Mother Milk Donation

માતાના દૂધ થી વિવિધ કારણોસર વંચિત ૭૬૪ નવજાત શિશુઓને મળ્યું આરોગ્યનું વરદાન

વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશેષ

Mother Milk Donation 2

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્થાપિત માતૃ દૂધ બેંકમાં પ્રથમ દસ મહિના દરમિયાન ૨૨૮૯ ધાત્રી માતાઓએ ૨.૧૩ લાખ મિલીલીટરથી વધુ અમૃત સમાન માતૃ દૂધનું કર્યું દાન

સંકલન:બી.પી.દેસાઈ નાયબ માહિતી નિયામક,વડોદરા

વડોદરા, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી શરૂ થઈ રહી છે ત્યારે એક હરખના સમાચાર આપવાના છે. વિવિધ કારણોસર જન્મ સમયે માતાના દૂધથી વંચિત રહેતા નવજાત બાળકોને ,અન્ય દાતા ધાત્રી માતાઓ ના દૂધનો લાભ મળે અને તેઓ આજીવન તંદુરસ્તીનું વરદાન પામે તેવા શુભ હેતુ સાથે,અને આ બાબતમાં રાજ્ય સરકારના નીતિ નિયમો અને માર્ગદર્શનો ને અનુસરીને ગત ઑક્ટોબર મહિનામાં વડોદરાની સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને પહેલરુપ માતૃ દૂધ બેંકની સ્થાપના સયાજી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
અત્રે નોંધ લેવી ઘટે કે પ્રસૂતિ પછી ઘણી ધાત્રી માતાઓને વિપુલ પ્રમાણમાં ધાવણ આવતું હોય છે.આ માતાઓ પોતાના બાળકને પેટ ભરી દૂધ પીવડાવે તો પણ વધે એટલું ધાવણ આવતું હોવાથી આ વિશેષ પ્રકારની બેંકને પોતાના દૂધનું દાન કરી શકે છે.નસીબની બલિહારી એવી પણ હોય છે કે વિવિધ તબીબી કારણો,ધાવણ ખૂબ ઓછું કે નહિવત આવવું જેવા કારણોસર ઘણાં નવજાત બાળકોને માતાનું દૂધ સદંતર કે પૂરતું મળતું નથી.તેવા બાળકો માટે આ બેંકને મળેલું માતાના દૂધનું દાન આરોગ્યના અમૃત વરદાન સમું બની રહે છે.

Mother Milk Donation


સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસૂતિ ગૃહના ભાગરૂપે સ્થપાયેલી આ બેંકને ઓક્ટોબર ૨૦૧૯ થી જુલાઇ ૨૦૨૦ સુધીમાં જૂની અને નવી મળીને કુલ ૨૨૮૯ જેટલી માતાઓ એ ૨૧૩૮૦૦ મિલીમિટર અમૃત સમાન ધાવણ એટલે કે માતાના દૂધનું દાન કર્યું છે.જેના પગલે તેનો લાભ મેળવનાર ૭૬૪ જેટલા નવજાત શિશુઓ નવું જીવન પામ્યા છે. એમ કહી શકાય કે જેમ ગંગા તેરા પાની અમૃતની કલ્પના કવિઓ એ કરી છે,તેમ માતા તારું ધાવણ અમૃત. ..બુંદ બુંદ આરોગ્ય છલકાય તેવી કવિતા આ અનોખી બેંકની કામગીરીથી સાકાર થઈ રહી છે.આ બેંક ડો.શીલા ઐયર અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સમર્પિત રીતે સંચાલિત છે.

વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે દર વર્ષે ૧ થી ૮ ઑગસ્ટ દરમિયાન ૧૨૦ થી વધારે દેશોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે . જેનો આશય બાળક ના જન્મના પ્રથમ કલાક્ થી જ સ્તનપાન નો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને ૬ માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરા ની જાગૃતિ કેળવી,ઉત્તેજન આપવાનો છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય.
એસ.એસ.જી હોસ્પિટલ ખાતેની આ માતાના વ્હાલની બેંકના પ્રણેતા ડો.શીલા ઐયર જણાવે છે કે શરૂઆતના મહિનામાં ૩ લિટર દૂધનું દાન ધાત્રી માતાઓ પાસેથી મળ્યું હતું અને પ્રોત્સાહક પ્રતિસાદથી તેમાં આજે નોંધપાત્ર વધારો થયો છે.

