કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરમાં વિકાસના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગરમાં વિકાસના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું
નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ આપણે સફળતાપૂર્વક લડી રહ્યા છીએ: ગૃહમંત્રી શ્રી અમિત શાહ
જ્યાં સુધી રસી ના શોધાય ત્યાં સુધી જનજાગૃતિ જ એકમાત્ર રસ્તો છે: શ્રી અમિત શાહ
વિકાસની ગતિ ધીમી ના પડે તે માટે ઈ-લોકાર્પણ/ઈ-કાર્યક્રમ દ્વારા વિકાસના કાર્યો ચાલુ રાખવા જોઈએ: શ્રી અમિત શાહ
10 SEP 2020 by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગાંધીનગર જીલ્લાના લગભગ 134 કરોડ રૂપિયાના વિકાસના 40થી વધુ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરમાં રૂપિયા 15 કરોડના 7 કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સેક્ટર-2, સેક્ટર-7A, સેક્ટર-9ના બગીચાનું નવીનીકરણનું કામ, પ્રોપર્ટી ટેક્ષ સર્વે એન્ડ બેઝ મેપ ક્રિએશન, અપડેશન એન્ડ ઇમ્પ્લીમેન્ટેશન ઓફ એન્ટરપ્રાઇઝ G.I.S. એપ્લીકેશન, પીંડારડા ગામે મેઇન રોડથી ઇન્દિરા આવાસ સુધી સી.સી.રોડનું કામ વગેરે જેવા વિકાસ કાર્યોને આવરી લેવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરમાં રૂપિયા 119 કરોડના 32 જેટલા વિકાસના કામોનું ઈ-ખાતમુહૂર્ત પણ કર્યું હતું. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ થાપુર -રૂપાલ-નારદીપુર રસ્તાને 7 મીટરમાંથી 10 મીટર પહોળો કરવાનુ કામ, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આદરજ મોટી ગામે કન્યાશાળાના નવા 11 વર્ગખંડ બનાવવાનું કામ અને ભોયણ મોટી ગામે શાળા નં-1માં નવા 4 વર્ગખંડ બનાવવાનું કામ તેમજ એ.ટી.વી.ટી 2020-21 અંતર્ગત રૂપાલ ગામે આંગણવાડી નં.1, 2, 3, 5 અને 6માં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ, આદરજ મોટી ગામે આંગણવાડી નં.1, 4 અને 7માં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ અને વાસન ગામે આંગણવાડી નં.1 ,2 અને 3માં કમ્પાઉંડ વોલ બનાવવાનું કામ વગેરે જેવા લોકકલ્યાણના કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, “સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આદરજ મોટી ગામની કન્યાશાળામાં નવા 11 વર્ગખંડ બનાવવાનું કામ શરુ થયું છે. આ 11 નવા વર્ગખંડ વધવાથી આજુબાજુના ગામોની દીકરીઓને કન્યા કેળવણી માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે એનો મને વિશ્વાસ છે.”
શ્રી અમિત શાહે કહ્યું કે, “વિશ્વમાં માનવજાતિએ ક્યારેય જેનો સામનો ના કર્યો હોય તેવા કોરોનાના સંકટનો સામનો કરી રહી છે. દેશમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ જેને ઉદાહરણ તરીકે સ્વીકારે એવી સુનિયોજિત લડાઈ આપણે લડી છે અને હજુ પણ કોરોના સામેની આ લડાઈ આપણે સફળતાપૂર્વક લડી રહ્યા છીએ. ગુજરાત રાજ્યમાં પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ બન્નેના નેતૃત્વમાં કોરોનાની આ લડાઈ સફતાપુર્વક લડવામાં આવી રહી છે. ગુજરાતમાં મૃત્યુદર પણ ઓછો થયો છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધતા સાજા થવાનો દર પણ ક્રમશ: વધ્યો છે, જે ગુજરાતની મક્કમ મનોબળ સાથેની સુનિયોજિત સ્થિતિને દર્શાવે છે.”
શ્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, “કોરોના સામેની આ લડાઈ હજુ સમાપ્ત નથી થઈ. આવનારા સમયમાં જ્યાં સુધી રસીના શોધાય ત્યાં સુધી જન જાગૃતિ એકમાત્ર રસ્તો છે. હું સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે બને તો કામ વગર બહાર ના નીકળીએ અને નીકળીએ તો જાગરૂકતા સાથે સામાજિક અંતર જળવાઈ રહે એનું ધ્યાન રાખવું.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “કોરોનાકાળમાં વિકાસના કાર્યો અટકી ના જવા જોઈએ. વહીવટ પણ ચાલે, વિકાસ પણ થાય એ માટે વધુમાં વધુ ઈ-લોકાર્પણ/ઈ-કાર્યક્રમ/વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકાસના કાર્યો ચાલુ રાખી વિકાસની ગતિને આપણે ધીમીના ના પડવા દેવી જોઈએ.
આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં રુપાલ ગામથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગાંધીનગરથી કલેક્ટર કુલદિપ આર્યા, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગાંધીનગર સેક્ટર 7ના ગાર્ડનથી મેયર રીટાબેન પટેલે જોડાઈ ગૃહમંત્રી સાથે ઈ-સંવાદ કર્યો હતો.