Frontline warrior DR. NIDHI SAVALIYA

કોવિડ વોર્ડમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ પેરામેડિકલ સ્ટાફની અપ્રતિમ કામગીરી

Frontline warrior 2
  • સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતેના કોવિડ વોર્ડમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ  પેરામેડિકલ સ્ટાફની અપ્રતિમ કામગીરી
  • પ્રત્યેક વોર્ડમાં સફાઈકર્મીઓ અને પેશન્ટ એટેન્ડેન્ટસ સહિતના સ્ટાફ દ્વારા દર્દીઓને અપાય છે આત્મીયતાસભર સારવાર
  • “અહીંનો સ્ટાફ પરિવારના સદસ્યની જેમ મારુ ધ્યાન રાખે છે”: દર્દી વેણુભાઈ ખાચર

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ધાઓ એવા  સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ વોર્ડમાં ફરજનિષ્ઠ હાઉસકિપિંગ તથા પેશેન્ટ એટેન્ડેન્ટસ, મેનેજમેન્ટ અને સફાઈ કર્મયોગીઓ સહિતના પેરામેડિકલ સ્ટાફ દ્વારા કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

Frontline warrior

હાલ કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દી વેણુભાઈ ખાચર જણાવે છે કે,”જ્યારે મને પહેલી વાર હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી, ઘણી વાર પથારીમાં જ યુરિન અને ટોયલેટ થઈ જતું તો અહીંનો સ્ટાફ તુરંત મારી પાસે આવીને પથારી સાફ કરી દેતાં, આવું બે દિવસ બન્યું પરંતુ એક વાર પણ સ્ટાફમાંથી કોઈ મારા પર ગુસ્સે ન થયું, અને મને પૂછતાં ‘કાકા તમને બીજી કોઈ તકલીફ તો નથી થતી ને ?’ જાણે મારો પરિવારના સદસ્યો મારી સંભાળ રાખતા હોય”  આવા જ સારવાર લઈ રહેલા અન્ય એક દર્દી હેમંતભાઈ આચાર્ય જણાવે છે કે,” હોસ્પિટલમાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ ખુબ જ સારી છે, હું છેલ્લા પાંચ દિવસથી અહીંયા સારવાર હેઠળ છું, ૨(બે) દિવસ પહેલા મને પેટમાં વીંટ ઉપડી અને મારા બેડ પાસે જ મને ઉલ્ટી થઇ, તુરંત ત્યાં હાજર ડોક્ટર અને સ્ટાફ મારી પાસે આવી ગયો અને મારી ઉલ્ટી સાફ કરી તથા ડોક્ટરે મારી સારવાર કરી. અહીંયા હોસ્પિટલમાં આખો સ્ટાફ એટલો ચોક્કસ છે કે તેઓ દર્દીની સારવારમાં ખડે પગે હાજર રહે છે.  

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં પેશેન્ટ એટેન્ડન્ટસ તરીકે ફરજ બજાવતા આસિફભાઇ કહે છે કે,” અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાથી સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમે પૂરતી કાળજી સાથે કામ કરીએ છીએ. હું અહીંયા દર્દીઓને  જમાડવાની, અશકત કે ચાલી ના શકતા હોય તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની અને કોવિડ વોર્ડની સાફ-સફાઈની કામગીરી કરું છું. આવી મહામારીના સમયમાં દર્દીઓની સેવા કરીને હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.”

Frontline warrior DR. NIDHI SAVALIYA

 હાઉસકિપિંગ તથા પેશેન્ટ એટેન્ડેન્ટસ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં કાર્યરત ડો. નિધિબેન સાવલિયા હોસ્પિટલની કામગીરી વિશે વાત કરતા જણાવે છે કે, અહીંયા કોરોનાના ટોટલ ૮ વોર્ડ છે અને પ્રત્યેક વોર્ડ દીઠ એક સફાઈકર્મી અને એક હાઉસકિપિંગ સહિતના ૨(બે)  તાલીમબદ્ધ લોકોનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોવિડ વોર્ડમાં કાર્યરત છે, કોવિડ વોર્ડમાં બેડશીટ ગંદી થઇ હોય કે દર્દીને અન્ય કોઈ તકલીફ હોય, ત્યાં હાજર સ્ટાફ દ્વારા તેમની સમસ્યાનું સત્વરે નિરાકરણ કરવામાં આવે છે અને દર કલાકે તેમને હેડ નર્સને પોતાની કામગીરીનું રીપોર્ટિંગ કરવાનું રહે છે. કોવિડ વોર્ડનો કચરો અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય, તેની પણ પુરતી તકેદારી લેવામાં આવે છે. સફાઈ કર્મીઓને ફરજ સોંપતા પહેલાં બાયોમેડીકલ વેસ્ટ, પી.પી.ઈ. કીટ કેમ પહેરવી, ડોફિંગ, ડોનિંગ વગેરેની નર્સિંગ સુપ્રીટેડન્ટ, એચ. આર. મેનેજર અને આઈ.સી.એન. દ્વારા તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે.”

આમ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત હાઉસકિપિંગ તથા પેશેન્ટ એટેન્ડેન્ટસ એન્ડ મેનેજમેન્ટ અને સફાઈ કર્મયોગીઓ સહિતના પેરામેડિકલ સ્ટાફ દ્વારા ‘‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’’ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવે છે.