CM 15thnaug

પાટનગર ગાંધીનગરમાં ઉજવાયું ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ.મુખ્યમંત્રીશ્રીએ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું

CM 15thnaug
  • ૭૪મો આઝાદી દિવસ બન્યો કોરોના વોરિયર્સ સન્માન દિવસ..
  • પોતાના જીવના જોખમે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી બજાવનારા ૪૫ આરોગ્ય સેવા કર્મીઓ કોરોના વોરિયર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન
  • કોવિડ સ્ટેટ ટાસ્ક ફોર્સમાં સેવા આપતા ૯ ખ્યાતનામ તબીબોની સેવાનો ઋણ સ્વીકાર કરી સન્માન કરાયું
  • સ્વરાજ્ય થી સુરાજ્યની યાત્રા દ્વારા છેવાડાના માનવી ગરીબ વંચિત પીડિતના ઉત્કર્ષ માટે સરકાર સંકલ્પબદ્ધ
  • નેશનલ ડિજિટલ હેલ્થ મિશનમાં ગુજરાત લીડ લેશે
  • જન સહયોગ થી કોરોના સામે નો જંગ જીતી હારશે કોરોના જીતશે ગુજરાત સાકાર કરવું છે
  • ફટાફટ જનહિત નિર્ણયો લઈ સરકાર ખેતી, ઉદ્યોગ, ઊર્જા, આરોગ્ય, શિક્ષણ હેરક ક્ષેત્રે હોલિસ્ટિક ડેવલપમેન્ટથી આગળ વધી છે
  • લોકડાઉનમાં પાંચ કરોડ લોકોને ૩ મહિના ૩૩૩૮ કરોડ રૂપિયાના મૂલ્યનું ૧૨૭ લાખ ક્વિન્ટલ અનાજ વિના મૂલ્યે આપ્યું
  • ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો ૩.૪ ટકા
  • ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૦થી સમુચિત ઉદ્યોગ વિકાસને વેગ મળશે
  • પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના કોલમાં ગુજરાત ખભે ખભા મિલાવી અગ્રેસર રહેશે
CM GNR

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે પાટનગર ગાંધીનગરમાં ધ્વજવંદન કરાવતા સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કર્યો કે, સ્વરાજ્યમાંથી સુરાજ્યની યાત્રા દ્વારા છેવાડાના માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિતના ઉત્કર્ષ આપણે સંકલ્પબદ્ધ છીએ.
તેમણે કહ્યું કે કોરોનાની વિશ્વવ્યાપી મહામારીના પ્રવર્તમાન સંજોગોમાં આ ૭૪મું સ્વતંત્રતા પર્વ સામાજિક અંતર-સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉજવાઈ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત જન સહયોગથી ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’નો મંત્ર અવશ્ય પાર પાડશે, કોરોનાને દેશવટો-રાજ્યવટો આપવામાં ગુજરાત સફળ થશે તેવી શ્રધ્ધા દર્શાવી હતી.
ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક પરિસરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર એમ ત્રણ વિરલ વિભૂતિઓની પ્રતિમા સન્મુખ આ સાદગીપુર્ણ પરંતુ ગરીમામય ઉજવણી સંપન્ન થઇ હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે જાહેર કરેલા ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ લીડ લેવા ગુજરાત સજ્જ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ડિજિટલ અને ઓનલાઈન ક્ષેત્રે ગુજરાતે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે. હવે આ ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ આપણે અગ્રેસર રહીને આગામી દિવસોમાં ગુજરાતના હેલ્થ સેકટરને સુદ્રઢ-શક્તિશાળી બનાવીશું.
મુખ્યમંત્રીશ્રીએ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વને કોરોના વોરીયર્સ સન્માન અવસર બનાવતા રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સંકમિતોની સારવાર પોતાના જીવના જોખમે પણ કરનારા રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગના ૪૫ જેટલા તબીબો અને આરોગ્ય સેવા કર્મીઓને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.
તેમણે રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સમાં સેવા-યોગદાન આપી રહેલા ૯ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ તબીબો પદ્મશ્રી ડૉ. પંકજ શાહ, પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ડૉ. આર.કે. પટેલ, ડૉ. દિલીપ માવળંકર, ડૉ. વી.એન. શાહ, ડૉ. અતુલ પટેલ, ડૉ. અમી પરીખ, ડૉ. મહર્ષિ દેસાઈ અને ડૉ. તુષાર પટેલનું પણ સન્માન કર્યુ હતું.

