Surat Nurse

સ્મીમેર હોસ્પિટલની બે નર્સ બહેનો કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાયા

પરિવારથી દુર રહી સ્મીમેર હોસ્પિટલ ફરજ બજાવતા બિમલાબેન ક્રિસ્ટી અને સંગીતાબેન પ્રજાપતિ સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થયાં

કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ: કોરોના સામે જંગ જીત્યાં એમ દર્દીઓને પણ સ્વસ્થ કરીશું: કોરોનામુક્ત નર્સો

Surat Nurse sis
Surat Nurse

સુરત:રવિવાર: સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ૫૧ વર્ષિય બિમલા ક્રિસ્ટી અને ૪૨ વર્ષિય સંગીતા પ્રજાપતિ દર્દીઓની સેવા શુશ્રુષા કરતાં કોરોનાગ્રસ્ત બન્યાં હતાં. સાત દિવસની સારવાર લઈને કોરોના સામે જંગ જીતી ફરીથી કોવિડ વોર્ડમાં પોતાની ફરજ પર હાજર થઈને કોવિડ વોર્ડમાં પૂર્વવત દર્દીઓની સેવામાં જોતરાઈ ગયાં છે. બંને નર્સએ એકસૂરે કહ્યું હતું કે, ‘કોરોના દર્દીની સારવાર કરવી એ અમારી નૈતિક ફરજ છે. કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ. જેમ અમે કોરોના સામે જંગ જીત્યાં એમ વધુમાં વધુ દર્દીઓને પણ સ્વસ્થ કરીશું’.

મુળ મહેસાણાના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં રહેતાં સંગીતાબેન પ્રજાપતિ સ્મીમેર હોસ્પિટલમાં ઇન્ચાર્જ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘કોરોનાની શરૂઆતથી જ પરિવારથી દૂર રહીને કોવિડ વોર્ડમાં ફરજ નિભાવી રહી છું. ફરજ દરમિયાન મને કોરોના લક્ષણ જણાતાં તા.૧૨ જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી સ્મીમેરમાં કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. સાત દિવસ સારવાર બાદ તા.૧૮ જુલાઇના રોજ મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ સાત દિવસમાં કોરોનાને હરાવી ફરી પાછી કોવિડ વોર્ડમાં ડ્યુટી પર હાજર થઇ છું. કારણ કે હમણાં ‘સેવા એ જ પરમ ધર્મ’ને અનુસરી સેવા કરવાનો મોકો ભગવાને આપ્યો છે, એ છોડવો નથી. મહામારી ઘણું શીખવી જાય છે. દર્દીઓની સેવામાં અમે ક્યારેય પાછી પાની કરીશું નહી એમ તેમણે ઉમેર્યું હતું.

મૂળ નડિયાદના વતની અને છેલ્લા ૨૫ વર્ષથી અમરોલી કોસાડના કૈલાસ રો-હાઉસ સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં બિમલાબેન ક્રિસ્ટી પણ સ્મીમેરમાં નર્સ તરીકે ફરજ નિભાવે છે. કોરોનાનો તેમનો અનુભવ જણાવતાં તેમણે કે, ‘સ્મીમેરમાં ૨૪ વર્ષથી ફરજમાં કોરોના જેવી મહામારી પહેલીવાર જોઈ છે. કોવિડના પ્રારંભથી નિષ્ઠાપુર્વક કામ કર્યું છે. તા.૧૧ જુલાઇએ મને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા હતા. શરદી, ઉધરસ અને તાવ સાથે દાખલ થઈ સ્મીમેરમાં કોરોના રિપોર્ટ કઢાવતાં પોઝિટીવ આવ્યો હતો. સાત દિવસ કોરોનાની સારવાર લઇ કોરોના મ્હાતને સુરક્ષિત ઘરે પહોંચી હતી. અને ફરી એક વાર કોવિડ વોર્ડમાં ડ્યુટી પર હાજર થઈ છું.

કોરોનાયોદ્ધા બિમલાબેન ક્રિસ્ટી અને સંગીતાબેન પ્રજાપતિની કર્મનિષ્ઠાથી એવું જરૂર લાગે છે કે ‘આરોગ્ય સેનાનીઓ હજું પણ હિંમત હાર્યા વિના કોરોના સામે લડવા સક્ષમ છે.