Green Garden Tree

હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં આઠ ગામોમાં ૩૨૦૦ રોપાનું વાવેતર કરાયું

Green Garden Tree

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત,૦૬ સપ્ટેમ્બરહાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા પણ પ્રકૃતિને બચાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યાં છે. ગુજરાત રાજ્યના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. સુરતના નાયબ વનસંરક્ષકશ્રી એમ.એસ કટારાએ જણાવ્યું હતુ કે, આ વર્ષે સુરત જિલ્લામાં કુલ આઠ ગામોને આવરી લઇ, કુલ ૩૨૦૦ રોપાનું વાવેતર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણની દરેક યોજનાઓનો મુખ્યત્વે હેતુ વૃક્ષ ઉછેર અને પ્રકૃતિના જતન અને સંવર્ધનમાં જનતાની સહભાગિતા વધારવા તેમજ લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. દરેક યોજનાઓ દ્વારા રાજ્યની પર્યાવરણીય અને જૈવિક વૈવિધ્યની સુરક્ષા અને સંવર્ધન કરવાનું છે તથા ગ્રામીણ ગરીબ લોકો માટે રોજગારીની તકો વધારવાનો હેતુ મુખ્ય છે.


પર્યાવરણ સુરક્ષા માટે શહેર અને ગ્રામજનોએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે. મોટાભાગના વાવેતર ચોમાસા દરમિયાન વધુ અનુકુળ હોય છે. વન મહોત્સવના ભાગરૂપે રાજ્ય સરકારે વૃક્ષોના વાવેતર અને ઉછેરની કાળજી લીધી છે. ગામડાઓ હરિયાળા બને તે હેતુથી હરિયાળુ ગ્રામ યોજના બહાર પાડી હતી. આ યોજના અંતર્ગત ગામ અને શહેરોમાં યોગ્ય રીતે વાવેતર થાય અને ત્યાર પછીની માવજત પણ સુનિશ્ચિત થાય તે હેતુસર અમલી હરિયાળુ ગ્રામ યોજના હેઠળ વન વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપા આપવામાં આવે છે.

જમીનધારક પોતાની જમીન પર સરકારી ખર્ચે વાવેતર કરી શકે છે. આ યોજના હેઠળ ફળાઉ, સુશોભિત અને છાયા આપતા વૃક્ષો પર વધુ ભાર મુકવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ હેક્ટર ૪૦૦ રોપા આપવામાં આવે છે.

banner still guj7364930615183874293.