RJT Corona worriars 3

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વમાં કોરોના યોદ્ધાઓને સન્માનિત કરાશે

CM Rupani

કોવિડ-૧૯ સામેની જંગમાં ઢાલ સમાન કોરોના વૉરિયર્સને તેમની ઉત્તમ કામગીરી બદલ પ્રોત્સાહન અપાશે

રાજકોટ,૧૪ ઓગસ્ટ: દુનિયાભરમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો હોય તેવા સમયે રાજકોટ શહેરના આરોગ્યકર્મીઓ અને કોરોના યોધ્ધાઓ પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે નાગરિકોના સુખદ સ્વાસ્થ્ય માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યાં છે. જે ખરેખર સરાહનીય છે. સારું કાર્ય કરનારા લોકોને પ્રોત્સાહન મળે તો તેમની કાર્યક્ષમતામાં બમણો વધારો થઈ જાય છે. આવી જ લાગણી સાથે કોરોનાની જંગમાં અવિરત જોડાયેલા વીરોને રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટના દિવસે સન્માનિત કરવામાં આવશે. 

RJT Corona worriars 2

જેમાંના એક કોરોના વોરિયર છે રાજકોટના પદ્મકુંવર હોસ્પિટલમાં ફરજ બજાવતાં માઇક્રોબાયોલોજીસ્ટ ડો. મયુરસિંહ પરમાર. જેમણે કોરોના મહામારીના શરૂઆતના તબક્કામાં જ્યારે રાજકોટમાં માત્ર જંગલેશ્વર ખાતે કોરોનાના કેસ હતા ત્યારે આ કન્ટેન્ટમેન્ટ એરિયામાં પોતાની ટીમ સાથે જઈ અને ત્યાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ, આરોગ્યકર્મચારીઓ તેમજ રહેવાસીઓ મળીને અંદાજે ૧૦૦ જેટલા લોકોના કોરોનાના સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. ઉપરાંત ડો. પરમારે એક ખાનગી હોસ્પિટલમાં બ્રેન ડેડ દર્દીના અંગોના દાન પૂર્વે તેનો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરવો જરૂરી હતો ત્યારે ત્યાં જઈ અને આ ટેસ્ટ કરાવવાની કામગીરી પણ કરી છે.

RJT Corona worriars 3

રાજકોટના અન્ય કોરોના યોદ્ધા છે આશા વર્કર જુબેદાબેન દલવાણી. લોકડાઉનના કપરા સમયમાં પરિવહન બંધ હોવાથી દરરોજ સવાર-સાંજ ૨-૨ કલાક ચાલે ત્યારે માંડ ઘરે પહોંચે તેવી પરિસ્થિતિમાં જુબેદાબેને શહેરના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં ઘરે ઘરે જઈ અને સર્વેની કામગીરી કરી હતી. પોઝિટિવ દર્દીઓના ફોલોઅપની ઉત્તમ કામગીરી કરનાર જુબેદાબેને રમઝાન માસમાં રોઝા કરી અલ્લાહની બંદગીની સાથોસાથ માનવસેવાને સાચી ઈબાદત માની અને લોકોનાં મનમાં રહેલો કોરોનાનો ડર દૂર કરવાનું કાબિલેતારીફ કામ કર્યું છે. આ પ્રસંશનીય કાર્ય બદલ ૧૫ ઓગસ્ટના રોજ યોજાનારા જિલ્લા કક્ષાની ઉજવણીમાં તેમને સન્માનિત કરવામાં આવશે. 

RJT Corona worriars

ઘરમાં ૩ અને ૮ વર્ષના બે નાના બાળકોને મૂકીને કોરોનાના દર્દીઓની સેવામાં ખડેપગે હાજર રહેનારા સફાઈકર્મી મનીષાબેન કોવિડ-૧૯ ઓ.પી.ડી. બિલ્ડિંગની સાફસફાઈના કામ સાથે જોડાયેલા છે. કોરોનાના દર્દીઓમાં અન્ય રોગોનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. કોરોના ટેસ્ટ કીટ તેમજ પી.પી.ઇ. કીટ તૈયાર કરવાથી માંડીને ઓ.પી.ડી. પુરી કર્યા બાદ તમામ વસ્તુઓ સેનેટાઇઝ કરવા સુધીની કામગીરી નિભાવનારા મનીષાબેન કહે છે કે,”હું કોરોનાના દર્દીઓ વચ્ચે રહીને પણ સેવા કરવા તૈયાર છું”