cm gnr 2

જીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન
જીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ

૭૪મા સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ ઘ્વજ વંદન કરી સલામી આપી હતી. કોરોના મહામારીમાં પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક અદા કરનાર આરોગ્ય ક્ષેત્રેના કોરોના વોરિયર્સનું સન્માન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કોરોના વોરિયર્સએ પોતાની ફરજ વિશેના અભિપ્રાય અને લાગણીઓ વ્યક્ત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ અદા કરતાં શ્રી જોયસ ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, અઢ્ઢી મહિના પહેલા અમારા શહેરમાં કોરોનાએ પ્રવેશ કર્યો હતો. ત્યારથી આજદિન સુધી અમારી ટીમે પોતાના જીવના જોખમની પરવાહ કર્યા વિના રાત-દિવસ દર્દીઓની સેવા કરી છે. કોરોનાના દર્દીઓને તેમજ સુરેન્દ્રગનર શહેરના રહીશોને સાયકોલોજીકલ સપોર્ટ તેમજ જરૂર જણાય ત્યાં કાઉન્સિલીંગ પુરૂ પાડયું છે. દર્દીઓની સેવા સારવારમાં પણ સતત ખડેપગે રહ્યા છીએ. આ સમયગાળામાં હું પણ કોરોનાની ઝપટમાં આવી ગઇ હતી. એટલું જ નહિ મારો કોરોનાનો ચેપ મારા પતિને પણ લાગ્યો હતો. અમે બન્નેએ હિંમત હાર્યા વગર કોરોનાને મ્હાત આપી ફરજ પર પુન: જોડાઇ ગયા હતા. મારા જેવા અદના સેવકની નોંધ લઇ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના હસ્તે ગાંધીનગર બોલાવીને જાહેરમાં મારું સન્માન કર્યું તે બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.

સુરત જિલ્લાના બારડોલી ખાતે ઉમરાખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રીમતી પિન્કી રાજુભાઇ ક્રીસ્ટીએ જણાવ્યું હતું કે, હું હાલ ઘન્વનંતરી રથમાં ફરજ બજાવુ છુ. ઘરે ઘરે ફરીને કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધીને તેમને જરુરી સમજણ આપી છે. અન્ય બિમારી ધરાવતા દર્દીઓને હોસ્પિટલ જવુ ન પડે તે માટે ઘરે દવાઓ પહોંચાડી છે. અને કોરોના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરાવી કોવીડ હોસ્પિટલમાં રીફર કર્યા છે. હેલ્થ એજ્યુકેશન આપ્યાની સાથોસાથ નિયમિત ચેકઅપ, ફોલોઅપ તેમજ ઉકાળા વિતરણની કામગીરી નિષ્ઠા પુર્વક નિભાવી છે. સરકારનો ધન્વંતરિ રથનો પ્રોજેક્ટ સાચા અર્થમા સફળ સાબિત થયો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમારી કામગીરીની નોંધ લીધી તે બાબત અમારા માટે ગૌરવની વાત છે અને તે બદલ હુ સંવેદનશીલ એવા રૂપાણી સાહેબનો ખુબ ખુબ આભાર માનુ છુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મદદનીશ પ્રાધ્યાપક-મેડિસીન તરીકે ફરજ અદા કરતા ડૉ. કાર્તિકેય પરમારે જણાવ્યુ હતુ કે મને કોવિડ હોસ્પિટલમાં જવાબદારી સોંપવામાં આવી હતી. કોવિડ પોઝીટીવ દર્દીઓના મેનેજમેન્ટની મહત્વપુર્ણ જવાબદારી સુપેરે નિભાવવા બદલ મારી નોંધ લેવાઇ અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે મને કોરોના વોરિયર્સ તરીકેનુ સન્માન મળ્યુ તે મારા માટે ગર્વની વાત છે. અમારી ટીમે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં દર્દિઓની સેવા સુશ્રૃશામા સહેજ પણ કચાસ ન રહે તેની પુરતી તકેદારી રાખી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી જયમીન બારોટે જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સી.એમડેશ બોર્ડ મારફતે કરવામાં આવતા સતત મોનિટરિંગ અને આપવામાં આવતા અવિરત માર્ગદર્શન થકી અમને દર્દીઓની સેવામાં સવિશેષ ઉર્જા મળી છે. આ સન્માન મારુ વ્યક્તિગત નહી પરંતુ અમારી આખી ટીમનુ સન્માન છે એવુ હુ માનુ છુ. વર્ગ-૧ થી લઇને વર્ગ-૪ ના તમામ અધિકારી-કર્મચારીઓએ ખુબ જ સરસ ટીમ વર્કથી ફરજ નિભાવી છે. ડેડ બોડી મેનેજમેન્ટ અને સેનિટેશન તથા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની મારી ઉત્તમ કામગીરીની નોંધ લઇ મારુ કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવા બદલ હુ મુખ્યમંત્રીશ્રી તથા અમારા આરોગ્ય વિભાગનો આભારી છુ.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નવિનભાઇ ચૌહાણને હેન્ડ સેનેટાઇઝર્સની સરળતાથી ઉપલબ્ધી મળી રહે તે માટે લોક ડાઉનના કપરા કાળમાં નિષ્ઠાપુર્વક કામગીરી કરવા બદલ કોરોના વોરિયર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી નવીનભાઇએ તેમના જેવા નાના કર્મચારીની કામગીરીની નોંધ લેવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.