shimla apple vdr

Gujarati Apples: ખેડૂતોની સાહસિકતા અને પ્રયોગશીલતા નવા પાકો અને પરિણામો આપે છે

Gujarati Apples: સિમલાના સફરજન બહુ ખાધા હવે વડોદરાવાસીઓ વેમારના ખટમીઠા સફરજન ખાવા તૈયાર રહે

સફરજન જેવા નવા પાકો લેનાર ખેડૂતોને ભારત સરકારની પ્રોત્સાહક યોજનાનો લાભ આપવા બાગાયત ખાતું પ્રયત્ન કરશે

  • વેમારના ખેડૂતે ઠંડા પ્રદેશના ફળનું વડોદરા જિલ્લાના ગરમ વાતાવરણમાં વાવેતર કર્યું છે
  • સિમલાના સફરજન બહુ ખાધા હવે વડોદરાવાસીઓ(Gujarati Apples) વેમારના ખટમીઠા સફરજન ખાવા તૈયાર રહે
  • હું લગભગ ૨૨ વિંઘા જમીનમાં બાગાયતી વૃક્ષ ખેતી જ કરું છું: ગીરીશભાઈ પટેલ

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૦૨ જૂન:
Gujarati Apples: ખેડૂતોની સાહસિકતા, પ્રયોગશીલતા અને કૃષિ કુશળતા હંમેશા નવા પરિમાણો,પરિણામો અને પાકો આપે છે.તેના લીધે કચ્છ જેવા સૂકા અને મોટેભાગે રેતાળ પ્રદેશમાં સહુથી મસ્ત કેસર કરી થાય છે અને જામનગર જિલ્લામાં વિદેશી ફળ,થોરના ફળ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે.ઉત્તર ગુજરાતના ખેડૂત કેસર ઉગાડવાના પ્રયાસ કરી ચૂક્યા છે.અને વિશેષતા એ છે એકાદ બે વાર નિષ્ફળતા મળે તો પણ હતાશ થયાં વગર આ ખેડૂતો પ્રયાસમાં પાછી પાની કરતાં નથી.

સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે.એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિએ રમુજી લાગે. પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન ના(Gujarati Apples) એક બે નહીં, પૂરા ૨૨૦ જેટલા છોડ ઉછરીને ૫ થી ૭ ફૂટની ઊંચાઈ એ પહોંચી ગયા છે. તેમણે ૨૦૧૯ ના જાન્યુઆરી મહિનામાં આ હિમાલયના વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કર્યું હતું.

Gujarati Apples: વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈએ વેમારમાં સફરજનની ખેતીની વાત જાણવા મળતા ગિરીશભાઇ ખેતરની મુલાકાત લીધી હતી અને નવા પ્રયોગ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું કે સફરજન એ ગુજરાતનો પ્રચલિત ફળ પાક નથી એટલે આપણી બાગાયત પ્રોત્સાહક યોજનાઓમાં તેનો સમાવેશ નથી થતો. પરંતુ ભારત સરકારની નેશનલ સસ્ટનેબલ એગ્રિકલચરની યોજનામાં વ્યાપક ફળ પાકોનો સમાવેશ થયેલો હોવા થી, સફરજન જેવા નવા પાકના ખેડૂતોને તેનો લાભ મળી શકે એ દિશાની વિચારણા છે. આ યોજનાના ક્લસ્ટર માં કરજણ તાલુકાના કુરાલી અને ધાવટ સહિત વેમારનો સમાવેશ થતો હોવાથી અમે આ યોજના હેઠળ પ્રોત્સાહક લાભ આપવાની શક્યતા ચકાસી રહ્યાં છે.

જો કે રેફ્રીજરેટર જેવા ઠંડા વાતાવરણ વાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય એની મૂંઝવણ નિવારતા એમણે જણાવ્યું કે હિમાચલ પ્રદેશની બાગાયત સંશોધન સંસ્થાએ સુધારેલી વરાયટી તૈયાર કરી છે જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણના બે અને રાજસ્થાન સહિત ૧૮ રાજ્યોમાં પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં કચ્છના બાગાયત સાહસિકે પ્રથમ પ્રયત્નોની નિષ્ફળતાથી હતાશ થયાં વગર આ સફરજન ઉગાડયાં છે અને તેમનાથી પ્રેરાઈ ને ગીરીશભાઈ એ વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે.

