RJT Corona Pathology

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

RJT Corona Pathology 2

કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે

અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ

રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર વિશ્વ એકજુથ થઈને લડી રહ્યું છે. ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માટે ખૂબ જ સારા સમાચાર છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.

RJT Corona Pathology

રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની વિસ્તૃત વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- ૧૯ એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરિક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે. જેના દ્વારા જાણી શકાશે કે માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદ્ઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.

કોવિડ – ૧૯ મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી. તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાઈ નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

RJT Corona Pathology 4

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ભારતભરમાં સંભવત: એઈમ્સ ભોપાલ ખાતે માત્ર એક જ મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટને મંજુરી આપવામાં આવી છે. કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચમાં કોરોનાના ચેપ સિવાય અન્ય કોઈ ગંભીર બિમારી ન હોય તેવા તમામ ઉમરના લોકો તથા હોસ્પિટલમાં ઓછામાં ઓછા પાંચ દિવસ કે તેથી વધારે દિવસ સારવાર લીધા બાદ મૃત્યુ થયુ હોય તેનો સમાવેશ કરવામાં આવશે. આ રિસર્ચમાં કોરોનાના ચેપ સિવાય અન્ય કોઈ ગંભીર બિમારી હોય અને એવા લોકો કે જેનું વાયરસના સંક્રમણના કારણે ટુંકાગાળામાં મૃત્યુ નિપજ્યુ હોય તેનો સમાવેશ કરવામાં નહી આવે. જેનું ટુંકાગાળામાં મૃત્યુ નિપજ્યુ હોય તેવા શરીરમાં વાયરસનું પ્રમાણ વધારે હોવાથી તેની ઓટોપ્સી જોખમી બની શકે છે.

RJT Corona Pathology 3

રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડાના નેતૃત્વમાં તૈયાર કરાયેલા આ ઓટોપ્સી બ્લોક (પોર્ટમોર્ટમ રૂમ) ની અગ્ર સચિવશ્રી જયંતી રવી તથા નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા દ્વારા રૂબરૂ મુલાકાત લઈને જરૂરી સુચનો કર્યા હતા. તે સમયે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન અને સિવીલ સુપ્રીટેન્ડન્ટ શ્રી પંકજ બુચ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આ રિસર્ચમાં રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજનો ફોરેન્સિક વિભાગ, પેથોલોજી વિભાગ તેમજ દર્દીની સારવારમાં મહત્વની કામગીરી કરતો મેડીસીન વિભાગ તથા અતિ સુક્ષ્મ અને બારીક સંશોધનો કરવામાં અગ્રેસર એવો માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટ મહત્વનો ભાગ ભજવશે.

Banner City 1