Children Infection

Children Infection: કોરોનાના બીજા મોજાની કમનસીબી: ખૂબ નાની ઉંમરના બાળકો સંક્રમિત થયાં

Children Infection: સયાજી હોસ્પિટલની સદનસીબી: ૧૦ પથારીનું પીડિયાટ્રીક કોવિડ યુનિટ ૨૩ વધુ સંક્રમિત બાળકોની સઘન સારવારમાં ખૂબ ઉપયોગી નિવડયું

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૮ એપ્રિલ:
Children Infection: કોવિડ અને કમનસીબીની રાશિ એક છે.આ રોગના વર્તમાન બીજાં મોજાની ખાસિયત એ છે કે બહુધા નવજાતથી લઈને બાર થી તેર વર્ષની ઉંમર સુધીના બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે અને તેમને આ ચેપ મોટેભાગે વડીલો પાસેથી મળે છે.પોઝિટિવ સગર્ભા પોઝિટિવ શિશુને જન્મ આપે એવા કિસ્સા નોંધાયા છે. તેની સાથે બચપણથી જ કુપોષણ,લોહીની અછત, ન્યૂમોનિયા, કિડની જેવા રોગોથી પીડિત એટલે કે કો મોર્બિડ બાળકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું છે.

  • એક કોવિડ બાળ દર્દીની સારવાર સહુથી લાંબી લગભગ સાડા ત્રણ સપ્તાહથી વધુ સમય સુધી ચાલી
  • ઘરમાં વડીલો કોરોના સંક્રમિત હોય તો બાળકોને તેમના સંપર્કથી દુર રાખવાની મહત્તમ કાળજી લેવી જોઈએ: ડો.શીલા ઐયર

વડોદરાની સયાજી હોસ્પિટલ અને સદનસીબીનો પ્રાસ બેસાડીએ તો બાળ રોગ વિભાગમાં બાળ સંક્રમણના (Children Infection) આસાર જણાતા જ ૧૦ પથારીની પિડીયાટ્રીક કોવિડ ફેસિલીટી બાળ રોગ વિભાગમાં ઊભી કરવામાં આવી જે ૨૩ જેટલા વધુ પડતાં સંક્રમિત બાળકોની સઘન ઇન્ડોર સારવારમાં ખૂબ ઉપયોગી નીવડી. લાંબામાં લાંબી સારવારની વાત કરીએ તો વિવિધ પ્રકારના સહ રોગો ધરાવતા એક બાળકની સારવાર લગભગ સાડા ત્રણ સપ્તાહ કરતાં પણ વઘુ લાંબી ચાલી પરંતુ એ બાળક આખરે સ્વસ્થ થતાં સહુને ભગવાને બોનસ આપ્યું હોય એવી પ્રતીતિ થઈ.

કોવિડ ઓપિડીમાં ચેપની સંભાવના વાળા કુલ ૧૩૫ બાળકોના નિદાન (Children Infection) દરમિયાન ૭૧ નેગેટિવ જણાયા અને ૬૪ પોઝિટિવ પૈકી ૪૧ બાળકો ખૂબ ઓછા લક્ષણો ધરાવતા હોવાથી ઘર સારવાર હેઠળ મૂક્યા એવી જાણકારી આપતાં બાળ રોગ વિભાગના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું કે બાકીના ૨૩ બાળકોને વધુ લક્ષણો અને સહ રોગો હોવાથી અંદરના દર્દી તરીકે અમારા વિશેષ એકમમાં દાખલ કરીને સઘન સારવાર આપવાની જરૂર પડી.આ પૈકી બે બાળકો જે વિવિધ સહ રોગોથી પણ પીડાતા હતા,તેમની જિંદગી ખૂબ જહેમત કરવા છતાં ન બચાવી શકાય જ્યારે ૨૧ બાળકોને અમે સ્વસ્થ અને હેમખેમ ઘેર મોકલી શક્યા.

તેમણે જણાવ્યું કે ઓછા લક્ષણો વાળા બાળકો મોટેભાગે શરદી,ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હતા.જેમની ઘર સારવાર શક્ય બની.ઘર સારવાર ની ભલામણ કરવામાં આવી તે પૈકી પાછળથી એક કે બે બાળકોને દાખલ કરવાની જરૂર પડી હતી. તેમણે દાખલો આપતાં જણાવ્યું કે મનોજભાઈ નગરશેઠના ત્રણ બાળકો સંક્રમિત થયાં એ પૈકી દોઢેક વર્ષના બાળકને દાખલ દર્દી તરીકે સારવાર આપવી પડી જ્યારે બે દીકરીઓ ઘર સારવાર હેઠળ સાજી થઈ ગઈ. ઇન્ડોર સારવારની જરૂર પડી એ પૈકી પાંચ બાળકો તો તાજા જન્મેલા એટલે કે નવજાત શિશુ હતા.આ લોકો પૈકી કેટલાક ગર્ભમાંથી ચેપ લઈને આવ્યા હતા તો કેટલાકને કેર ટેકર એટલે કે વડીલોનો ચેપ લાગ્યો હતો.

Whatsapp Join Banner Guj

તેને અનુલક્ષીને ડોકટર શીલા જણાવે છે કે ઘરમાં જો વડીલો સંક્રમિત હોય તો બાળકોને તેમનાથી સલામત અને દૂર રાખવાની ખૂબ કાળજી લેવી જરૂરી છે.લોહી ની ઉણપ,કુપોષણ,ન્યૂમોનિયા પીડિત બાળકોમાં ચેપની અસર વધુ જણાઈ.કેટલાક બાળકોને લોહી પણ ચઢાવવું પડ્યું.રાહત ની વાત એ રહી કે સંક્રમણ વાળા બાળકો પૈકી ૮૦ થી ૮૫ ટકા બાળકો હોમ ટ્રીટમેન્ટથી જ સાજા થઈ ગયા. સામાન્ય રીતે સંક્રમણની પ્રકૃતિ હોવાથી કોવિડના વયસ્ક દર્દીઓ સાથે એમના સ્વજનોને રહેવાની છૂટ નથી.પરંતુ શિશુ કે બાળ દર્દી માતા પિતા કે વડીલ વગર રહી શકે નહિ. એ ધ્યાનમાં રાખીને બાળ સારવાર વિભાગમાં દર્દી બાળકની સાથે તેના માતા પિતા કે વડીલને રહેવાની સુવિધા આપવામાં આવી.તકેદારી માટે આ લોકો સ્ટાફની જેમ જ પી.પી.ઇ.કીટ પહેરીને બાળ દર્દી સાથે રહે એવી વ્યવસ્થા રાખી છે.

જે ૨૩ બાળકોને દાખલ દર્દી તરીકે સારવાર આપી તે પૈકી ૧૭ બાળકો કુપોષણ,ખૂબ ઓછું લોહી,કિડની ટયુમર,લીવર ના રોગો જેવી તકલીફો ધરાવતા હતા એમ તેમણે જણાવ્યું. આ સમયગાળા માં કોવિડની આડ અસર જેવા મલ્ટી ઈનફ્લે મેટરી સિંડ્રોમ ઓફ ન્યૂ બોર્નની તકલીફ ધરાવતા ૧૪ બાળકોને પણ આ વિભાગમાં સારવાર આપવામાં આવી હતી.

બાળકોની સારવાર વયસ્કો કરતા વધુ જટિલ અને કુશળતા તથા અનુભવ માંગી લેનારી હોય છે.સયાજીનો બાળ રોગ વિભાગ ખૂબ નિષ્ઠા સાથે આખું વર્ષ જરૂરી સામાન્ય અને વિશેષ સારવાર દ્વારા બાળ તંદુરસ્તીની કાળજી લે છે. બાળ કોવિડથી તેમાં એક નવો પડકાર ઉમેરાયો.પરંતુ ડો.શીલા ઐયરના અનુભવી નેતૃત્વ હેઠળ તબીબો અને સ્ટાફની સમર્પિત ટીમે આ પડકારનો સકારાત્મક સામનો કરી બાળ દર્દીઓની જીવન રક્ષા કરી છે.

આ પણ વાંચો…Dhanvatari covid Hospital: ઘન્વતરી કોવિડ હોસ્પિટલમાં લેબ, સી.ટી. સ્કેન, ડાયાલિસીસ જેવી અત્યાધુનિક ઇનહાઉસ સુવિધાઓ ઉપલબ્ધ

ADVT Dental Titanium