WhatsApp Image 2020 08 09 at 7.18.03 PM

પ્રજાના પ્રતિનિધિની પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ

Surat Jhalawadia plasma 2

લોકોની સેવા કરતા કરતા કોરોનાગ્રસ્ત થયાં બાદ કોરોનાને મ્હાત આપીને ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાએ પ્લાઝમાનું દાન કરી સાચા લોકસેવકની પ્રતિતી કરાવી

સ્મીમેર હોસ્પિટલના ૨૫૦મા પ્લાઝમા ડોનર બન્યા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા


 સૂરતઃરવિવારઃ- પ્રજાના પ્રતિનિધિ એવા કામરેજ  વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી..ડી.ઝાલાવાડીયાએ પ્રજાની સેવા કરતા કરતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન આપવા માટે પોતાના પ્લાઝમાનું દાન કરીને પ્રજાના સેવક તરીકેની જવાબદારી નિભાવી છે. પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ કરી પ્રજાના આ પ્રતિનિધિ સ્મીમેર હોસ્પિટલના ૨૫૦મા પ્લાઝમા ડોનર બન્યા છે.
         
ધારાસભ્યશ્રી ઝાલાવાડિયાને તા.૨જી જુલાઈના રોજ તાવના લક્ષણો જણાતા કોરોના રિપોર્ટ કરાવતા તા.૦૫ જુલાઈના રોજ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓને ૪૦ ટકા જેટલી કોરોનાની અસર હતી, પણ ઓક્સિજનની ઊણપ કે અન્ય કોઈ શારીરિક તકલીફ ન જણાતા  ૧૫ દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી હતી. હોમ આઈસોલેશનમાં સ્મીમેરના ડોકટરોની સારવાર મેળવ્યાં બાદ તા.૨૦મી જુલાઈના રોજ કોરોનાને મ્હાત આપી ફરી એકવાર પ્રજાની સેવામાં કાર્યરત થયા હતા.
       

Surat Jhalawadia plasma

પ્લાઝમા દાન દ્વારા સાચા લોકસેવકની પ્રતીતિ કરાવનારશ્રી વી..ડી.ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે, તા.૨૦ જુલાઈએ કોરોનામુક્ત થતાં જ સૌપ્રથમ સંકલ્પ કર્યો હતો કે, ૨૮ દિવસ પછી હું પણ પ્લાઝમા ડોનેટ કરીશ. જેથી આજે ૨૮ દિવસ પૂર્ણ થતા કોર્પોરેશનની સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. એક વ્યક્તિના પ્લાઝમાથી બે દર્દીઓના જીવનમાં ઉજાસ લાવી શકાય છે. આપણા પ્લાઝમાથી કોઈના ઘરનો ચિરાગ બુઝાઈ જતો અટકશે. આગામી સમયમાં કોરોનામુકત લોકો વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરે તેવા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ધારાસભ્યશ્રીએ લોકડાઉન સમયે શ્રમિકોને ભોજન, રાશનકિટસ પહોંચાડવાની જવાબદારી બખૂબી નિભાવી હતી. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારોમાં ડિસઈન્ફેકશનથી લઈને લોકોને કોરોના વાઈરસ સામે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો ઉપરાંત શ્રમિકોને પોતાના વતન હેમખેમ પહોચાડવા સહિતની અનેક લોકલક્ષી કામગીરી વહન કરી હતી.  

WhatsApp Image 2020 08 09 at 7.18.03 PM

      આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેતા મેયરશ્રી ડો.જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સૌ કોઈએ પરસ્પર મદદરૂપ થવાની ભાવના સાથે કોરોના સામે મક્કમતાથી લડવાનું છે. કોરોના સંક્રમિત થયેલ દર્દીઓના શરીરમાં કોરોના સામે લડવા એક દ્રવ્ય (એન્ટીબોડી) ઉત્પન્ન થતું હોય છે. જે કોરોના સંક્રમિત દર્દીઓને આપવાથી ઝડપથી રિકવરી થાય છે. ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા લોકોની સેવા કરતા કરતા સંક્રમિત થયા બાદ કોરોનામાંથી સ્વસ્થ થઈને પ્લાઝમા ડોનેટ કરવાની અનુકરણીય પહેલ કરી છે. જાહેર સેવકો હંમેશા સમાજનું હિત અને સુખાકારીને નજર સામે રાખીને કાર્ય કરે છે, એનું શ્રી ઝાલાવાડીયાએ જીવંત દ્રષ્ટાંત આપ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અંકિતાબેન અને તેમની ટીમના સફળ માર્ગદર્શનથી વધુમાં વધું કોરોનામુક્ત બનેલાં લોકો પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવી રહ્યા છે. કોરોના સંક્રમિત બે દર્દીઓને પ્લાઝમા આપી કોરોના વિરુદ્ધ જંગ જીતવા પોતાનું યોગદાન આપી રહ્યા છે.