Atma Nirbhar Loan

રાજકોટના નાના-મોટા વ્યવસાયકારોને ટેકારૂપ બની રહેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના

Mahila Atma Nirbhar 3
File Pic

૧ લાખ રૂપિયાની લોન મેળવીને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આત્મનિર્ભર મનિષભાઈ દવે

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: લોકોના સુખ અને દુ:ખની દરકાર કરતી રાજ્ય સરકાર આપત્તિઓના સમયમાં હંમેશા તેમની પડખે ઉભી રહી છે. કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ રાજ્ય સરકાર દ્વારા લોકહિતાર્થે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાંનો એક નિર્ણય એટલે “આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ.”

 કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે નાના-મોટા વ્યવસાયકારોને આર્થિક રીતે ઘણી નુકશાનીનો સામનો કરવો પડયો છે. ત્યારે ગુજરાત અને ગુજરાતવાસીઓને આર્થિક ક્ષેત્રે ફરીથી અડીખમ બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલા આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતર્ગત ૧ લાખ સુધીની લોન આપવામાં આવી રહી છે.

“આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના” થકી આત્મનિર્ભર બનેલા રાજકોટના મનિષભાઈ દવેએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે,” કોરોનાને કારણે જ્યારે પહેલું લોકડાઉન થયું તેના બે મહિના પહેલા જ મેં Maddy’s Kitchen ના નામ સાથે હોમ મેઇડ ફુડનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ કોરોનારૂપી કાળનું ચક્ર એવું ફર્યું  કે, મારો ધંધો સરખી રીતે જામે તે પહેલા જ બંધ થઈ ગયો. લોકડાઉન બાદ જ્યારે ધંધો ફરી શરૂ કરવાનો થયો તો નાણાકીય સ્થિતિ સારી નહોતી. તેવા સમયે મુખ્યમંત્રીશ્રીની આત્મનિર્ભર સહાય યોજનાએ મારી નાણાકીય આફતને અવસરમાં પલટી હતી. મારા અને મારા પરિવારના ચહેરા પર ખુશીઓ રેલાવી હતી.”

 રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ૧ લાખ રૂપિયાની લોન મળતાં મારા વ્યવસાયમાં નવા પ્રાણ ફુંકાયા છે. લોનની રકમથી ધંધાને જરૂરી એવી સામગ્રી, રો-મટીરીયલ્સ, નાના-મોટા ખર્ચા ચુકવ્યા બાદ મારી સ્થિર આવક શરૂ થઈ ગઈ છે. વધુમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારની માર્ગદર્શિકા મુજબ હોમ મેઇડ ફુડ બનાવતી અને વેચતી વેળાએ માસ્ક, ગ્લોવ્ઝ અને સેનેટાઈઝર અને સાવચેતીના દરેક પગલાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમ મનિષભાઈએ જણાવ્યું હતું.

loading…

 સંવેદનશીલ સરકારના સંવેદનશીલ નિર્ણય અંગે સંતોષ વ્યક્ત કરતાં મનિષભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, “ સરકારના આ નિર્ણયને કારણે ખાલી ઉદ્યોગ-ધંધા બેઠા નથી થયાં પરંતુ અમારા જેવા વ્યવસાયકારો કે જેનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો હતો અને તેના કારણે આત્મવિશ્વાસ ભાંગી ગયો હતો, તેમને પુન: બેઠો કર્યો છે. આજે સ્વીગી, ઝોમેટો સાથે સંકલન કરીને, પર્સનલ ઓર્ડર પૂરા કરીને મારો ખાણીપીણીનો ધંધો ફરી બેઠો થયો હોય તો તે માત્ર આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજને કારણે જ. આ બદલ મારા પરિવાર સહિત હું ગુજરાત સરકારનો આભાર માની મુખ્યમંત્રીશ્રી પ્રત્યેની મારી કૃતજ્ઞતા વ્યક્ત કરૂં છું.”

માત્ર બે ટકાના વ્યાજે અને પ્રથમ છ મહિના એક પણ હપ્તો નહીં ભરવાની સુવિધાવાળી આત્મનિર્ભરની સહાય લોન દ્વારા મહેનત કરીને ગુજરાન ચલાવતા અનેક લોકોની મહેનતને સફળ બનાવવવા રાજ્ય સરકાર કોરોનાના કાળમાં પણ નિષ્ઠાપૂર્વક પોતાનું દાયિત્વ નિભાવી રહી  છે.