Whatsapp Join Banner Guj

ગીરીશભાઈએ તેના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુર ની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી! આમ,એમને જાણે કે અર્ધા રસ્તે ઓછા પરિવહન ખર્ચે પ્રમાણિત છોડ મળી ગયા.
વાવેતરના બીજા વર્ષે એટલે કે ૨૦૨૦ માં તો આ છોડવાઓમાં ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો. જો કે સલાહકાર સંસ્થા એ છોડવા ત્રણ વર્ષ પછી જ પરિપક્વ થતાં હોવાથી ગીરીશભાઈને તાત્કાલિક એ ફૂલો અને ફળો તોડી લેવાની સલાહ આપી.

Gujarati Apples, Girish Patel Karajan Vadodara

હવે ૨૦૨૨ માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે.એટલે સિમલાના સફરજન ખાનારા વડોદરાવાસીઓ હવે વેમારના સફરજન ખાવા તૈયાર રહે. હરમન ૯૯ પ્રકારની આ વરાયટીના સફરજન રંગે પીળા – ગુલાબી અને ખટ મધુરા હોય છે. તેમણે પરિવહન ખર્ચ સહિત લગભગ એક છોડના રૂ.૩૦૦ ના ભાવે ૩૦૦ છોડ વાવેતર માટે ખરીદ્યા હતા.કાઢી નાખવામાં આવેલી નીલગીરીની જગ્યાએ તેનું વાવેતર કર્યું. ૮૦ જેટલાં છોડ બગડી જતા સંસ્થાનો સંપર્ક કર્યો તો જણાવ્યું કે છોડના થડની આસપાસ પાણીનો ભરાવો થાય તો છોડ મરી જાય છે.આ પાક મોટેભાગે ઢોળાવવાળી જમીનને અનુકૂળ હોવાથી તેમણે પાળા જેવી રચના કરી,થડની આસપાસ પાણીનો ભરાવો ટાળ્યો.પરિણામે આજે ૨૨૦ જેટલા છોડ ઉછરી રહ્યાં છે.

રાજ્યના બાગાયત વિભાગની વડોદરા કચેરીએ પણ તેમના આ પ્રયોગની નોંધ લીધી છે.
મૂળ ખેડૂત એવા ગીરીશભાઈ પટેલનો પરિવાર કરજણમાં સ્ટેશનરીનો જામેલો વ્યાપાર ધરાવે છે.તો પણ તેઓ જમીન સાથે જોડાયેલા છે.અન્ય ખેડૂતો બાપિકી જમીનો વેચી રોકડી કરી રહ્યાં છે તેવા સમયે તેમણે વહેંચણીમાં ભાગે આવેલી ૧૮ વિંઘા જમીન વધારી ને ૨૨ વીંઘા કરી છે. તેઓ એ ૩૦૦ આંબાનું કેસર કેરીનું આંબાવાડિયું કર્યું છે.છેક ૨૦૦૩ થી નીલગીરીની સફળ ખેતી કરી છે.ગુલાબી જામફળ ઉછેર્યા છે જેનો પહેલો પાક આ વર્ષે મળશે.

આ પણ વાંચો…શ્રદ્ધાની વાતઃ રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે પવિત્ર ગંગાજળ(gangajal), આ રીતે કરો પ્રયોગ

તેઓ કહે છે કે હું કપાસ,દિવેલા, તુવેર જેવી પરંપરાગત ખેતી કરતો જ નથી.મારા ખેતરોમાં ઝાડવા જ છે.એટલે કે તેઓ વૃક્ષ ખેતી જ કરે છે.તેમનું કહેવું છે કે વાડીની ખેતી પરંપરાગત ખેતી જેટલી જ લાભદાયક છે અને જહેમત ઓછી છે. ગીરીશભાઈની કૃષિ સાહસિકતા ને લીધે વડોદરાને વેમારના સફરજન ખાવા મળશે.કદાચ એ સિમલાના સફરજન જેવા મોટા અને ડીલીસિયસ ભલે ના હોય પણ આપણા વિસ્તારમાં અને આપણી જમીનમાં ઉગેલા ફળ ખાવાનો આનંદ અનેરો જ હોય છે.