cm gnr 2

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ બાવજૂદ પણ ગુજરાતની વિકાસયાત્રા ‘‘ન રુકના હૈ, ન ઝૂકના હૈ’’ના મંત્ર સાથે સતત આગળ વધારી છે તેની વિશદ ભૂમિકા આપી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ, ઉદ્યોગ, ઉર્જા, શિક્ષણ, સેવા ક્ષેત્રોમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટના સર્વગ્રાહી એપ્રોચથી સરકાર કાર્યરત છે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પૂર, વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ કોઈપણ આપત્તિને પહોંચી વળવા અને પડકારોને તકમાં પરિવર્તિત કરવાના સંસ્કાર ગુજરાતે કેળવ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે ખેડૂતોને ખરીફ ઋતુમાં પાકને કોઈપણ પ્રકારે થતાં નુકસાન સામે એક પણ પૈસાનું પ્રિમીયમ લીધા વિના આ સરકાર ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’માં સહાય કરવાની છે. જગતના તાતને પૂરતું પાણી, વીજળી, ખાતર, બિયારણ આપીને ધરતીપુત્રોના બાવડામાં બળ પુરી આખા જગતની ભૂખ ભાંગવા શક્તિમાન બનાવ્યા છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જળ સંચય જળસિંચનમાં ગુજરાતે વોટર સરપ્લસ સ્ટેટ બનવા તરફ કદમ માંડ્યા છે તેની ભૂમિકામાં જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ-૧૯૬૦ થી વર્ષ-૨૦૦૦ એમ ૪૦ વર્ષમાં માત્ર ૧૮,૩૫૬ ચેકડેમ બન્યા હતા.
આપણે છેલ્લા ૧૯ વર્ષમાં ૧ લાખ ૫૧ હજાર ચેક ડેમ બનાવ્યા છે એટલું જ નહીં, સુજલામ સુફલામ જળ અભિયાનથી ૪૨ હજાર લાખ ઘન ફુટ પાણી સંગ્રહ ક્ષમતા વધારી છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ ક્ષેત્રે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૦થી ગુજરાતે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા સાથે આત્મનિર્ભર ગુજરાતની દિશા અપાવી છે તેમ પણ જણાવ્યું હતું.
તેમણે ગુજરાતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો ઈનફ્લો ૨૪૦ ટકા તેમજ બેરોજગારી દર સૌથી ઓછો ૩.૪ ટકા છે તેમ જણાવતા દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટપ એકમાત્ર ગુજરાત ધરાવે છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટાચાર સામે જીરો ટોલરન્સની નીતિ આ સરકારે અપનાવીને કન્વીક્શન રેટ ૪૩ ટકા જેટલો કર્યો છે તેમ જણાવતા મહેસૂલ, આર.ટી.ઓ. વગેરેમાં ફેસ લેસ પદ્ધતિથી ભ્રષ્ટાચાર સમૂળગો દૂર કર્યો છે તેમ ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સરકાર નિર્ણાયક અને ફટાફટ જનહિત નિર્ણય કરતી સરકાર છે તેની ભૂમિકા આપતાં ઉમેર્યું કે, લૉકડાઉનના સમયમાં કોઇને ભૂખ્યા સૂવું ન પડે તે માટે NFSAના ૬૮ લાખ પરિવારો સહિત રાજ્યના પાંચ કરોડ લોકોને ત્રણ માસ માટે ૩૩૩૮ કરોડનું ૧૨૭ લાખ ક્વિન્ટલ અનાજ વિનામૂલ્યે આપ્યું છે.
૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળા દ્વારા ૨૬ હજાર કરોડની સાધન-સહાય દોઢ કરોડ લાભાર્થીઓને આપી આત્મનિર્ભરતાના માર્ગે વાળ્યા છે એમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે લોકોની આરોગ્ય સુખાકારીની પણ ચિંતા કરીને કોવિડની મહામારી સામે સઘન પગલાં લેવાને પરિણામે મૃત્યુદર ૨.૧ ટકા તેમજ પેશન્ટ રિકવરી રેટ ૭૮ ટકા થઈ ગયો છે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોના સંક્રમિતોની ભાળ મેળવવા રોજના ૫૦ હજાર ટેસ્ટ કરવામાં આવે છે તેમ તેમણે કહ્યું હતું, ધન્વંતરી રથના માધ્યમથી ૫૨ લાખ લોકોને એક જ માસમાં ઘર આંગણે સારવાર-દવા વિતરણ કરવાની સિદ્ધિની WHOએ પણ નોંધ લીધી છે તેનું ગૌરવ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સાથે પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના કૉલને સાકાર કરવામાં ગુજરાત અને ગુજરાતીઓ ખભે ખભા મિલાવશે તેઓ કૉલ આ રાષ્ટ્રીય પર્વે આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન બાદ સ્વર્ણિમ પાર્ક પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતુ.
મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવો શ્રીમતી સંગીતાસિંહ, પંકજકુમાર, એમ.કે.દાસ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, આમંત્રિતો, પોલીસ અને મુલ્કી સેવાના અધિકારીઓ આ ધ્વજ વંદન સમારોહમાં સહભાગી થયા ,હતા.
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ.