Vadodara central jail

કેદીની સાથે એના પરિવારે સજા ભોગવવી પડે એ ન્યાયી નથી: અધિક્ષક, વડોદરા મધ્યસ્થ જેલ

Vadodara central jail
  • કેદીની સાથે એના પરિવારે સજા ભોગવવી પડે એ ન્યાયી નથી
  • રાજ્ય સરકારનો સમાજ સુરક્ષા વિભાગ જેલ વિભાગના સહયોગથી માનવતા ભરેલી કેદી સહાય યોજનાનું સંચાલન કરે છે

યોજનાના નિર્ધારિત નિયમો હેઠળ પાત્રતા ધરાવતા કેદી જેઓ પોતાના કુટુંબના એકમાત્ર કમાનાર હોય એમના પરિવારને ધંધો રોજગાર માટે નાણાકીય સહાય મંજુર કરવામાં આવે છે વડોદરા સેન્ટ્રલ જેલમાં આ યોજનાનો ૨૦૧૧ થી અમલ કરવામાં આવી રહ્યો છે: ૭૫૭ લાયક લાભાર્થી કેદીઓના પરિવારોને ચૂકવવામાં આવી છે રૂ.૮૫.૩૦ લાખની સહાય

અહેવાલ: બી.પી.દેસાઈ ,વડોદરા

વડોદરા, ૦૭ જાન્યુઆરી: ગુજરાત સરકારે આવો જ કેદી સુધારણા અને કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, જેની પ્રતીતિ રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની જેલ વિભાગના સહયોગથી અમલી કેદી સહાય યોજના કરાવે છે.જેનો આશય પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિને જેલવાસ થવાથી નિરાધાર બનેલા પરિવારને ધંધા રોજગાર માટે સાધન સહાય આપીને, તેને ઓશિયાળા પણામાંથી બહાર આણી સ્વમાનભેર જીવવાની તક આપવાનો છે.નિર્ધારિત નિયમો પ્રમાણે લાયક કેદીને, તેના પરિવાર માટે આ સહાય મળી શકે છે.

Whatsapp Join Banner Guj

વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી બળવંતસિંહ વાઘેલાએ જણાવ્યું કે વડોદરા જેલમાં સન ૨૦૧૧- ૨૦૧૨ થી આ યોજનાનો ઉત્તરોત્તર વધુને વધુ સારો અમલ કેદી કલ્યાણ અધિકારીના માધ્યમથી થઈ રહ્યો છે જેના પરિણામે પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિના જેલવાસથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પરિવારોને ઘણી મોટી રાહત મળી છે. દશ વર્ષ દરમિયાન આ યોજના હેઠળ સમાજ સુરક્ષા વિભાગના માધ્યમથી વડોદરા સેન્ટ્રલ જેલના ૭૫૭ લાભને પાત્ર કેદીઓના પરિવારોને, મહત્તમ રૂ.૨૫ હજારની સાધન સહાયના ધોરણે રૂ.૮૫.૩૦ લાખની સહાય ચુકવવામાં આવી છે.

અમે કોરોનાના વર્ષમાં પણ આ યોજનાની કામગીરી અટકાવી નથી અને વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ૯૬ લાભાર્થી કેદીઓના પરિવારો માટે રૂ.૨૪ લાખની સહાય મંજુર કરી છે એવી જાણ કારી આપતાં કેદી કલ્યાણ અધિકારી શ્રી મહેશ રાઠોડે જણાવ્યું કે જેની આવક પર પરિવારના ગુજરાનનો આધાર હોય એવી મુખ્ય વ્યક્તિને પાંચ વર્ષ કે તેથી વધુ મુદતનો જેલવાસ થયો હોય અને પરિવાર ગરીબી રેખા હેઠળ શહેરી કે ગ્રામીણ વિસ્તાર માટે ઠરાવેલી આવક મર્યાદા હેઠળ આવતો હોય, એવા કેદીઓ પાસે થી જરૂરી અરજીઓ મેળવી યોજનાનો લાભ આપવાની કાર્ય વાહી હાથ ધરવામાં આવે છે.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જેલ સમિતિના માધ્યમથી અરજીઓની ચકાસણી અને અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આવી અરજીઓની રાજ્યના સમાજ સુરક્ષા નિયામક પાસેથી મંજુરી મેળવે પછી સહાય મંજૂર કરવામાં આવે છે. મહત્તમ પારદર્શકતા માટે મંજૂર થયેલી સહાયની રકમ સીધેસીધી લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા હેઠળ જમા કરાવવામાં આવે છે.

મહેશભાઈ એ જણાવ્યું કે કેદી લાભાર્થીનો પરિવાર આવકલક્ષી પ્રવૃત્તિ સરળતાથી કરી શકે તે માટે દુધાળા ઢોર, સિલાઈ મશીન, ચાર પૈંડા વાળી લારી જેવી અસ્ક્યામતો/ સાધનો સ્વરૂપે આ સહાય આપવામાં આવે છે. આ યોજનાથી આવક વંચિત કેદી પરિવારોને ઘણી મોટી રાહત મળી છે.કેદી કલ્યાણની આ સરળ અને પારદર્શક યોજના રાજ્ય સરકારના કેદી કલ્યાણના માનવતાથી મહેંકતા અભિગમની અનુભૂતિ કરાવે છે. યોજનાની શરૂઆતમાં સહાય રૂ.પાંચ હજાર હતી જે પાછળ થી વધારીને રૂ.દસ હજાર અને હાલમાં રૂ.૨૫ હજાર કરવામાં આવી છે.

આ પણ વાંચો…

જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના મધ્યસ્થ જિલ્લા કાર્યાલય સંતો-મહંત દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું