WhatsApp Image 2020 08 16 at 3.03.42 PM edited

સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો

WhatsApp Image 2020 08 16 at 3.03.42 PM1

પ્રગતિશીલ ખેડૂતો-યુવાનો માટે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો

ઈ-માધ્યમથી વેબિનાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરી મશરૂમની ખેતીને વ્યવસાય રૂપે અપનાવવા અનુરોધ

સુરત:રવિવાર: કોરોના વાયરસના કારણે ખેડૂતો-પ્રગતિશીલ યુવાનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માર્ગદર્શન મેળવવાં આવી શકે તેમ ન હોવાથી નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત, વ્યારા, તેમજ કૃષિ મહાવિદ્યાલય,વઘઈના સંયુક્ત ઉપક્રમે ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ કાર્યક્રમ’ નું ઓનલાઈન આયોજન કરાયું હતું.

વેબિનારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી.ડી.પંડ્યાએ ઈ-માધ્યમથી જોડાયેલાં નિષ્ણાંતો તેમજ ખેડૂત મિત્રોનું સ્વાગત કરી કાર્યક્રમનો હેતુ સમજાવી મશરૂમની અગત્યતા વિષે માહિતી આપી હતી.

નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. કે.એ.પટેલે ખેડૂતોને પ્રોત્સાહિત કરી મશરૂમની ખેતીને એક વ્યવસાયના રૂપે અપનાવવા અનુરોધ કર્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જે.એચ.રાઠોડે મશરૂમની ખેતીને આવકના ઉત્તમ સ્ત્રોત તરીકે અપનાવી શકાય છે તેની માહિતી આપી હતી.

WhatsApp Image 2020 08 16 at 3.03.42 PM edited

તાંત્રિક પ્રવચનમાં કૃષિ મહાવિદ્યાલય,વઘઈના આચાર્યશ્રી ડો.જે.જે.પસ્તાગીયાએ મશરૂમની ઓળખ, ઉપયોગિતા, મશરૂમનો ઈતિહાસ, ભારતમાં ઉગાડવામાં આવતી વિવિધ મશરૂમની જાતો વિષે સૌને માહિતગાર કર્યા હતાં. કે.વિ.કે., વ્યારાના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડો. એસ.એમ. ચૌહાણે ઢિંગરી મશરૂમ, દૂધીયા મશરૂમ તેમજ બટન મશરૂમની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી આપી મશરૂમની કાપણી અને જાળવણી, મશરૂમના આરોગ્યલક્ષી ફાયદાઓ વિષે અને તાપી જિલ્લાના મશરૂમની ખેતીમાં સફળ ખેડૂતોની સફળતાની વિગતો આપી ખેડૂતોને જાગૃત કર્યા હતાં.

કે.વિ.કે.,સુરતના પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડો.એસ.કે. ચાવડા દ્વારા મશરૂમના રોગ-જીવાતોની ઓળખ અને વ્યવસ્થાપન વિષે ખેડૂતોને તાંત્રિક વિગતો આપી શહેરી વિસ્તારોમાં પોતાના ઉત્પાદનની વેચાણ વ્યવસ્થા કરી સારો ભાવ મેળવવાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કૃષિ મહાવિદ્યાલય,વઘઈના મદદનીશ પ્રાધ્યાપક ડો.એ.જે.દેશમુખ દ્વારા મશરૂમના વૈજ્ઞાનિક ઢબે બીજ ઉત્પાદન વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તાપી જિલ્લાના મશરૂમની ખેતીમાં સફળ ખેડૂત મહિલા શ્રીમતી અંજનાબેન ગામીતતે એમની મશરૂમની ખેતીના અનુભવો રજુ કર્યા હતાં. વેબિનારના અંતમાં નિષ્ણાંતો દ્વારા ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોના માહિતીસભર પ્રત્યુત્તર આપવામાં આવ્યાં હતાં. ગુગલ મીટ એપ થકી કુલ ૧૧૦ ખેડૂતોએ વેબિનારમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કે.વિ.કે-વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.સી.ડી. પંડ્યાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.