Water plant VDR 5

વડોદરા જિલ્લા વહીવટી તંત્રનું પંચ જલ સેતુ આયોજન

Water plant VDR 5

પાણીના ક્ષેત્રમાં અભિનવ અને પ્રેરક પાંચ પહેલનો દિશા દર્શક સમન્વય

આ પહેલોમાં સુસંકલીત જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ગ્રામીણ વિસ્તારના વપરાશી પાણીનું શુદ્ધિકરણ અને પુનઃ વપરાશ સૂર્ય જળ પ્રકલ્પ વર્ષા જળ નિધિ સંકલિત પેય જળ વ્યવસ્થાપન પ્રકલ્પ અને સુજલામ સુફલામ્ જળ અભિયાનનો સમાવેશ

VDR Water plant 3

પ્રત્યેક ઘરને નળ દ્વારા પાણી ઘર અને વ્યાપારિક વપરાશના પાણીનું શુદ્ધિકરણ અને પુનઃ ઉપયોગ સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા આયોજન અને શાળાઓની છતો પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંરક્ષણ તેમજ પાણીની ટાંકીઓની ટોચ પર સોલાર પેનલ લગાવી સૂર્ય વીજળીનું ઉત્પાદન.. આ પ્રકારનું બહુ આયામી સંકલિત જળ આયોજન દેશમાં જિલ્લા સ્તરે પહેલીવાર કરવામાં આવ્યું છે

ભારત સરકાર અને ગુજરાત સરકારની ટોચ અગ્રતાઓ માં સમુચિત અને બહુ પાંખી વોટર મેનેજમેન્ટ નો સમાવેશ થાય છે.દેશના પ્રધાનમંત્રીએ વરસાદના ટીપે ટીપાને જમીનમાં ઉતરી ભૂગર્ભ જળ ભંડાર ભરવાનો અનુરોધ કર્યો છે.તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ખાસ કરીને વપરાશી પાણીને શુદ્ધ કરીને પીવા સિવાયના અન્ય ઉપયોગમાં લેવા અને એ રીતે જળ સંપત્તિને સાચવવાની નીતિ અમલમાં મૂકી છે

Water plant VDR 4

તેવા સમયે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે,જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પાણીના ક્ષેત્રમાં અભિનવ અને પ્રેરક પાંચ પહેલાંનો દિશા દર્શક સમન્વય કરીને પંચ જલ સેતુનું અભિનવ આયોજન કર્યું છે જે વડોદરા જિલ્લાને વોટર સિક્યોરિટીની દિશામાં લઈ જશે.


પંચ જલ સેતુમાં પ્રધાનમંત્રી શ્રી પ્રેરિત નલ સે જલ અભિયાનને સાકાર કરવા જિલ્લાના પ્રત્યેક ઘરને નળ જોડાણ ,ઘર અને વ્યાપારિક વપરાશના ગંદા પાણીને શુદ્ધ કરી પીવાના ઉપયોગ સિવાય ખેતી અને અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવો,ભૂગર્ભ જળને બદલે જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓને સરફેસ વોટર આધારિત યોજનાઓમાં રૂપાંતરિત કરવી,પાણી પુરવઠા માટેની ઊંચી ટાંકીઓની ટોચની ખાલી જગ્યાઓમાં સોલાર પેનલ ગોઠવી સૂર્ય વીજળીનું ઉત્પાદન કરવું અને શાળાઓની છતો પર પડતું વરસાદનું પાણી જમીનમાં ઉતારવાના અને રાજ્ય સરકારના સુજલામ સુફલામ્ અભિયાન હેઠળ તળાવો અને જળ સંગ્રહ માટેના સ્ત્રકચરો ની જળ સંગ્રહ શક્તિ વધારવાના આયોજનો નો સમાવેશ થાય છે.વડોદરા જિલ્લા નું આ સુસંકલીત પાણીદાર આયોજન પાણીના મેનેજમેન્ટની બાબતમાં દેશના તમામ જિલ્લાઓને રાહ ચિંધનારું બની રહેશે.

Tab Water plant

વિગતવાર વાત કરીએ તો વર્ષા જળ નિધિ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાની એક હજાર સરકારી શાળાઓમાં ,છતો પર પડતાં વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતરવાનું આયોજન દેશમાં પ્રથમવાર થયું છે અને તેની નોંધ દેશના પ્રધાનમંત્રીશ્રીે એ લીધી છે અને આ પહેલને તેમણે દેશના તમામ જીલ્લાઓ માટે પ્રેરક ગણાવી છે.લો કોસ્ટ સ્ટ્રકચર દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા એ આ પ્રોજેક્ટની આગવી ખાસિયત છે અને માત્ર ૯ મહિનાના ટુંકા ગાળામાં જળ સંરક્ષણના આ માળખાં ૧૦૦૦ શાળાઓ બનાવવામાં આવ્યા છે.


