Mansukh Mandaviya 1009 scaled

શ્રી મનસુખ માંડવિયાએ આજે ‘SAROD-પોર્ટ્સ’નો પ્રારંભ કર્યો

mandaviyaRGHN

SAROD-પોર્ટ્સ એ દરિયાઇ ક્ષેત્ર સંબંધિત તમામ પ્રકારના વિવાદોના ઉકેલ માટે પરવડે તેવું વિવાદ નિવારણ વ્યવસ્થાતંત્ર છે

તે ભારતમાં બંદર ક્ષેત્રમાં આશા, વિશ્વાસ અને ન્યાયનું મુખ્ય વ્યવસ્થાતંત્ર બનશે : શ્રી માંડવિયા

10 SEP 2020 by PIB Ahmedabad

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ‘SAROD-પોર્ટ્સ’ (પરવડે તેવા દરે વિવાદોના નિવારણ માટે સોસાયટી-બંદરો)નો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે બોલતા શ્રી મનસુખ માંડવિયાએ SAROD-પોર્ટ્સને એક ગેમ ચેન્જર શરૂઆત ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, તે ભારતમાં બંદરોના ક્ષેત્રમાં આશાવિશ્વાસ અને ન્યાયનું મુખ્ય વ્યવસ્થાતંત્ર બનશે. શ્રી માંડવિયાએ એમ પણ ઉમેર્યું હતું કે, ઇજારાશાહી કરારોનું શબ્દશઃ અમલીકરણ કરાવવું તે સૌથી વધુ પ્રાથમિકતાએ છે. SAROD-પોર્ટ્સની મદદથી નિષ્પક્ષ અને ન્યાયી રીતે વિવાદોનો ઉકેલ લાવી શકાશે અને સાથે-સાથે મોટા પ્રમાણમાં થતા કાયદાકીય ખર્ચ અને સમયની પણ બચત થશે.

જહાજ મંત્રાલયના સચિવ ડૉ. સંજીવ રંજને જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં તમામ મોટા બંદરો ‘લેન્ડલોર્ડ મોડલ’ તરફ રૂપાંતરિત થઇ રહ્યાં છે. સંખ્યાબંધ ઇજારેદારો મોટા બંદરો સાથે કામ કરી રહ્યાં હશે. SAROD-પોર્ટ્સ ખાનગી ખેલાડીઓમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરશે અને આપણા ભાગીદારો માટે સાચા પ્રકારના માહોલનું સર્જન કરશે. તે ઝડપી, સમયસર, ઓછા ખર્ચાળ અને મજબૂત વિવાદ ઉકેલ વ્યવસ્થાતંત્રના કારણે દરિયાઇ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપશે.

SAROD-પોર્ટ્સની સ્થાપના સોસાયટી નોંધણી અધિનિયમ 1860 અંતર્ગત નીચે ઉલ્લેખ કરવામાં આવેલા ઉદ્દેશો સાથે કરવામાં આવી છે:

  1. પરવડે તેવા દરે અને સમયસર નિષ્પક્ષ રીતે વિવાદોનો ઉકેલ
  2. મધ્યસ્થીઓ તરીકે ટેકનિકલ નિષ્ણાતોની પેનલ ધરાવતું ઉન્નત વિવાદ ઉકેલ વ્યવસ્થાતંત્ર બનાવવું

SAROD-પોર્ટ્સમાં ભારતીય બંદર સંગઠન (IPA) અને ભારતીય ખાનગી બંદર અને ટર્મિનલ સંગઠન (IPTTA)ના સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.

SAROD-પોર્ટ્સ દરિયાઇ ક્ષેત્રમાં મધ્યસ્થીઓના માધ્યમથી તમામ વિવાદોમાં સલાહ આપશે અને પતાવટમાં મદદ કરશે જેમાં મુખ્ય પોર્ટ ટ્રસ્ટમાં બંદરો અને જહાજ ક્ષેત્ર તેમજ ખાનગી બંદરો, જેટ્ટી, ટર્મિનલ અને હાર્બર સહિત બિન-મુખ્ય બંદરોને પણ સમાવી લેવામાં આવ્યા છે. તેમાં મંજૂરી આપતા સત્તામંડળો અને લાઇસન્સ લેનાર/ ઇજારેદાર/ કોન્ટ્રાક્ટર વચ્ચેના વિવાદોને તેમજ લાઇસન્સ લેનાર/ ઇજારેદાર અને તેમના કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવિધ કરારોના અમલીકરણ દરમિયાન ઉભા થતા વિવાદોને પણ આવરી લેશે.

‘SAROD-પોર્ટ્સ’ એ NHAI દ્વારા ધોરીમાર્ગ ક્ષેત્રમાં વિવાદોનું નિરાકરણ લાવવા માટે ગઠન કરવામાં આવેલા SAROD-રોડ્સ જેવી જ જોગવાઇ છે.

પૃષ્ઠભૂમિ:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જાન્યુઆરી 2018માં મોડેલ ઇજારાશાહી કરાર (MCA)માં સુધારાને માન્યતા આપવામાં આવી હતી. MCAમાં સુધારામાં મુખ્ય બંદરો પર PPP પરિયોજનાઓ માટે વિવાદ નિરાકરણ વ્યવસ્થાતંત્ર તરીકે SAROD-પોર્ટ્સનું ગઠન કરવાની પરિકલ્પના કરવામાં આવી હતી.