Jasdan Health center 3 scaled

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં આરોગ્ય કેન્દ્નો સહિતના વિકાસકામોનું કરાયેલ લોકાર્પણ

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧.૩૦ કરોડના પેટા આરોગ્ય કેન્દ્નો સહિતના વિકાસકામોનું કરાયેલ લોકાર્પણ

  • પાટીયાળી, ફુલજર, ગઢડીયા, રેવાણિયામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ થતા લોકોને મળશે ઘર આંગણે સારવાર
  • ગામડાઓમાં શહેરો જેવી સવલતો ઉભી કરવાની રાજ્ય સરકારની નેમ છે

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૧૬ ઓક્ટોબર: પાણી પુરવઠા અને ગૃહનિર્માણ અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આજે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનાગઢડીયા (જસ),  રેવાણીયા અને  વિછીયા તાલુકાના પાટીયાળી, ફુલજર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગઢડીયા, દડલી અને મોટા હડમતીયા ગામે નવા પંચાયત ઘરોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીના હસ્તે અંદાજે રૂપિયા ૧.૩૦ કરોડના વિકાસના કામો ગ્રામ્ય વિસ્તારમાં લોકાર્પણ કરવામાં આવ્યા હતા.       

આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારી ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉભી કરવા કોરોના મહામારી વચ્ચે પણ કામગીરી ચાલુ રાખી છે.  ગામડાઓમાં વિકાસના કામો અટક્યા નથી. મંત્રીશ્રીએ લોકો બીમાર જ ન પડે આરોગ્યપ્રદ જીવન શૈલી અપનાવે અને સારવાર ઘર આંગણે જ મળે તે માટે સરકાર દ્વારા તબીબની નિમણૂક સાથે ગામમાં વેલનેસ સેન્ટર પેટા આરોગ્ય કેન્દ્રનું અપગ્રેડેશન કરીને શરૂ કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. વિછીયા તાલુકામાં ૨૬ અને જસદણ તાલુકામાં ૩૬ વેલનેસ સેન્ટર બની રહ્યા છે અને આ સેન્ટરો પર કોરોના નિદાન માટે વિસર્જન ટેસ્ટ ઉપરાંત અન્ય છ પ્રકારના ટેસ્ટ ની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રમાં ઔષધિય વૃક્ષો પણ ઉગાડવામાં આવશે.

જિલ્લા આરોગ્ય તંત્રના કયુ. એમ. ઓ. શ્રી પી કે સિંઘે જિલ્લામાં શરૂ થઇ રહેલી ગ્રામ્ય કક્ષાની આરોગ્ય સવલતો અને વેલનેસ સેન્ટર માં મળનાર સુવિધા અંગેની માહિતી આપી હતી આ પ્રસંગે ફુલઝર ગામની સીમ શાળામાં જયોતિગ્રામમાંથી વીજળી આપવાની સુવિધાનો પ્રારંભ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો તેમજ શાળામાં વિજ સેવા શરૂ થતાં શાળામાં બાળકો અને શિક્ષકોને વધુ સગવડતાઓ મળશે.

જસદણ અને વિંછીયા પંથકમાં આ આજના વિવિધ કાર્યક્રમોમાં સરપંચો શ્રી કાળુભાઈ ડેરવાણિયા, શ્રી વિપુલભાઈ, શ્રી પરષોત્તમભાઇ ઝીંઝરિયા, આગેવાન શ્રી અશ્વિનભાઈ સાકરીયા, ભરતભાઈ ડાભી, જેસાભાઈ, શ્રી મનસુખભાઈ તેમજ પાણી પુરવઠા,  આરોગ્ય,  તાલુકા પંચાયત અને PGVCL સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

loading…