દેશના પ્રત્યેક ઘર માટે નળ દ્વારા પાણી પુરવઠાની વ્યવસ્થા એ પ્રધાનમંત્રી પ્રેરિત અભિયાન છે.ભારત સરકારે આ વ્યવસ્થા સાકાર કરવા માટે ૨૦૨૪ની અને ગુજરાત સરકારે ૨૦૨૨ ની સમય સીમા નિર્ધારિત કરી છે.જ્યારે વડોદરા જિલ્લામાં નલ સે જલ પ્રોજેક્ટની ૯૫ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.નિકટ ભવિષ્યમાં વડોદરા જિલ્લો પ્રત્યેક તાલુકાના પ્રત્યેક ઘરમાં નળ જોડાણ ધરાવતો પ્રથમ જિલ્લો બનવા તરફ અગ્રેસર છે.

Water plant 2

વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકાના ચિખોદરા ગામે,રાજ્યના ગ્રામ વિસ્તારનો ગામડાના ઘર અને વ્યાપારિક વપરાશ ના મલિન જળને શુદ્ધ કરીને,પીવાના ઉપયોગ સિવાય ના ખેતી સહિતના અન્ય ઉપયોગમાં લેવાનો પ્રથમ પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે જેનું લોકાર્પણ ખુદ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.ઔદ્યોગિક એકમોના સહયોગ થી,સી.એસ.આર.હેઠળ નો આ પ્રોજેક્ટ ગ્રામ વિકાસ અને ગ્રામ સ્વચ્છતા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ નું ઉજ્જવળ ઉદાહરણ પ્રસ્થાપિત કરે છે.


વડોદરા જિલ્લા વહીવટી તંત્રે જિલ્લા ખનીજ સંપદા ભંડોળનો વિનિયોગ કરીને,જિલ્લાના વિવિધ ૨૨ ગામોમાં આવેલી પાણી પુરવઠાની ઊંચી ટાંકીઓ – વોટર ટેંકસ ની ટોચની ખાલી જગ્યાઓ પર સોલર પેનલ લગાવી શુદ્ધ અને પર્યાવરણ રક્ષક સૂર્ય ઊર્જાના ઉત્પાદન નું આયોજન કર્યું છે.તેના પગલે ગ્રામીણ વોટર વર્કસના વીજ બિલમાં વાર્ષિક રૂ.૧૦ લાખ થી વધુ રકમની બચત થશે અને પંચાયતોનો આર્થિક બોજ હળવો થશે.આ પ્રયોગ પણ દેશના જિલ્લાઓમાં પ્રથમ અને પહેલ સમાન છે.

Water plant

જિલ્લાની મોટા ભાગની પાણી પુરવઠા યોજનાઓ ભૂગર્ભ જળ આધારિત હતી.રાજ્ય સરકારના પીઠબળ થી ભૂગર્ભ જળનું દોહન કરતી અને જળ ભંડાર ખાલી કરતી આ યોજનાઓને નર્મદા, મહી જેવી નદીઓના સરફેસ વોટર આધારિત યોજનાઓમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે.તેના પગલે જિલ્લાના પાણી પુરવઠાની આપદા ભોગવતા ગામોની હાલાકીનું નિવારણ થશે.રાજ્ય સરકારે આ કામો માટે કરોડો રૂપિયાના અનુદાન ફાળવ્યા છે.પાણી પુરવઠા નિગમ દ્વારા સમય પત્રક પ્રમાણે આ યોજનાઓ સાકાર કરવામાં આવી રહી છે.સુજલામ સુફલામ્ જળ શક્તિ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં તળાવો સહિતના જળ ભંડારોની ઊંડાઈ વધારી,સાફ સફાઈ કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું નોંધપાત્ર કામ થયું છે.

VDR Water plant

જેના પગલે વડોદરા જિલ્લો મોટાભાગે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા વ્યવસ્થા ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બનશે અને સુસંકલીત વોટર મેનેજમેન્ટ નું અનુકરણીય ઉદાહરણ વડોદરા જિલ્લો બની જશે.પાણી વગર વિકાસ શક્ય નથી.વોટર સફિસિયનસી ભાવિ વિકાસ માટે અનિવાર્ય છે.પાણીનું સંકલિત અને બહુ આયામી પ્રબંધન જ ભાવિ જળ સમસ્યાઓનો ઉકેલ બની શકે. આ બધી બાબતોમાં વડોદરા જિલ્લાનું પંચ જલ સેતુ આયોજન રાજ્ય માટે અને દેશ માટે નવો રાહ ચિંધશે.

અહેવાલ:સુરેશ મિશ્રા,વડોદરા