Madhuriben Kumbhare Smimer Delivery 3

એક સમયે મને લાગ્યું કે હવે હું નહીં જીવી શકું. પરંતુ સ્મીમેરના ડોકટરોએ મને ઉગારી: માધુરી કુંભારે

Madhuriben Kumbhare Smimer Delivery 1 1

સ્મીમેર હોસ્પિટલના તબીબોની મલ્ટીડિસીપ્લીનરી ટીમતરીકેની ઉત્તમ કામગીરી

સ્મીમેરની ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગના ટીમવર્કથી સગર્ભાને મળ્યું નવજીવન

ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી મૃત્યુના મૂખમાંથી મહિલાને ઉગારી સફળ પ્રસુતિ કરાવી

સુરત,૧૪ ઓગસ્ટ: સહિયારા પુરૂષાર્થના હંમેશા શ્રેષ્ઠ પરિણામો મળતાં હોય છે. એટલે જ દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય, ટીમવર્ક દ્વારા સફળતા અવશ્ય મળે જ છે, આ વાતને સાબિત કરતાં સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તબીબી ટીમે સુરતની એક સગર્ભા મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી છે.

  લિંબાયતની સાત માસની સગર્ભા પરિણીતા માધુરીબેન દિલીપ કુંભારેની તબિયત બગડતા સ્મીમેરમાં દાખલ થયા હતા. તેમનું  ટ્રેક્યોસ્ટોમી (ગળામાં કાણું પાડીને નળી નાંખવાનું ઓપરેશન) કરી મહિલાને સ્વસ્થ કર્યા હતા,ત્યારબાદ સિઝેરિયન ડિલીવરી કરાવી સ્મીમેરના ગાયનેક વિભાગના તબીબોને માતા અને બાળક બંનેને નવજીવન આપ્યું છે. હાલમાં પ્રસુતા માતા અને નવજાત બાળકની હાલત સંપૂર્ણ સ્વસ્થ અને ભયમુક્ત છે.

Madhuriben Kumbhare Smimer Delivery 4

  મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતના લિંબાયતની મહારાણા ચોક વિસ્તારમાં રહેતા દિલીપ કુંભારેની ૨૩ વર્ષીય પત્નીને સાત મહિનાનો ગર્ભ હતો. કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે એક દિવસ અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા સ્મીમેરમાં દાખલ કરાયા હતા. પરંતુ શ્વાસોચ્છવાસ લેવામાં ખુબ મુશ્કેલી હોવાથી ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન કરી વેન્ટીલેટર પર રખાયા હતાં. 

Madhuriben Kumbhare Smimer Delivery 3

  માધુરીબેનને નવજીવન આપવામાં મહત્વનો ભાગ ભજવનાર ડો.તનુશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘સાત મહિનાની સગર્ભા માધુરી કુંભારેને તા.૧૭મી જુલાઈના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં તેમના પરિવાર દ્વારા સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમને ન્યુમોનિયાની અસર હોવાનું નિદાન થયું હતું. ઉપરાંત લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ નીચું રહેતા તાત્કાલિક ગાયનેક વિભાગના અલાયદા કોવિડ વિભાગમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીની હાલત અત્યંત નાજુક હોવાથી તાત્કાલિક વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન તા.૨૬મી જુને ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન કરવામાં આવ્યુ હતું. તેમનો કોરોનાનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાવતાં નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. 

  ડો. તનુશ્રીએ કહ્યું કે, ગર્ભમાં રહેલા શિશુની આજુબાજુ પાણી ઓછું જણાતા બાળકને બચાવવા માટે ગાયનેક વિભાગ તરફથી ડો.જિતેશ શાહ, ડો.અનામિકા મજુમદાર, ડો.પ્રિયંકા પટેલની ટીમ દ્વારા બાળકના ધબકારા અને વિકાસ માટે સોનોગ્રાફી તથા નોનસ્ટ્રેસ ટેસ્ટ મશીન દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવ્યું હતુ. મેડિસીન વિભાગના ડો.દિપક શુક્લાની દેખરેખ હેઠળ સઘન સારવાર કરી, તા.૨૮મી જુનના રોજ માધુરીબેનને આઠ મહિનાના ગર્ભ સાથે રજા આપવામાં આવી હતી.

