૃત્યુદર સતત ઓછો જળવાઇ રહ્યો છે. આજે કોવિડના કારણે થતો મૃત્યુદર 2.15% નોંધાયો હતો, જે દેશમાં પ્રથમ લૉકડાઉનનો અમલ શરૂ થયો ત્યારથી આજદિન સુધીમાં સૌથી નીચલા સ્તરે છે. જૂનના મધ્યમાં મૃત્યુદર 3.33% હતો, ત્યારથી એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે.

કેન્દ્રિત, સંકલિત, પૂર્વ-અસરકારક, ક્રમબદ્ધ અને સતત વિકસતી “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ” વ્યૂહનીતિ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે મળીને હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોનો આ પુરાવો છે. સઘન પરીક્ષણ દ્વારા ચેપગ્રસ્ત દર્દીઓના વહેલા નિદાન અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવી રહ્યો હોવાથી ભારતમાં કોવિડના કારણે થતો મૃત્યુદર સતત ઘટી રહ્યો છે જે સૂચિત કરે છે કે, ભારતે કોવિડ-19 સંબંધિત મૃત્યુદરને સફળતાપૂર્વક નિયંત્રણમાં રાખ્યો છે.

CFR સતત નીચલા સ્તરે જાળવી રાખવા ઉપરાંત, કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિનું સફળતાપૂર્વક અમલીકરણ, સઘન પરીક્ષણો અને દેખરેખના અભિગમના વ્યાપક ધોરણો પર આધારિત પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલના પરિણામે દરરોજ 30,000થી વધુ દર્દીઓ સાજા થવાનો ક્રમ એકધારો જળવાઇ રહ્યો છે.

કોવિડના કારણે દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા લગભગ 11 લાખની નજીક પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 36,569 દર્દીને રજા આપવામાં આવી હોવાથી કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 10,94,374 થઇ ગઇ છે અને કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 64.53% થઇ ગયો છે.

સાજા થનારાઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી સક્રિય કેસો અને સાજા થનારા કેસો વચ્ચેનો તફાવત વધીને 5,29,271 થઇ ગયો છે. હાલમાં સક્રિય કેસો (5,65,103)ને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

દર્દીઓના વ્યવસ્થાપનની અવરોધરહિત વ્યવસ્થા સાથે ત્રિ-સ્તરીય હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ત્વરિત ટ્રાયજિંગ અને સારવાર સુનિશ્ચિત થઇ શક્યા છે. આજના દિવસની સ્થિતિ અનુસાર, દેશમાં 1488 કોવિડ સમર્પિત હોસ્પિટલો છે જ્યાં 2,49,358 આઇસોલેશન બેડ, 31,639 ICU બેડ અને 1,09,119 ઓક્સિજન સપોર્ટેડ બેડ, 16,678 વેન્ટિલેટરની વ્યવસ્થા છે. 3231 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો છે, જ્યાં 2,07,239 આઇસોલેશન બેડ, 18,613 ICU બેડ અને 74,130 ઓક્સિજન સપોર્ટેડ બેડ છે અને 6,668 વેન્ટિલેટર પણ કાર્યાન્વિત છે. વધુમાં, દેશમાં કોવિડ-19ના સામનો કરવા માટે 10,755 કોવિડ સંભાળ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 10,02,681 બેડ હાલમાં ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રીય સંસ્થાઓને 273.85 લાખ N95 માસ્ક અને 121.5 લાખ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) અને 1083.77 લાખ HCQ ટેબલેટ (ગોળી)નો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.