રાજ્ય મંત્રીમંડળની બેઠક:પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પસાર કરાયો

  • મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓની ઉપસ્થિતી
  • પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પસાર કરાયો
  • મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળી સદ્દગત કેશુભાઇને શ્રદ્ધાંજલિ સાથે પરમાત્માને દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૨૯ ઓક્ટોબર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓની મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઇ પટેલના અવસાન અંગે ઊંડા ખેદ અને દુ:ખની લાગણી વ્યકત કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીમંડળે પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ પટેલને ભાવસભર શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો

રાજ્ય મંત્રીમંડળે પસાર કરેલ શોક પ્રસ્તાવ અક્ષરશ: આ મુજબ છે:- ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના અગ્રણી રાજનેતા શ્રી કેશુભાઈ પટેલનું સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદ ખાતે તા. ૨૯/૧૦/૨૦૨૦ના રોજ ૯૨ વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનની મંત્રીમંડળે ઊંડા ખેદ સાથે નોંધ લીધી છે. શ્રી કેશુભાઈ પટેલનો જન્મ ૨૪મી જુલાઈ, ૧૯૨૮ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે થયો હતો. તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં જોડાયા હતાં. તેઓએ ભારતીય જનસંઘથી રાજનીતિની શરૂઆત કરી હતી.૧૯૭૭માં પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી રાજ્યના કૃષિમંત્રી તરીકે તેમજ સને ૧૯૯૦માં નર્મદા, જળસંપત્તિ, વાહન વ્યવહાર અને બંદરો વિભાગના મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.

keshu bhai patel 1
ફાઈલ ફોટો

ઈ.સ. ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ હોનારતમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. શ્રી કેશુભાઈ પટેલ ૧૯૭૮ થી ૧૯૯૫ સુધી કાલાવાડ, ગોંડલ અને વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ હતાં. ૧૯૮૦માં શ્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય રહ્યા હતા. ૧૯૯૫માં પ્રથમવાર તેઓના નેતૃત્વમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને તેઓએ રાજ્યના ૧૦માં મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૮માં કેશુભાઈ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતાં.

whatsapp banner 1

મુખ્યમંત્રી તરીકે રાજ્યના ખેડૂતો અને ગામડાઓના વિકાસ સાથે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમો કર્યા હતાં. વર્ષ ૨૦૦૧માં આવેલ ભૂકંપ સમયે તેઓ દ્વારા ગુજરાતને (ખાસ કચ્છ જિલ્લાને) બેઠું કરવા કરેલ કામગીરી ખૂબ જ પ્રસંશનીય રહી હતી. તેઓ વર્ષ ૨૦૦૨માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતાં. શ્રી કેશુભાઈ પટેલ હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું. તેઓની રાજકીય કારકીર્દિ સમગ્ર રાજ્ય માટે ગર્વ સમાન હતી.

જેઓની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં ફેલાયેલી આ શૂન્યતાને પૂરવાનો કોઈ વિકલ્પ નથી તેવા સ્વ. શ્રી કેશુભાઈ પટેલના અવસાન અંગે રાજ્ય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે. મંત્રીમંડળ, આજની બેઠકમાં સ્વ. શ્રી કેશુભાઈ પટેલના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થશ્રીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પે છે.
દિવંગત સ્વ. કેશુભાઇ પટેલના આત્માની પરમશાંતિ માટેની પ્રભુ પ્રાર્થના સાથે મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળીને સ્વર્ગસ્થને ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો: આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા

error: Content is protected !!