  ડો.શ્રીજા દેસાઈએ જણાવ્યું હતું કે, ‘તા.૦૬ ઓગસ્ટના રોજ માધુરીબેન નવ મહિના પૂર્ણ થતા ચેકઅપ માટે આવ્યા હતા. માધુરીબેનને આના પહેલાની સિઝેરીયન પ્રસુતિ થઈ હતી. હાલના ગર્ભસ્થ શિશુનો વિકાસ અને પોષણ ઓછું હોવાથી સિઝેરીયન માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણી, ડો.શ્રધ્ધા અગ્રવાલ, ડો.મેઘના શાહ, ડો.જિગીષા ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો.રિતેશ જોષી, ડો.તનુશ્રી અગ્રવાલે અને મેં સફળતાપૂર્વક સિઝર કર્યુ. ડો. બિજલ ભાવસારની ટીમે એનેસ્થેસિયા આપ્યુ. પિડીયાટ્રીશ્યન ડો. પુનમ સિંઘની ટીમે નવજાત બાળકની દેખભાળ કરી હતી. આ રીતે સૌ વિભાગે પોતપોતાની જવાબદારી યોગ્ય રીતે ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ રૂપે ફરજ નિભાવી. પરિણામે તા.૦૯ મી ઓગસ્ટના રોજ સિઝરના ત્રીજા દિવસે માતા અને બાળક સારા હોવાથી તેમને રજા આપવામાં આવી હતી. 

Madhuriben Kumbhare Smimer Delivery 2 1

  ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને  જ્યારે શ્વાસ લેવાની તકલીફ પડે ત્યારે તેને વેન્ટિલેટર પર રખાય છે. તે પહેલાં દર્દીઓને એનેસ્થેશિયા આપવામાં આવે છે. ત્યારપછી ગળામાં એક ટ્યુબ નાંખીને (એન્ડોટ્રેકિઅલ ઇન્ટયુબેશન) અથવા ટ્રેક્યોસ્ટોમી એટલે કે ગળામાં ઓપરેશન દ્વારા કાણું પાડીને ઓક્સિજન અપાય છે, અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કઢાય છે. આ પ્રક્રિયામાં દર્દીએ શ્વાસ લેવાની જાતે કોશિષ કરવાની હોતી નથી. જેથી આ સમગ્ર પ્રોસેસને અનુસરી માધુરીબેનને સારવાર આપતાં તેમને બચાવી શકાયા છે. 

  માધુરીબેન જણાવે છે કે, એક સમયે મને લાગ્યું કે હવે હું નહીં જીવી શકું. પરંતુ ડોકટરો મને સ્વસ્થ કરવાં જે કોશિશ કરી રહ્યાં હતા, એનાથી મારૂ મનોબળ વધ્યું હતું. મેં મનથી નિશ્ચય કર્યો હતો કે હું સારી થઈ જઈશ અને મારા બાળકને જન્મ પણ આપીશ. દોઢ મહિનો વેન્ટીલેટર પર રહીને હું સારી થઈ અને ૬ ઓગસ્ટે સ્મીમેરમાં સિઝર કરી પ્રસૂતિ થતાં હું અને મારું બાળક સ્વસ્થ છીએ. મારા માટે મહેનત કરનાર સ્મીમેર હોસ્પિટલના તમામ ડોક્ટરોએ મને અને મારા બાળકને જીવનદાન આપ્યું છે. ‘ફરજ પરના ડોક્ટરોએ બેફિકર રહેવા અને પત્ની અને બાળકને કશું જ નહીં થવા દઈએ’ એવું કહેતા હિંમત આવી હોવાનું તેમના પતિ દિલીપભાઈએ જણાવ્યું હતું. 

  આમ, આ સમગ્ર કેસમાં સ્મીમેર હોસ્પીટલના ગાયનેક, મેડીસીન, એનેસ્થેસીયા અને પીડીયાટ્રીશયનની ટીમે ‘’મલ્ટીડીસીપ્લીનરી ટીમ’’ તરીકે ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી ગંભીર કેસમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે