મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી નું જાહેરનામું તાત્કાલિક અસર થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે

જાહેરનામા દ્વારા પશુપાલન વન પોલીસ જિલ્લા પંચાયત નગરપાલિકાઓને પ્રતિબંધના અમલ અને તકેદારી માટે જરૂરી પગલાં લેવા સૂચના

Whatsapp Join Banner Guj

વડોદરા, ૧૧ જાન્યુઆરી: સાવલી તાલુકાના વેરાઈ માતાના ચોક, વસનપુરા ગામમાં કાગડાઓના મરણની ઘટના ઘટી હતી અને મરણોત્તર તપાસમાં આ કાગડા બર્ડ ફ્લુ એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાનો ચેપ ધરાવતા હોવાનું પ્રતિપાદિત થયું છે. તેને અનુલક્ષીને આ ચેપના નિયંત્રણના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચનાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડી. આર.પટેલે અસરગ્રસ્ત વિસ્તારમાં અવર જવર સહિતના વિવિધ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે જે તાત્કાલિક અસર થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામા દ્વારા પશુપાલન, વન, પોલીસ, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જેવા સંબંધિત વિભાગોને ચેપ નિયંત્રક તકેદારીના વિવિધ પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે તેના ચુસ્ત અમલ માટે પોલીસ અધિકારીઓને અધિકૃત કરીને,તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદા અનુસાર શિક્ષાત્મક પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે વસનપુરા ગામ ની એક કિલોમીટર ત્રિજ્યા વાળા મહેસૂલી વિસ્તારમાં ( ચેપગ્રસ્ત ક્ષેત્ર) ઇંડા, મરઘી, પક્ષીઓ ની હગાર, પૌલ્ટ્રિ ફાર્મના સાધનો અને સામગ્રી ઇત્યાદિને અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લઈ જવા કે લાવવાની મનાઈ રહેશે.મરઘાં પાલન, પોલ્ટ્રીનું કામ કરતા શ્રમિકો,અન્ય લોકોએ રક્ષણાત્મક પોષક એટલે કે ખેસ, માસ્ક, મોજાં, ગમ બુટ, ડિસ્પોઝેબલ ગ્લોવસ ઇત્યાદિ પહેરવાના રહેશે. સંબંધિત વિભાગો એ અસરગ્રસ્ત વિસ્તારમાં બહારથી આવતાં પક્ષીઓ ખાસ કરીને પાણીના સંપર્કમાં ન આવે તે માટે જરૂરી ઉચિત પગલાં લેવાના રહેશે.અનિવાર્ય સંજોગો સિવાય આ વિસ્તારમાં પ્રવેશવા કે બહાર જવાની મનાઈ રહેશે.

આ જાહેરનામાની જોગવાઈઓનો ભંગ કાયદેસર ની કાર્યવાહીને પાત્ર ઠરશે.
આ રોગ બહુધા ચેપવાળા પક્ષીઓના સંપર્કમાં આવતા પક્ષીઓમાં ફેલાય છે.માણસોમાં ભાગ્યે જ ફેલાય છે.પરંતુ આવા પક્ષીઓના સીધા સંપર્કમાં આવનારને ચેપ લાગવાની શક્યતા રહે છે.તેથી તકેદારીઓ નું પાલન જરૂરી છે.

આ પણ વાંચો….મોદી સરકારનો નિર્ણયઃ આ વર્ષે બજેટની કોપી હાથમાં નહીં મળે, જાણો શા માટે?