Mother Milk Donation 3


જે માતાઓને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યા પછી સારું બલ્કે વધારાનું ધાવણ આવતું હોય, એવી માતાઓ બેંકને વધારાના દૂધ નું દાન કરે છે. જે તે માતાને પૂરતી સમજ આપીને અને તેની સંમતિ મેળવીને જ વધારાનું દૂધ દાન તરીકે સ્વીકારવામાં આવે છે. દૂધ એકત્રિત કરવા એલેકટરિકેલ બ્રેસ્ટ -પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે, જે દાતા માતા માટે એકદમ આરામદાયક હોય છે. સાધારણ રીતે ૩ માતાઓનું એકત્રિત દૂધ ૧ બોટલમાં ભેગુ કરવામાં આવે છે.


આ રીતે ધાત્રી માતાઓએ દાન કરેલું ધાવણ એ મેળવનારા બાળકો માટે જીવાણુ મુક્ત અને આરોગ્યપ્રદ હોવાની ખાત્રી વિવિધ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે.તમામ પ્રકારના ટેસ્ટ,કલ્ચર ના રિપોર્ટ નેગેટિવ હોય એ દૂધ જ સલામત ગણાય છે.
માતાઓ પાસે થી દૂધનું દાન સ્વીકારતા સમયે જે તે માતાની તંદુરસ્તી,તાજેતરમાં માતાને લોહી ચઢાવવાની જરૂર પડી હતી કે કેમ? એચ.આઇ.વી.ટેસ્ટ સહિતના તમામ નિર્ધારિત પ્રોટોકોલ પાળવામાં આવે છે. ધાવણનું એકત્રિત કરેલું દૂધ ૫ થી ૬ મહિના સુધી -20 ડિગ્રી પર ડીપ- ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે માતાના ધાવણના દૂધથી બાળક ને બહુધા કોવીડ વાયરસનો ચેપ લાગતો નથી. તેવા બાળકોને દૂધ આપવાનું પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે જે બાળકો અધૂરા માસે જન્મેલા હોય, જેમનું વજન વજન ૧ કિલો ૮૦૦ ગ્રામ અને ૧ કિલો ૫૦૦ ગ્રામ થી ઓછું હોય અને જે બાળક કોઈ બીમારી ના કારણે ICU માં ભરતી કરેલા હોય અને તેમની માતા હજી હોસ્પિટલના પહોંચી સકયા હોય એવા બાળકોને આ દૂધ આપવામાં આવે છે.

કોઈ પણ બાળકને માતા મિલ્ક કેન્દ્રમાંથી દૂધ આપવાથી પેહલા તેનું કવોલિટી કંટ્રોલ ચેક કરવું ખુબ અગત્ય નું બની જાય છે, તેના વગર બાળક ને દૂધ આપવામાં આવતું નથી. દર મહિને માતા દૂધ કેન્દ્રનો માસિક રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે.

ડોક્ટર શીલા અય્યર કહે છે દર વર્ષે વિશ્વભરમાં ૧૯ મે માનવ દૂધ દાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ૧લી ઓગસ્ટ થી ૮મી ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ કહે છે દર વર્ષે આ સપ્તાહ ની ઉજવવણી કવીઝ, પોસ્ટર કોમ્પિટિશન અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી કરવામાં આવે છે. પણ આ વખતે સોસીઅલ ડિસ્ટનસિંગનું પાલન કરતા વિડિઓ કોન્ફરન્સ કરી યુવા સમુદાયમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવાની સાથે ઇન્ટરનૅશનલ સિમ્પોઝિયમ જેવા આયોજનો કરવામાં આવ્યાં છે.

માતાનું દૂધ બાળક માટે અમૃત છે. જન્મના પ્રથમ છ મહિના સુધી તો બાળક માટે એના સિવાય પોષણનો અન્ય કોઈ વિકલ્પ જ નથી. તેમ છતાં, વિધિની વક્રતા એ છે કે આધુનિક માતાઓ વિવિધ ગેર માન્યતાઓ ને આધીન પોતાનું અમૃત જેવું ધાવણ પોતાના જ નવજાત શિશુઓને આપતી નથી. અમૃત થી એમને જાણે કે વંચિત રાખે છે તો.બીજી તરફ એવી માતાઓ છે કે જે પોતાનું વધારાનું ધાવણ આ બેંકમાં દાન આપી, માતાના દૂધથી વંચિત ભૂલકાઓને અમૃતનું વરદાન આપે છે.ઇતિહાસમાં પણ આવી ધાઈ માતાઓની ગૌરવ ગાથાઓ અંકિત થયેલી જોવા મળે છે જે શીખ આપે છે કે માતાનું દૂધ એ બાળકનો જન્મ જાત અધિકાર છે અને પોતાના બાળકને સ્તનપાન કરાવવું એ માતાની નૈતિક ફરજ છે.