Old age corona Patient

ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત

Old age corona Patient 3 edited
  • પાનખરે વસંત જેવા મનોબળથી કોરોનાને મ્હાત
  • ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત
  • ૬૮ વર્ષના રસીલાબેન જાવિયા કહે છે ‘રાજકોટની સમરસ હોસ્ટેલ દીકરાના ઘર સમાન છે’

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: ‘મનથી મજબૂત રહીએ અને જરા પણ ડર્યા વગર સીધા જ હોસ્પિટલે પહોંચી જઈએ તો કોરોનાથી સાજા થઇ શકાય છે. અમે વૃદ્ધાશ્રમના સાત વડીલો ૬૦થી ૭૦ વર્ષની ઉંમરના છીએ. કોરોના થયો અને સરકારી હોસ્પિટલમાં ઘર જેવી સેવા ચાકરી અને ઉત્તમ સારવારના રાજીપા સાથે આજે અમારી સંસ્થામાં  પરત ફરી રહ્યા છીએ. રાજકોટની સમરસ હોસ્ટેલ અમારા માટે દીકરાના ઘર સમાન છે.’ આ શબ્દો છે ૬૮ વર્ષના વૃધ્ધા રસીલાબેન આડેસરાના ..આજે રાજકોટના સમરસ કોવીઙ કેર  સેન્ટરમાં તબીબો અને નર્સ બહેનોએ સાત વડીલોને માતા-પિતાની જેમ સાચવીને સારવાર કરીને સંસ્થામાં જવા  વિદાય આપી ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં હતા.

રાજકોટ નજીકના  ઢોલરાના ‘‘દીકરાનું ઘર’’ સંસ્થામાં ઘણા સમયથી  રહેતા અમૃતલાલ અંબાસણા ઉ.વ.૭૦,  હીરાબેન ગોરધનભાઈ ચોવટીયા ઉ.વ.૬૦,  ઉજીબેન જાવિયા ઉંમર ૭૦, અનસુયાબેન મકવાણા ઉમર ૬૧, રસીલાબેન જાવિયા ઉમર ૬૮ ,પ્રભાબેન વાજીયા ઉમર ૬૩, અને ભાવનાબેન આડેસરા ઉ.વ. ૬૫ એક સાથે કોરોના સંક્રમિત થયા હતા. તેમને સંસ્થા દ્વારા શરદી તાવ હોવાથી જાગૃતિ દાખવી સીધા જ સરકારી દવાખાને તપાસ માટે લવાયા હતા. આ સાત વડીલોમાંથી અમૃતલાલ ભાઈને ડાયાબિટીસ અને બીપીની બીમારી તેમજ હીરાબેનને ડાયાબિટીસ અને અન્ય પાંચ વડીલોને ઉંમરને કારણે નાની મોટી તકલીફ છતાં સમયસર સારવાર, મજબૂત મનોબળ અને રોગ પ્રતિકારક શક્તિ  વધારવા આયુર્વેદિક ઉપચાર સાથે અદ્યતન સારવાર મળી જતા ,સાજા થઈ જતા આ તમામ વડીલોને આજે સમરસ હોસ્ટેલ કોવીઙ  કેર સેન્ટરના તબીબી સ્ટાફે પારિવારિક માહોલમાં રજા આપી હતી.

loading…

૬૮ વર્ષના રસીલાબેનએ કહ્યું કે સરકાર દ્વારા સમરસમાં સમયસર જમવાનું આવી જાય, ડોક્ટર ખડે પગે અને સ્ટાફ દીકરા-દીકરી જેવો હોય, પછી બીજું અમારે શું જોઈએ? અમારી સંસ્થામાં જે રીતે અમારા ટ્સ્ટી મુકેશભાઈ રાખે છે તે જ રીતે પરિવારની જેમ અમને અહીં તબીબી સ્ટાફ અને નર્સ બહેનોએ સાચવ્યા છે. સમરસમાં  સફાઈ તેમજ બધી જ સગવડને લીધે અમને અહીં ૧૨ દિવસ સુધી દીકરાના ઘર જેવું અનુભવાયું છે. હીરાબેન ચોવટીયાએ કહ્યું કે સમરસમાં સમયસર સારવાર મળી જતા આજે અમે કોરોનાથી સાજા થઈ ગયા છીએ .પ્રભાબેન વાજીયાએ પણ સરકાર, તબીબોનો, જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો. ભાવનાબેન આડેસરા કહે છે કે અમે કહીએ કે લસણ ડુંગળીવાળુ નથી ખાતા તો અમારી માટે જૈન થાળી જમવામાં આવી જાય .ચા પાણી નાસ્તો ઉકાળો અને સમયસર દવા વગેરે બધી જ સગવડ અમને અહીં મળી છે.

Old age corona Patient

સમરસ હોસ્ટેલ કેર સેન્ટરના ડો. ગૌરવ ગોહિલ, ડો. મોહિની શાહ, ડો. રીધ્ધિ ગાજીપરા સહિતના તબીબોએ તેમજ નર્સિંગ સ્ટાફે વડીલોને સારવારમાં, શુશ્રુષામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે કાળજી લીધી હતી. આમ સમરસ હોસ્ટેલ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની મહેનતને લીધે કોરોના દર્દીઓ માટે સારવાર અર્થે આશીર્વાદ સમાન બની છે.