CM Van mahotsav 3

રાજ્યના 71માં વન મહોત્સવનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

CM Van u

અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરના શિલાન્યાસની સ્મૃતિમાં રાજ્યના 20માં સાંસ્કૃતિક વનને રામ વન નામાભિધાન આપતા શ્રી વિજયભાઈ રૂપાણી

157 એકરમાં રાજકોટમાં આજીડેમ નજીક આકાર પામેલા રામ વનનો લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીએ કર્યો

વન મહોત્સવ અન્વયે આ વર્ષે ૧૦ કરોડ રોપા અને છોડ વિતરણથી હરિયાળા ગુજરાતની નૅમ સાકાર કરાશે

CM Van mahotsav
  • ગુજરાતના ઔદ્યોગિક આર્થિક સર્વાંગી વિકાસમાં પર્યાવરણ જાળવણી પ્રદૂષણ નિયંત્રણ નું પણ સંતુલન જાળવ્યું છે
  • ઓક્સિજન લેવલ જાળવી રાખવા ઓક્સિજન ટેન્ક નહીં હરિત વૃક્ષોની હરિયાળી વ્યાપક પણે ઉભી કરવી છે.
  • ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગુજરાતે સમયની માંગ અનુરૂપ ગ્રીન કવર વધારવાનો યજ્ઞ આદર્યો છે
  • શહેરોમાં સિમેન્ટ કોંક્રિટના જંગલમાં વચ્ચે કુદરતી વાતાવરણમાં લીલા વૃક્ષોનું વન રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે
  • ગુજરાતમાં વન બહારના વિસ્તારમાં ૩૪ કરોડ વૃક્ષો ૧૩ વર્ષમાં ૩૭ ટકાનો વધારો થયો
  • રાજકોટ મહાનગરપાલિકાના ગો ગ્રીન પ્રોજેક્ટ -સંજીવની રથનો વર્ચ્યુઅલ શુભારંભ મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ

ગાંધીનગર, ૦૨ ઓગસ્ટ ૨૦૨૦ :મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યની વિકાસની ચરમસીમા પાર કરાવવામાં પણ પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદુષણમુક્ત ગુજરાતની કલ્પના પાર પાડી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આપણી સ્પષ્ટ નેમ છે કે, ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વ્યાપારી સર્વગ્રાહી વિકાસ સાથે પર્યાવરણને પણ જાળવી શુદ્ધ હવા પાણી દ્વારા ગુજરાતને રહેવાલાયક, માણવાલાયક રાજ્ય બનાવવું છે.

CM Van mahotsav 2

મુખ્યમંત્રીશ્રીએ પોતાના ૬૫માં જન્મદિવસે રાજકોટમાં આયોજિત રાજ્યકક્ષાના 71માં વન મહોત્સવનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે વન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ નજીક 157 એકર વિસ્તારમાં નિર્માણ થયેલા 20માં સાંસ્કૃતિક વનનો લોકાર્પણ કર્યો હતો
શ્રી વિજયભાઈ રૂપાણીએ સનાતન પ્રાચીન સંસ્કૃતિમાં વનોની મહત્તા અને આપણા ઋષિમુનિઓએ વનમાં વસવાટ કરીને વેદો ઉપનિષદો શાસ્ત્રો રચ્યા છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રામાયણ કાળમાં ભગવાન રામચંદ્રજીએ પણ વનવાસ કર્યો હતો તેનું નિરૂપણ કરતા આગામી દિવસોમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના શિલાન્યાસની સ્મૃતિ ઇતિહાસમાં સચવાય રહે તે માટે રાજકોટમાં નિર્માણ થયેલા 20માં સાંસ્કૃતિક વનનું ‘રામવન’ નામાભિધાન આપ્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન કોરોનાના સંક્રમણમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે તેની વિગત આપતા કહ્યું કે, આપણે ઓક્સિજન ટેન્ક ઊભી કરવાને બદલે વધુને વધુ હરિયાળા વૃક્ષો વાવેતરથી કુદરતી ઓક્સિજનના પ્રાણવાયુ વધારતા જવા છે.
તેમણે ગુજરાતમાં ગ્રીન કવર વધારવા વધુ વૃક્ષો વાવી પર્યાવરણ શુદ્ધતા જાળવવા આ વર્ષે વનવિભાગ દ્વારા વન મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં ૧૦ કરોડ રોપા છોડ, તુલસી છોડ વિતરણ કરાશે તેમ ઉમેર્યું હતું.
વિશ્વ આખું ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરે છે ત્યારે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટના કોન્સેપ્ટથી સિમેન્ટ કોંક્રિટના જંગલો વચ્ચે કુદરતી લીલોતરીના વનો રાઈટ જોબ એટ રાઈટ ટાઈમથી નિર્માણ કર્યા છે એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાથી ગુજરાતમાં વન સાથે જન જોડવાનો અને જનભાગીદારીથી સાંસ્કૃતિક વનો ગાંધીનગર બહાર ઊભા કરવાનો ઉપક્રમ શરુ થયો તેમાં અત્યાર સુધીમાં 19 વનો નિર્માણ થયા છે તેની છણાવટ કરી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં વન બહારના વિસ્તારમાં ૩૪ કરોડ વૃક્ષો છે અને ૧૩ વર્ષમાં ૩૭ ટકાનો વધારો થયો છે તે માટે વનવિભાગ અને જન સહયોગને બિરદાવ્યા હતા.
તેમણે રાજકોટ મહાપાલિકા દ્વારા ઘરે-ઘરે રોપા વિતરણ સાથે પર્યાવરણ જાળવણીના સંદેશા પ્રસરાવતા ‘ગો ગ્રીન’ રથ અને સંજીવની રથનો પણ વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો.
વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વૃક્ષો-વનો કોઈપણ બદલાની અપેક્ષા વિના માનવજાત માટે અનેક ઉપકારક વસ્તુઓ આપે છે તેની વિગતો આપી હતી.

CM Van mahotsav 3

વન મંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રીન કવર વધારવા આપેલી પ્રેરણાથી વન મહોત્સવ અન્વયે 33 જિલ્લા, 8 મહાનગરો, 250 તાલુકા અને 5100થી વધુ ગામોમાં વૃક્ષ રથ દ્વારા લોકોને જરૂરિયાત મુજબના રોપાઓના ડોર ટુ ડોર વિતરણનું ભગીરથ આયોજન વન વિભાગે કર્યું છે.
વન રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર ઉમરગામથી વિડીયો લીંક દ્વારા આ અવસરે જોડાયા હતા.
વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વન મહોત્સવના આયોજનની વિગતો આપી હતી. રાજકોટના મેયર શ્રીમતી બીનાબહેને પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ અવસરે ગાંધીનગરમાં શ્રીમતી અંજલીબહેન રૂપાણી, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ શ્રી દિનેશ શર્મા, સામાજિક વનીકરણના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી રામ કુમાર તેમજ રાજકોટમાં સાંસદ શ્રી મોહનભાઈ, અભયભાઈ, ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.