રાજકોટ જિલ્લાના છેવાડાના વિંછીયા ખાતે “રૂર્બન યોજના” અન્વયે સર્વાંગી વિકાસ

વિંછીયામાં રૂ. ૨૫૨૧.૯૧ લાખના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાની ૪૦ ટકા કામગીરી પૂર્ણ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૧૬ ઓક્ટોબર: “જયાં માનવી ત્યાં વિકાસ” ના મંત્રને વરેલી રાજય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષા સુધી આધુનિક માળખાગત સુવિધા વડે તાલુકા, જિલ્લા અને રાજયના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવાઇ છે. જે પૈકીની એક મહત્વાકાંક્ષી યોજના એટલે “રૂર્બન યોજના”. આ યોજના અન્વયે તાલુકા કક્ષાના ગામમાં શહેર કક્ષામાં ઉપલબ્ધ એવી તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ રહી છે.

 રાજકોટના છેવાડાના વિંછીયા ખાતે રૂર્બન યોજના હેઠળ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના દ્વારા રૂ. ૨૫૨૧.૯૧ લાખના ખર્ચે “વિંછીયા ભુગર્ભ ગટર યોજના” ની કામગીરી હાથ ધરાઈ છે. આ ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ૨ વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી છે. આ કામગીરીમાં સીવર કલેકટીંગ સિસ્ટમ, પમ્પીંગ સ્ટેશન, હાઉસ કનેકશન ચેમ્બર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ યોજના હેઠળ ચાર વર્ષ માટે તેના મરામત અને નિભાવણી કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેમ પાણી પુરવઠા બોર્ડના વિંછીયા ખાતેના ના.કા.ઈ.શ્રી સંદિપ જોશીએ જણાવ્યું હતું. ૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ શરૂ કરવામાં આવેલું ભુગર્ભ ગટર યોજનાનું કામ લોકડાઉનના કારણે બંધ હતું તે ફરીથી શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં એજન્સી દ્વારા ભુગર્ભ ગટરની ૪૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ કામ માટે નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ જાય તેવા આયોજન સાથે કામ થઈ રહ્યું છે.

આ યોજના પૈકી ૩.૦૦ એમ.એલ.ડી ક્ષમતાના એસ.ટી.પી.ની કામગીરીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે, જેની કામગીરી ૧૫ માસના સમયગાળા દરમિયાન પૂર્ણ કરાશે. લોકડાઉનના કારણે આ કામગીરી શરૂ થઈ શકી નહોતી પરંતુ ટુંક સમયમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. આમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી હરેશ ડી. જોધાણીના માર્ગદર્શન હેઠળ છેવાડાના એવા વિંછીયા ખાતે આ યોજના અન્વયે વિકાસના મકકમ પગરણ થઇ ચુકયા છે. આગામી દિવસોમાં વિંછીયાની કાયાપલટ કરવા માટે અનેક કામો થનાર છે. 

*******    

loading…
error: Content is protected !!