વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે યુ.એન.મહેતા હોસ્પિટલનું વર્ચયુઅલી કરાવશે શુભારંભ
ગુજરાતના આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે વર્ચયુઅલી કરાવશે શુભારંભ :-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
- રૂા.૪૭૦ કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલને ૮૫૦ પથારી સાથે વધુ સજ્જ બનાવાઇ: બાળકો માટેની અલાયદી હૃદયરોગની સારવાર ઉપલબ્ધ
- દેશના સૌથીમોટા ગિરનાર રોપવેનું કરાશે લોકાર્પણ : ભગવાન દત્તાત્રેયના દર્શનના લ્હાવા સાથે કુદરતી સાનિધ્ય માણવા નવું નજરાણું
- ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ના પ્રથમ તબક્કાનું કરાશે લોકાર્પણ
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ જૂનાગઢ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મહેસૂલ મંત્રી શ્રી યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે રહેશે ઉપસ્થિત
અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર
ગાંધીનગર, ૨૧ ઓક્ટોબર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મહત્વના આરોગ્ય,પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૪મી ઓક્ટોબરે દિલ્હીથી વર્પ્યુઅલી શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ જૂનાગઢ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સહભાગી બનશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સન્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકોકે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરાશે.
તેમણે ઉમેર્યુ કે, દેશના સૌથી મોટા રોપ વે-ગિરનાર રોપવેનું પણ આ જ દિવસે લોકાર્પણ કરાશે. ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના દર્શન માટે ૧૦ હજારથી વધુ પગથિયા ચડીને જવું પડતુ હતું. એમાંથી યાત્રિકો-વૃદ્ધો , બાળકોને મુક્તિ મળશે અને રોપવેના દ્વારા દર્શનનો લાભ લઇ શકશે. સાથે સાથે ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયન જોવા માટે લાખ્ખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપ વે નું નવું નજરાણું આહલાદક બની રહેશે. રોપ વે ધ્વારા ગીરનારના જંગલને જોવાનો અનેરો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.
નાયબ મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યુ કે,રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવીધા મળે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બે થી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’નો પણ આ જ દિવસે વડાપ્રધાનશ્રી દ્વારા શુભારંભ કરાવાશે. આમ, રાજ્યના નાગરિકોને આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેની સિંચાઇ સુવીધા માટેના આ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજ્યના નાગરિકોની સુખાકારી વધશે અને વધુને વધુ સવલતો મળતી થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.