ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના

ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦.
પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ
કુલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો- ૨૬૨ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ
……
ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં
બુધવારે રાત સુધીમાં ગુજરાતની વિશેષ ટ્રેન રવાના થશે
…….
સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સહિતની વ્યવસ્થાઓ સાથે
શ્રમિકો પોતાના વતન જવા રવાના થાય છે

screenshot 20200512 152823 013554475351990038568


……
મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૨૬૨ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૩ લાખ ૯૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી આવી ૬૪૦ વિશેષ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ૨૬૨ ટ્રેન એટલે કે ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે.
આજે વધુ ૩૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે, એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાંથી મળીને કુલ ૬૪૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવેલી છે. તેમાં એક માત્ર ગુજરાતે ર૬ર ટ્રેન એટલે કે ત્રણ આંકડાનો ફિગર પાર કર્યો છે. આવી દોડાવવામાં આવેલી ટ્રેનના કુલ ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી દોડી છે.
શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ કે, મહારાષ્ટ્રમાંથી ૯૯ (૧પ ટકા), પંજાબથી ૮૧ (૧૩ ટકા), રાજસ્થાન ર૭ (૪ ટકા), કર્ણાટક ૩૬ (પ ટકા) અને તેલંગાણા ૩૩ (પ ટકા) ટ્રેન રવાના થઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલ મંગળવારે રાત્રી સુધીમાં ગુજરાતમાંથી ૨૬૨ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જે સાથે કુલ ૩.૩૪ લાખ પરપ્રાંતીયો શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઈ પણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
આજે બુધવારે અન્ય ૩૭ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશ માટે ૨૭, બિહાર માટે પાંચ ટ્રેન, ઓરિસ્સા માટે ૩ ટ્રેન અને મધ્યપ્રદેશ-છત્તીસગઢ માટે ૧-૧ ટ્રેન દોડશે. અમદાવાદથી ૧૦ ટ્રેન, સુરતથી ૧૨ ટ્રેન, રાજકોટથી ૪ ટ્રેન, વડોદરાથી ૩ ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી ૧-૧ મળીને આજે રાત સુધીમાં રવાના થનાર ૩૭ ટ્રેનમાં વધુ ૫૬,૮૦૦ પરપ્રાંતીયો – શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્યમાં જે શ્રમિકો પહોંચ્યા છે અને આવી ટ્રેન મારફતે પહોંચી રહ્યા છે તેનો આંક ૩ લાખ ૯૦ હજાર જેટલો થવા જાય છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..