Screenshot 20200717 175936

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ

Screenshot 20200717 175936

કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા

પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો

કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી

શહેર જિલ્લામાં ધન્વંતરિ રથો, એ.પી.એક્સ સર્વેલન્સ, કન્ટેઈન્ટમેન્ટ સ્ટ્રેટેજી, ૧૦૪ હેલ્પલાઈન, કોવિડ વૉર રૂમ જેવાં સકારાત્મક પગલાંઓથી કેન્દ્રીય ટીમ પ્રભાવિત

Screenshot 20200717 175959

સુરત,શુક્રવાર: ૧૭ જુલાઈ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અનુરોધના પરિણામ સ્વરૂપે નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ, આઈ.સી.એમ.આર.ના ડી.જી. ડૉ. બલરામ ભાર્ગવા, એઈમ્સના ડાયરેકટર ડૉ. રણદિપ ગુલેરીયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાની કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લઈને સુરત શહેર જિલ્લાની કોરોના વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.
સુરતમાં કેન્દ્રીય તજજ્ઞ ટીમે મહેસુલ વિભાગનાઅધિક મુખ્ય સચિવ શ્રી અને કોવિડ-૧૯ ના ખાસ ફરજ પરના અધિકારી શ્રી પંકજકુમાર, આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સુરત જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મૂકાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે અવધ યુટોપીયા ખાતે સમીક્ષા બેઠક કરી ઝીણવટપુર્વક ચર્ચા કરી હતી.
નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પોલએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ ના દર્દીઓને ખાલી બેડ હોય તેવી હોસ્પિટલ સુધી પહોંચાડવા, આરોગ્યસતુ એપ્લીકેશન, ધનવન્તરી રથનો વ્યાપ વધારવા અને લોકજાગૃતિ કેળવવા પર ભાર મુકયો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્વયં સુરક્ષા અને વધુ સુરક્ષાને મહત્વ આપી, સંક્રમિત વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કરીને કોરોનાનો વ્યાપ રોકવા તાતી જરૂરિયાત છે, પ્રશાસનની કામગીરી સરાહનીય છે, જે વધુ સઘન બનાવવામાં આવે તો આવનારા દિવસોમાં સારા પરિણામો મળશે.

Screenshot 20200717 175949

સુરતના કોરોનાની સારવાર લેતા દર્દીઓ ઝડપથી સાજા થાય, દર્દીઓને અપાતી સારવાર પદ્ધતિ, હોસ્પિટલની જરૂરી આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ સંદર્ભે તેમણે માર્ગદર્શન આપી તેમના અનુભવો જાણકારીનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓ જિલ્લા પ્રશાસન અને પાલિકા દ્વારા કોવિડ નિયંત્રણ અને સારવાર વ્યવસ્થા માટે ધન્વંતરિ રથો, એ.પી.એક્સ સર્વેલન્સ, કન્ટેઈન્ટમેન્ટ સ્ટ્રેટેજી, ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન, કોવિડ વૉર રૂમ જેવાં સકારાત્મક પગલાંઓથી પ્રભાવિત થયાં હતા, અને તેનાથી મળેલાં પરિણામોની સરાહના કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં સરકારી અને ખાનગી ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, સરકારી મેડિકલ કોલેજના પ્રોફેસરો સાથે પણ વાર્તાલાપ કરતાં ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોના સંકટમાં દેશના આધારસ્થંભ સમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફે લોકોની જિંદગી બચાવવાની સાથોસાથ પોતાની જાતને સુરક્ષિત રાખવી પણ જરૂરી છે. આપણાં માટે કોરોનાગ્રસ્ત દર્દીઓની એક એક જિંદગી કિંમતી છે. સંકટના સમયમાં પણ શીખવાનું છે, અને આફતના સમયમાં મેળવેલા અનુભવના ભાથાનો ઉપયોગ ભવિષ્યમાં આવનારી આપત્તિઓ, મહામારી અને તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે પણ લડવા માટે કરવાનો છે.
શ્રી ગુલેરિયાએ એમ પણ જણાવ્યું કે, ડોકટરોએ દર્દીના માત્ર કોરોના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ પર જ નિર્ભર ન રહેવાના બદલે ક્લિનિકલ જજમેન્ટ અને પેશન્ટ ના શારીરિક બદલાવો પર નજર રાખવી જોઈએ.
ટોસિલીઝુમાબ ઈન્જેકશન સંદર્ભે લોકોમાં, દર્દીઓમાં ગેરમાન્યતા પ્રવર્તે છે. ટોસિલીઝુમાબ વન્ડર ડ્રગ હોવાની માન્યતાના કારણે જરૂરિયાત ધરાવતા દર્દીઓ વંચિત રહે છે આ ઈન્જેકશન આપવાના આરોગ્ય વિભાગના ચુસ્ત પેરામીટરને અનુસરીને જ ઈન્જેકશન લેવાં જરૂરી છે. આ ઈન્જેકશન તમામ દર્દીઓને સ્વસ્થ થઈ શકે છે એવી માનસિકતાના કારણે નફાખોરી થવાની સમસ્યા પણ ઉભી થઈ છે, દર્દીના શારીરિક સ્થિતિ પ્રમાણે આ ઈન્જેકશન ઇમ્યુનિટી બુસ્ટરનું કામ ચોક્કસ કરે છે, પરંતુ દરેક દર્દીએ ઈન્જેકશન લેવાનો દુરાગ્રહ રાખવો ન જોઈએ, અને પોતાની સારવાર કરતાં તબીબોના અભિપ્રાય પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

કોરોનામુક્ત થયેલાં વ્યક્તિઓ પ્લાઝમાં ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓ માટે સંજીવની આપવાનું કાર્ય કરી શકે છે, પરંતુ દરેક ડોનરમાં પર્યાપ્ત માત્રામાં એન્ટી બોડી હોવા જરૂરી છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં એન્ટી બોડી બને તો જ પ્લાઝમાં ડોનેટ કરવાનો અભિગમ સાર્થક બની શકે. જેથી પ્લાઝમા ડોનેશન પહેલાં બ્લડ ટેસ્ટ કરી શરીરમાં એન્ટી બોડીનું પ્રમાણ ચકાસવામાં આવે તે પણ જરૂરી છે એમ શ્રી ગુલેરિયાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ રોગથી ડરીને પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે. વડીલો અને કોમોર્બીડ લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા પછી તેમજ નિયત લક્ષણો હોવાની જાણ થયા પછી પણ સમયસર યોગ્ય સારવાર માટે ઉદાસીન વલણ દાખવે છે, જેથી જ્યારે દાખલ થાય છે ત્યારે તેમની તકલીફ વધી જાય છે એ પણ વાસ્તવિકતા છે.

Screenshot 20200717 175954

કોરોના સામેની લડાઈમાં સરકારની આરોગ્ય માર્ગદર્શિકાને ગંભીરતાથી અનુસરવા લોકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે, લોકજાગૃતિ અને લોક સહકાર વિના કોરોના સામેનો જંગ જીતવો મુશ્કેલ છે, કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક અને મહત્વની હોય છે, ત્યારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા સોશિયલ ડિસ્ટન્સ, સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી વખતોવખતની સૂચનાઓનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું.
ડાયરેક્ટરશ્રીએ કોરોના વાયરસના સંક્રમણ સામેની લડતમાં ગુજરાત સરકારની આગેવાની હેઠળ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગે કરેલા પ્રયાસો સરાહનીય હોવાનું જણાવી ઉમેર્યું કે, રાજ્ય સરકારે દર્દીઓના જીવન બચાવવામાં કોઈ ઊણપ ન રહી જાય તેના પર સમગ્રતયા ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ પ્રશંસનીય છે. સાથે સાથે સુરતના તબીબો અને અન્ય સંલગ્ન સ્ટાફે કાળજીપૂર્વક દર્દીઓની સેવા સારવાર કરી છે.
મુલાકાત દરમિયાન ખાસ ફરજ પરના અધિકારીઓ સર્વશ્રી મિલિંદ તોરવણે, શ્રી થેન્નારાશન,મહેન્દ્ર પટેલ, કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, મ્યુ.કમિશનર શ્રી બંછાનિધિ પાની, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, ડીન સહિત જિલ્લા પ્રશાસન અને પાલિકાના અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: માહિતી બ્યુરો,ગુજરાત સરકાર સુરત